Skip to content

India Against Corruption!!! Right point but not the right way i guess.

21/10/2012

Read it and think about it.Courtesy: Bhaven Kachchhi, Ravipurti, Gujarat Samachar, Dated: 21-10-2012

વિકિલિક્સના વિસ્ફોટનું શું થયું? જુલિયન અસાન્જે અત્યારે ક્યાં છે?
અસાન્જે અને કેજરીવાલ

હોરાઇઝન – ભવેન કચ્છી
– ભ્રષ્ટાચાર કે કૌભાંડ તેની આઘાતજનક સંવેદના જ ગુમાવી બેસે તેવો ભય
– આ રીતે કેજરીવાલ રોજેરોજ પર્દાફાશનો ગંજીપો ચીપે રાખશે તો તમામ રાજકીય પક્ષો એકજુટ થઈ જશે. કેજરીવાલ પર જ શંકાની સોય તંકાશે

યાદ છે ખરૃં કે થોડા મહિનાઓ અગાઉ જુલિયન અસાન્જે નામના ઓસ્ટ્રેલિયન ‘વ્હીસલબ્લોઅર’ના ‘વિકિલિક્સ’થી વિશ્વભરના દેશો, મિડિયા અને મહાસત્તા જેવો અમેરિકા પણ ધણધણી ઉઠયો હતો. અસાન્જે અને તેની ટીમે હેકર્સના સ્વાંગમાં ટોચના નેતાઓ, ગંદી વૈશ્વિક રાજનીતિ, કૌભાંડો અને હત્યાઓનો નિયમિત ધારાવાહિકની જેમ પર્દાફાશ કરીને એ હદે હડકંપ મચાવ્યો હતો કે આપણને તે વખતે એવું જ લાગતું હતું કે બસ, હવે ગણતરીના દિવસોમાં જ ભલભલી સત્તા અને નેતાઓ ઉથલી પડશે. કેટલાયે મોટા માથા જેલભેગા થઈ જશે. ઈસ્લામ દેશો અને પશ્ચિમના દેશો વચ્ચે ભીષણ યુધ્ધ ફાટી નીકળશે, વગેરે. અસાન્જે અને તેની ટીમે વિકિલિક્સ નામની વેબસાઈટ ૨૦૦૬માં શરૃ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ૪૩ વર્ષિય અસાન્જે પોતાને ‘ઈન્ટરનેટ એક્ટિવિસ્ટ’ એડિટર ઈન ચીફ અને કોઈ સમારંભમાં વિશ્વ ઉધ્ધારક ક્રાંતિકારી તરીકે પણ ઓળખાવતો હતો. તેઓની કાર્યપધ્ધતિ અમાપ હતી. તેઓએ અમેરિકા, કેન્યા, યુરોપિય દેશો, સ્વીસ બેંક, અફઘાનિસ્તાન અને અન્ય વૈશ્વિક એજન્સી, સૈન્યમાં માહિતિની આપ-લેની ચેનલમાં કામ કરી શકે તેવા કર્મચારીઓ ગોઠવી દીધા હતા અને જરૃર પડે ત્યાં ફોડી લીધા હતા. ઉચ્ચ સ્તરેથી સંબંધીત વિભાગ, વ્યક્તિ કે એજન્સીને જે પણ માધ્યમથી કંઈક કાર્ય સોંપણી કે હુકમ થાય, મીટિંગમાં ચર્ચા થાય તો તેની લેખિત, કેબલ કે ઓનલાઈન માહિતિને આંતરીને તે મેળવી લેવાની સિસ્ટમ તેઓએ ગોઠવી હતી. તેમની વેબસાઈટ દ્વારા તેમણે વિશ્વના નાગરિકોને પણ આમંત્રણ આપ્યું હતું કે તમે પણ કોઈ અમાનવીય ગતિવિધિ, ષડયંત્ર, ભ્રષ્ટાચાર કે નેતાઓ, કોર્પોરેટ જગતના કારનામા વિશે પૂરાવા યોગ્ય જાણકારી ધરાવતા હો કે પછી લાચારીવશ તે પ્રક્રિયામાં સામેલ હો તો અમને જણાવો. બધા સ્ત્રોતને ગોપનિયતાની પણ ગેરંટી રહેતી હતી.
અસાન્જેની ટીમ ભેજાબાજ હેકર્સ હતી. તેઓએ અમેરિકા, સૈન્ય, સ્વીસ બેંક, કોર્પોરેટ જગત અને આફ્રીકી દેશોના નેતાઓના કમ્પ્યુટર્સ ‘હેક’ કરવામાં કે કેબલ્સ ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
‘વિકિલિક્સ’ લોંચ થયાના એક જ વર્ષમાં તેઓએ વિશ્વના ૧૨ લાખ જેટલા દસ્તાવેજોના ડેટાબેઝ મેળવી લીધા હતા. ૨૦૧૦ અને ૨૦૧૧માં વારાફરતી તેઓએ જે કૌભાંડો બહાર પાડયા તે વિશ્વભરના પ્રિય અને ટીવી મીડિયામાં હેડલાઈન તરીકે ચમકતા રહ્યા. અસાન્જેને ‘ટાઈમ’, વોલસ્ટ્રીટ જર્નલ સહિત યુરોપ, આફ્રિકન દેશોએ આધુનિક વિશ્વના મસિહા તરીકે બિરદાવવાની એક તક પણ નહોતી છોડી. અસાન્જેને એવોર્ડ, સન્માન અને ટીવી સેલિબ્રીટી તરીકે નવાજવામાં આવ્યો. એટલે સુધી કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપીય દેશોની ચેનલોમાં ‘વર્લ્ડ ઓફ ટુમોરો’ નામની તેની ૧૨ હપ્તાની શ્રેણીએ પણ ભારે લોકપ્રિયતા મેળવી. જેમાં અસાન્જે પોતે જ એંકર બની ભાવિ નેતાઓના ઈન્ટરવ્યુ લેતા હતા.
૨૦૦૬થી ૨૦૧૦ના મધ્ય સુધી અસાન્જેને વિશ્વના દેશોએ ગંભીરતાથી નહોતા લીધા. જ્યારે કેન્યાના શાસકો દ્વારા પ્રવર્તતા ભ્રષ્ટાચારને તેમની ટીમ બહાર લાવી ત્યારે વિશ્વના દેશોને અને કેન્યા વિરોધી વૈશ્વિક જુથોને મજા પડી ગઈ હતી. તે પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કઈ સીફતતાથી તાલીબાનો સામેના યુધ્ધના નામે ખોફ પેદા કરવા નિર્દોષ અફઘાનિસ્તાનીઓ પર હૂમલા કર્યા હતા તેની વિડિયો અને આ માટેની વ્યૂહરચના ઘડતા મેસેજને ઝીલીને વિશ્વ સમક્ષ લીક કર્યા હતા.
વિકિલિક્સે ‘અફઘાન વૉર ડાયરી’ લીક કરી હતી જેમાં અમેરિકા અને બ્રિટનની ઈસ્લામિક રાષ્ટ્રો સામેની ગંદી અને અમાનવીય રાજનીતિના પૂરાવારૃપી દસ્તાવેજો હતા. અમેરિકાનો ‘ગુઆન્ટાનામો બે ડીટેન્શન કેમ્પ’માં કેવી રીતે અમેરિકા આંતકવાદ અને વિશ્વને પરમાણુ યુધ્ધનો ભય છે તેવું કારણ આગળ ધરી ઈચ્છે તેને પકડીને કેવો પાશવી ત્રાસ આપે છે તેની અરેરાટી ઉપજાવતી દુનિયા તો બહાર લાવ્યુ જ પણ આ પાછળની સમગ્ર માનસિક ભુમિકા અને વ્યૂહરચનાના દસ્તાવેજો, ઓર્ડર, ઓડિયો ટેપ પણ બહાર લાવ્યા જેમાં ઉચ્ચ સેનાપતિઓ, રાજકારણીઓ સામેલ હતા. યુરોપિય કોર્પોરેટ અને બેંકિંગ જગતના કારનામા, સ્વીસ બેંકના ખાતેદારોની વિગત, રાજકિય હત્યાઓનો પ્લોટ પર્દાફાશ, ૨૦૦૮ના અમેરિકાની ચૂંટણીના કેમ્પેઈનની ભીતરની વાતો, બ્રિટનના રાજકિય કૌભાંડો, પેરૃ ઓઈલ કૌભાંડ, બાર્કલે બેંક કૌભાંડ, ઈરાનનો ન્યુક્લીયર પ્રોગ્રામ, ૧૧ સપ્ટેમ્બરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછીના દિવસોમાં અમેરિકાથી માંડી વિશ્વના દેશોની એજન્સીઓના ૫,૬૦,૦૦૦ જેટલા મેસેજમાં શું હતું તે તેઓએ તેમની વેબસાઈટ પર મુક્યા હતા.
વિશ્વના કેટલાક દેશોમાં અરસપરસના બાળ સેક્સ, અશ્લીલ વીડિયોનું કૌભાંડ પણ તેઓ બહાર લાવ્યા. અસાન્જે રશિયા અને ચીનના રાજકિય કૌભાંડો માટે પણ થોકબંધ પૂરાવાઓ ધરાવે છે.
જ્યાં સુધી કેન્યા, પેરૃ તેમજ અમેરિકાના કૌભાંડો સુધી અસાન્જે સીમીત રહ્યા ત્યાં સુધી વિશ્વના અન્ય દેશો ગેલમાં આવી ગયા હતા પણ અસાન્જે તો વિકિલિક્સ દ્વારા વારાફરતી વિશ્વભરને ભરડામાં લેવા માંડયા.
વિશ્વના મહત્તમ દેશો વિકિલિક્સને બેજવાબદાર અને પાયા વિનાનું ગુનાઈત કૃત્ય ગણાવતા એકજુટ થયા. આ રીતના પર્દાફાશથી વિશ્વ અને વહિવટી તંત્રમાં અંધાધુંધી ફેલાઈ શકે તેવો ભય વ્યક્ત કરાયો. અમેરિકામાં ‘ઓક્યુપાય વોલસ્ટ્રીટ’ જેવું આંદોલન કે ઈસ્લામ વિરૃધ્ધ પશ્ચિમના દેશો વચ્ચે યુધ્ધની ભુમિકા અસાન્જેના અપરિપક્વ સ્ટીંગ સર્જી શકે છે. અરે, પશ્ચિમના રાષ્ટ્રો પ્રત્યે તેમના જ દેશના નાગરિકો ‘હૅટવૉર’ પણ જાહેર કરી શકે તેવો ભય પણ વ્યક્ત કરાયો.
ખરેખર તો વિશ્વના નેતાઓ, અમલદારો અને કોર્પોરેટ-બેંકિંગ જગતને તેઓ બેનકાબ થતા પેટમાં ફાળ પડી ગઈ હતી.
મોટાભાગના નેતાઓએ મૂક સંમતિ સાધી અસાન્જે અને તેની ટીમને વિકૃત, મનોરોગી અને સાઈબર ક્રાઈમને પોષતી ટોળકી કહી. ‘વ્હીસલબ્લોઅર’ના નામે માહિતિની લે-વેચ કરતા એજન્ટોનું નેટવર્ક ગણાવ્યું. જે તે દેશની અદાલતોએ પણ અસાન્જેના પૂરાવા-પર્દાફાશને કાનૂની પ્રક્રિયાને વેગવંતી બનાવવા જેટલા સબળ ના ગણી શકાય તેવો કાયદો આગળ ધર્યો.
‘સહિયારૃ વૈદુ’ના ધોરણે કૌભાંડ કરતા વૈશ્વિક નેતાઓએ ”વિકિલિક્સ’ સાઈટને જ સત્તાવાર રીતે બ્લેક લિસ્ટ કરી દીધી. ચીને ૨૦૦૭થી ‘વિકિલિક્સ’ તરફની તમામ ઓનલાઈન પ્રક્રિયા (માહિતિની આપ-લે)ને બ્લોક કરી દીધી. જર્મનીમાં અસંખ્ય વેબસાઈટો પર દરોડા પાડયા. અમેરિકામાં તો સ્વાભાવિકપણે વિકિલિક્સ પર પ્રતિબંધ છે જ પણ અસાન્જે અને તેની ટીમના મુખ્ય ભેજાબાજોની પાછળ એફબીઆઈ પડી ગયું. અમુક સાથીઓ જેલમાં પણ છે. તમામ કૌભાંડગ્રસ્ત દેશોએ વિકિલિક્સને માહિતિ મોકલનારાઓને વીણી વીણીને પકડવા માંડયા.
અસાન્જેની ધરપકડ કરવા માટે પણ અમેરિકાની સરકારે હુકમો મેળવ્યા. અન્ય દેશોએ પણ જો અસાન્જે તેમના દેશમાં પગ મુકશે તો જેલભેગા કરવાની તૈયારી બતાવી. અમેરિકાની ખુશામત કરનારા દેશો કે જેઓ પોતે પણ ખરડાયેલા હતા તેઓએ અસાન્જેને સર્વત્ર જાકારો આપવા માંડયો.
અસાન્જેએ સ્વીડનમાં એક મહિલા પર જાતિય અત્યાચાર કર્યો હતો તેવો આરોપ મુકીને તેના નામે તે જ્યાં હોય ત્યાં વોરંટ બજાવવાનો તખ્તો પણ ઘડાયો.
અસાન્જેએ તેની હત્યા થઇ શકે છે તેવો ભય વ્યક્ત કરતા કહ્યું કે ”ઈન્ટરનેટ પર કામ કરતા અમારા હાથ લોહીથી ખરડાયેલ થઇ જશે.”
અસાન્જે બ્રિટનમાં એક કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલો ત્યારે જ તેની ધરપકડ થવાની તૈયારી થઇ ચૂકી હતી. અસાન્જેને આવી ધારણા હતી જ. આવે વખતે તેને અમેરિકા અને પશ્ચિમી દેશોની ધરી વિશ્વને માટે ખતરારૃપ છે તેમ માન તો ટચુકડા દેશ એક્યુડોર યાદ આવ્યો. લંડન સ્થિત એક્યુડોરની એમ્બેસીમાં તાબડતોબ પહોંચી જઇને તેણે આશ્રય માટે વિનંતી કરી જે માન્ય રખાઇ. ગત ૧૯ ઓગસ્ટે તેણે એમ્બેસીની બાલ્કનીમાંથી તેના સમર્થકો અને વિશ્વ મીડિયાના પ્રતિનિધિઓને તેજાબી ભાષામાં પ્રવચન કર્યું હતું. કઇ રીતે વિશ્વના દેશો તેને જેલમાં પૂરવા કે ખતમ કરવા ટાંપીને બેઠા છે તેની મેેેલી મુરાદ છતી કરી.
અસાન્જેને કાયદાના રખેવાળો, મીડિયા, નાગરિકો, એનજીઓનું વિશ્વવ્યાપી સમર્થન છે.
બ્રિટન, સ્વીડન અને અમેરિકા એક્યુડોરની એમ્બેસીમાં જઇને તેની ધરપકડ કરવા અને તે માટેની પરવાનગી ના મળે તો દરોડો પાડીને તેમ કરવા દબાણ કરી રહ્યા છે. પણ, એક્યુડોરની સરકાર ‘વીએના સમજૂતિ’ પ્રમાણે કોઇ દેશ અન્ય દેશની એમ્બેસીમાં રાજ્યાશ્રય મેળવી રહેલાની ધરપકડ ના કરી શકે તે કરાર યાદ કરાવે છે.
એક્યુડોરની એમ્બેસીમાં સ્ટાફ ઉપરાંત મહેમાનો માટે એપાર્ટમેન્ટ પણ છે. જોવાનું એ રહે છે કે અસાન્જે ક્યાં સુધી રહી શકે છે. આ એક પ્રકારનો જેલવાસ જ છે.
અસાન્જેની ‘વિકિલિક્સ’ના પર્દાફાશના પગલે હજુ કોઇને સજા નથી થઇ. મીડિયા કે નાગરિકો અસાન્જેની મુક્તિ, અને પુનઃ ગૌરવ સાથે કાર્ય કરી શકે તે માટે કોઇ વ્યાપક દબાણ સત્તાધીશો પર લાવતા નથી.
તેવી જ રીતે નાગરિકો વિકિલિક્સના પર્દાફાશોના સત્તાધીશો પાસેથી જવાબ પણ નથી માંગી રહ્યા. બૌધ્ધિકો, રાજકીય વિશ્લેષકો અને કાયદાકીય નિષ્ણાતોને હવે અસાન્જે અને વિકિલિક્સ અતિરેકભર્યા અને ચવાઇ ગયેલા મુદ્દાઓ લાગવા માંડયા. વિકિલિક્સ વિશ્વમાં ખળભળાટ મચાવે તેવો ભય હતો પણ તણખલું પણ ના હાલ્યું. ‘ટાઇમ’ મેગેઝિને ‘વ્હીસલબ્લોઅર’ને ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કર્યા પણ તેમાંથી મોટાભાગના જુદા જુદા આરોપો હેઠળ જેલભેગા કરાયા છે. કેટલાયના રહસ્યમય મૃત્યુ થયા છે. ઘણા આવા જાગૃત નાગરિકોની નોકરીમાંથી બરતરફી થઇ છે.
ભારતમાં અરવિંદ કેજરીવાલની વીરતા અને દેશપ્રેમ જોઇને અસાન્જેની યાદ આવી જાય છે. કેજરીવાલ જે રીતે એક પછી એક કાચા-પાકા પૂરાવા સાથે મોટા માથાઓનાં કૌભાંડોને નાળિયેરની જેમ વધેરે છે તે જોતા ભારતના તમામ રાજકિય પક્ષો અને નેતાઓ, અમલદારો, કૌભાંડી બેંકો, કોર્પોરેટ જગત એક જ ડાળના પંખી હોઇ ભેગા થઇ જશે.
કેજરીવાલ સામે આક્ષેપ થવા જ માંડયા છે કે શા માટે જયલલીતા, માયાવતી, મુલાયમ કે અન્ય નેતાઓ અને કોર્પોરેટના મોટા માથાં, ગોડમેનના કૌભાંડો જ નહીં અને રોબર્ટ વાડ્રા, સલમાન ખુરશીદ, ગડકરીને જ ટાર્ગેટ કરાયા છે.
આવી રીતે દસ્તાવેજો (જેમાંથી કેટલાક નાગરિકોએ આપેલા હોઇ અધિકૃત નથી) જાહેરમાં મુકીને કૌભાંડનો પર્દાફાશ થતો રહેશે તો આટલા મોટા દેશમાં ૩૬૫ દિવસ સુધી તે રોજેરોજ કંઇક નવું લાવી શકે.
કેજરીવાલ એક કૌભાંડ જાહેર કરીને હવેનું કામ સરકાર અને ન્યાયતંત્ર કરે. મારૃ કામ મેં કર્યું તેમ કહીને આબાદ રીતે નિષ્ક્રીય થઇ જાય છે.
જો આ રીતે તે વર્તન કરશે તો ઊલટુ જનમાનસ અને મીડિયામાંથી ભ્રષ્ટાચાર પ્રત્યેની આઘાતજક પ્રતિક્રિયા અને સંવેદના જ મરી પરવારશે.
કોંગ્રેસના પ્રવકતા બેની પ્રસાદે સામાન્ય નાગરિકની જેમ જ પ્રતિક્રિયા આપી દીધી કે સલમાન ખુરશીદ જેવા પ્રધાન માટે રૃા. ૭૧ લાખનું કૌભાંડ નાની રકમ કહેવાય.
દેશના નાગરિકો જાણે જ છે ભ્રષ્ટાચાર વ્યાપક અત્ર, તત્ર, સર્વત્ર છે. કાયદાકીય પ્રક્રિયા અને ઉદાહરણીય સજા થાય તે માટેની સીસ્ટમ પર જ જનઆંદોલન જરૃરી છે.
બધા જ ભ્રષ્ટ છે તેવું વાતાવરણ ઘડવાથી નાગરિકોમાં મતદાન પ્રત્યેની ઉદાસિનતા કેળવાશે તો તે વધુ ખતરનાક પરિણામ સર્જશે. હવે તો બધા જાણે જ છે કે બધા ભ્રષ્ટાચારી છે તેવું રાજકારણીઓ, કોર્પોરેટ જગત પામી જતા તેઓ બેફામ બની શકે છે.
ભ્રષ્ટાચાર ચૂંટણીનો મુદ્દો જ ના રહે તેવી રીતે નાગરિકોમાં ઉબ ના આવી જવી જોઇએ.
તેમાં પણ કેજરીવાલ રાજકીય પક્ષ – આઇએસી (ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન)ના બેનર હેઠળ ચલાવતા હોઇ તેમનું ગુ્રપ જે કરે છે તે રાજકિય પગલા કે વ્યૂહ તરીકે જોવાય છે.
કેજરીવાલે તેના કરતા તેમના પક્ષના શિક્ષિત, જાગૃત, યુવા દ્રષ્ટા, ઉમેદવારોની યાદી જાહેર કરીને બીજા ૧૦ વર્ષ પછીની યોજનાની પ્રક્રિયા પ્રારંભી હોત તો નક્કરતા ભણી કૂચમાં સેલિબ્રીટીઓ, ટેકનોક્રેટ્સ, યુવા શિલ્પીઓ જોડાયા હોત.
કેજરીવાલમાં કોણે સાથ આપ્યો? કોણ આગળ આવ્યું? અણ્ણા વખતે મંચમાં આવવા પડાપડી કરનારા જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધિઓને કેજરીવાલના માત્ર ‘પોઇન્ટ બ્લેન્ક’ ધમકી જેવા પર્દાફાશની સીકવલમાં વિશ્વાસ કે રસ નથી.
કેજરીવાલના પર્દાફાશ પછી કોઇ પગલાં લેવાય કે વિવાદીત વ્યક્તિ જેલમાં જાય તેવું નથી બનવાનું. કૌભાંડ નામના શબ્દ પ્રયોજન જ બુઠ્ઠા બની જશે.
કેજરીવાલે અસાન્જેના એપિસોડમાં ધડો લેવાની જરૃર છે. જોશ અને હોશનું ચાલાકીપૂર્વકનું સંયોજન નહીં થાય તો ‘ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’નું મિશન જ બેહોશ થઇ જાય તેમ છે. કેજરીવાલનો દેશપ્રેમ અને ભાવના ઉત્તમ, ઉત્કૃષ્ટ હોય તો પણ તેમાં પાકટ અને વ્યૂહાત્મક અભિગમની જરૃર છે. એક એવો પણ ભય છે કે એક કોર્પોરેટ જૂથ, રાજકારણી કે પક્ષ તેના હરિફને સાચી-ખોટી રીતે બદનામ કરવા જાસૂસો મુકી, ફાઇલો જોડે ચેડા કે તફડંચી કરે અને કેજરીવાલની ટીમને સોંપી દે. આગળ જતાં કેજરીવાલની ટીમને તગડી રકમ આપીને ખરીદી પણ શકાય.
ન્યુઝ ટીવી ચેનલોને મન તો કેજરીવાલ કે સૈફ – કરીનાની શાદી – બેમાંથી જે વધુ ટીઆરપી આપે તે જ મહત્વનું છે. મીડિયા તેના મિશનમાં જોડાયું છે તેવા ભ્રમમાં તો કેજરીવાલે રહેવું જ ના જોઇએ. કેજરીવાલનો અંજામ અસાન્જે જેવો પણ આવી શકે તેમ છે.

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: