Skip to content

Its all about time dear. Must read for all those who thinks they are best in the world and no one can do the things which they can do.

21/10/2012

દસ માથાળા રાવણનું ઉંકરાટા નાખતું અભિમાન નાગ ફેણ સંકોરે એમ શમી ગયું
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ
– રાવણે વિમાનમાંથી હેઠા ઊતરીને જોયું તો ગાય વાછરડાને વહાલથી ચાટી રહી હતી. વાછરડું ઊંચું પૂંછડું કરીને ગાયને ‘બચ બચ બચ’ ધાવતું હતું. ગાયની પીઠ પાછળ દર્ભનો ભાલોડાથી વીંધાઇને મૃત્યુ પામેલો વાઘ લાંબો થઇને પડયો હતો
અંધારપટનો કાળો ડિબાંગ અંચળો ઓઢીને બેઠેલી રાત્રિએ વિદાય લેવાની તૈયારી કરી. પરોઢ પાંગર્યું. કૂકડે સૂરજદેવના આગમનની છડી પોકારી. પ્રભાતનો પહોર થયો. ઊગમણા આભમાં સૂરજ મહારાજ ઝળેળીને ઊગ્યા. નવખંડ ધરતી પર સોનેરી આભા છવાઇ ગઇ. એ વેળાએ અભિમાનથી જેની આંખ્યું ઓડયે આવી ગઇ છે એવો ગઢલંકાનો રાજા રાવણ હાથમાં ધનુષ- બાણ ધારણ કરી, ખોંખારો ખાઇ રાજમહેલ ગજાવતો ઊભો થયો. સામેથી છ-સાત સખીઓ સાથે રાણીવાસમાંથી મંદોદરી મેદાનમાં આવી. કબૂતરીની પાછળ બાજ પડયો હોય ને કબૂતરી ફફડે એમ આજ મંદોદરી ફફડી રહી છે.
રાજા રાવણે એની નજર સામે રાછવાના છેટ મંદોદરીને ખડી કરી. ધનુષનો ટંકાર કર્યો ત્યાં તો દસેય દિક્પાળ ડોલી ઊઠયા. ધરતી ધણેણી ઊઠી. આકાશ-પાતાળમાં એના પડઘા પડયા. ધનુષ માથે બાણ ચડાવી સામે ઊભેલી રાણી મંદોદરીના કાનની બુટયમાં લટકતી ઝાલ (કાનમાં લટકતું સોનાનું ઘરેણું)નું નિશાન લઇ સમમમ..મ કરતું તીર છોડયું. મંદોદરીની ‘ઝાલ્ય સોંસરી ભાલ’ કાઢી નાખી. અર્થાત્ કાને લટકતી ઝાલ્ય સોંસરું તીર કાઢી નાખ્યું.
મંદોદરીની આંખે અંધારા આવી ગયાં. ‘ઓય મા’ કરતી ધબ્બદેતી ધરતી માથે ઢગલો થઇને પડી. રાણવના દસેય માથાં ફરતું અભિમાન આવીને આંટુ દઇ ગયું. મૂંછે તા’ દઇ અટ્ટહાસ્ય વેરતાં વેરતાં સ્વસ્થ થયેલી મંદોદરી ભણી ફરીને સવાલનો ઘા કર્યો ઃ
‘મંદોદરી! પૃથ્વીના પટ પર મારા જેવો છે કોઇ બળિયો બાણાવળી?’ મંદોદરી ભયથી થર થર થર ધુ્રજતી બે હાથ જોડીને બોલીઃ ને ઊભા રિયે એવો કોઇ જણ જગતની માલીપા હોય એવું જાણતા નથી. તમારા બાહુબળ અને બાણની વાત જ ન્યારી છે.’
આ સાંભળીને રાણવના અંતરમાં આનંદ મોરલા એકસામટા ટહૂકી ઊઠતા. રાવણને તો આ રમતમાં ભારે મોજ આવી ગઇ. પછી તો રોજનું બંધાણ થઇ ગયું. નિત્ય ઉઠીને મંદોદરી આગળ પોતાના પરાક્રમનું પારખું કરવા મંડાણો. રાવણના હાથમાં ધનુષ બાણ નિહાળીને મંદોદરીની દશા સિંહ સામે બકરી બાંધી હોય એવી થઇ જતી. એને એક જ બીક હતી કે કશીક વેળાએ રાવણ નિશાન ચૂકી ગ્યો ને ભાલોડું (તીર) ક્યાંક આડું અવળું વાગી ગયું તો? આ બીકની મારી મંદોદરી છ મહિનામાં તો સૂકાઇને સાંઠિકડી સરખી થઇ ગઇ. આમાંથી ઉગરવાનો આરોવારો શોધવા એ રાવણની રજા લઇને પોતાના પિયરમાં ગઇ.
મંદોદરીનો રૃમઝૂમતો રથ પિયરમાં પહોંચતા જ પાણી શેરડે જવા નીકળેલી સરખી સહિયરું હડીમોઢે પાદરના વડલા હેઠ ઢૂંગે (ટોળે) વળી ગઇ. સુખદુખની વાતું પૂછવા ને ઠોળ્ય (મજાક – મશ્કરી) કરવા મંડાણી ઃ
‘લંકાગઢની મહારાણી ! બતાવો તો ખરા. સાસરિયા સોહ્યલા કે દોહ્યલા? પિયરિયામાં તો બેનબા બઉ પાણી પછાડતાં’તાં. ધરતીમાથે પગ નહોતો ધબતો. કેવતમાં નથી કીધું કે ‘એરુ દરમાં જાય એટલે પાંસરો દોર.’
મોં પર બનાવટી રોષ આણતી મંદોદરી તાડૂકી ઊઠીઃ ‘રાખો, રાખો હવે બઉ થયું. કાબર ઘોડયે ક્યારુંનીય મંડાણીયું છો તે? તમે સાસરીમાં જઇને ‘ઉધ્ય મેડી માથે નાખશો’ ઇ મારાથી ઓછું અછાનું રૈવાનું છે?’
‘લ્યો, કરો વાત.’ આમને તો સુખદુખના સમાચારે ન પૂછાય. મંદોદરીબા! તમે તો ભારે રીસાળવા પણ એક વાતનો ઉત્તર આલો, સૂકાઇને સાંઠિકડા જેવાં, વાયરો વાય તો ઊડી જાવ એવાં કાં થઇ ગયાં? મારગમાથે ગામ છે કે નાવલિયો ગમાર છે?’ એમ કહેતી સૌ કિલકિલાટ કરતી હસવા લાગી.
મંદોદરી રાણીનો રોષ શમી જતાં એ ટાઢી પડી, પણ એણે સખીઓ આગળ હૈયાકપાટ ઉઘાડતાં કહ્યું કે ‘લંકાપતિ રોજ સવારે સામે ઊભી રાખીને ઝાલમાંથી તીર પસાર કરીને પોતાને બળિયો બાણાવળી કે’વરાવે છે. કો’ક દિ આડું અવળું થઇ ગયું તો મારું જીવતર રોળાઇ જાય ને!’
આ સાંભળીને અચંબામાં પડી ગયેલી ચતુર સૈયરુંએ કીધું કેઃ ‘ધ્રો અને ધણી ખૂંટે જ ગણ દયે.’ જાવ જઇને તમારા પરાક્રમી સ્વામીનાથને એટલું જ કહેજો કે કૂવા માયલા દેડકા જેવી વાત શીદ ને કરો છો? પચાસ કરોડ પૃથ્વી પડી છે. ભલાભલી પ્રથમી માથે તમારા જેવો બીજો બાણાવળી હોય પણ ખરો. બળનું કોઇ દિ’ અભિમાન ન કરાય! ક્યારેક શેરના માથે સવાશેર નીકળે પણ ખરો.’
સહિયરોની વાત સાંભળીને મંદોદરીના જીવને ધરપત વળી. થોડી શાંતિ થઇ. વદાડ મુજબ મહિનો માસ પિયરમાં રહી. હતી એવી તાજીમાજી થઇને પછી પતિગૃહે લંકા જવા નીકળી. આજ એના અંતરમાં આનંદ છે. ઉધરંગ છે. હૈયામાં હરખ હિલોળે ચડયો છે કારણ એને કોયડાની કૂંચી જડી ગઇ હતી.
બીજા દિવસની સવારે સૂરજ મહારાજ રથડા ખેલવા ઊગમણા આભમાં નીકળ્યા. નિત્યક્રમ મુજબ મંદોદરીને સામે ઊભી રાખી ઝાલ સોંસરવી ભાલ કાઢીને એણે અભિમાનના સવાશેર કેફથી કીધું ‘કાં મંદોદરી! મલક માથે છે કોઇ મારા જેવો બીજો કોઇ બળિયો બાણાવળી?’
મંદોદરીએ હતી એટલી હિંમત ભેગી કરી, સોઇ ઝાટકીને સ્વામીનાથને ઉત્તર આપ્યો ઃ ‘બાઇ માણસ માથે બહાદુરી બતાવી એને મીણો ભણાવવો સહેલો છે, સ્વામીનાથ! દેડકાને નાનકા એવા કૂવામાં પોતાને આખી દુનિયા દેખાય એ માયલી આ વાત છે. લંકાની બહાર નીકળીને પ્રથમીના પટ પર મીટ તો માંડો. ભલાભલી પ્રથમી પડી છે. નવખંડ ધરતીના ખૂણામાં કો’ક તો તમારો સમવડિયો જરૃર જડી આવે.’
રોજ પારેવાની જેમ ફફડતી મંદોદરીને આજ આટલી હિંમતથી વાત કરતી સાંભળીને રાણવ જેવો રાવણ ઘડીભર શેહ ખાઇ ગયો. એનું અભિમાન ઉંકરાટા લેવા મંડાણું ઃ ‘હું કોણ? લંકાનો રાજા. દશાનન રાવણ. મારું નામ પડતાં જ ભલભલા દેવદેવલાઓ થર થર થર કરતાં કંપી ઊઠે છે. મારા જેવા બળિયા બાણાવળી બનવા તો માણહમાતરને બીજો અવતાર લેવો પડે. ઓય ધરારા! મંદોદરીનો મદ ઉતારવા ખાતરેય મારે જોવું પડશે કે પૃથ્વીના પટ ઉપર કોઇ કોઇ માએ સવાશેર સૂંઠ ખાઇને મારા જેવો બળિયો બાણાવળી જણ્યો છે કે નંઇ?
પછી તો ભાઇ પળનો ય વિલંબ કર્યા વિના પુષ્પક વિમાન માથે સવાર થઇને રાવણ તો ઘરરર.. ર કરતો ઊપડયો. પૃથ્વી માથે આંટો મારતો મારતો, ફરતો ફરતો નગરો નિહાળતો જાય છે. એવામાં અયોધ્યા નગર આવ્યું. સંધ્યા ટાણું થાતું આવે છે. આથમણા આભમાં સંધ્યા ખીલી છે. પંખીઓ માળા ભણી વહેતાં થયા છે. સીમશેઢેથી અને વગડેથી થાક્યાપાક્યા મનેખ ઘર વહ્યા આવે છે. ભાંભરડા નાખતુ ગામભણી વળી નીકળ્યું છે. શિવાલયમાં નગારા માથે દાંડીયું પડવા મંડાણી છે. ઘંટ અને ઝાલર રણઝણી રહ્યા છે. શિવની આરતી શરૃ થઇ છે. એ સમયે રાવણે પુષ્પક વિમાનને અયોધ્યાના પાદરમાં આવીને ઊતાર્યું.
બરોબર આ સમયે અયોધ્યાના પ્રતાપી રાજા સીમમાં જવા નીકળ્યા છે. આ પાથી રઘુરાયનું જાવું ને આ પાથી રાવણનું આવવું. બેય વચ્ચે રાશવા અંતર રહ્યું. એ ઘટીને અછોડા થયું.
એવામાં માથે વીજળી પડી હોય એમ રઘુરાય એકદમ ચોંકી ઊઠયા. મારગ માથે દાભડાનું ભોથું ફૂટેલું હતું એનાં બે તણખલાં તોડયાં. એમાંથી દર્ભનું ધનુષ અને દર્ભનું ભાલોડું (તીર) બનાવી નિશાન નોંધ્યું ને સનનન..ન કરુતં તીર વછોડયું. તીર આકાશમાં અદ્રશ્ય થઇ ગયું. આ કૌતુક નિહાળીને ખંધુ અટ્ટહાસ્ય વેરતાં રાવણે કહ્યું ઃ ‘રઘુ, કાંઇ ન વળ્યું એટલે મારી આગળ ઘાસના તણખલાં તોડવા મંડાણો? પણ એમ હું તને આજ જાવા દેવાનો નથી. બળનું પારખું કરવા જ આજ નીકળ્યો છું.’
‘રાવણ… તારી આ મજાલ! મારા મારગમાં તું આડો આવે છે? મારા પાદરમાં તું ઊભો છું એટલે જાવા દઉં છું. ઝાડ ઝાડના ભારે ભાંગી પડશે. મારે આજ તારા મોતનું નિમિત્ત નથી બનવું. ઊંડા પાણીમાં ઊતરતાં પહેલાં ખાતરી કરતો જા કે મેં ભરણાં નથી તોડયાં. સાંભળ્ય હવે. અહીંથી ઓતરાદિ દશ્યે એક જોજનવા ભોં માથે વનવગડામાં એક તાજી વિંયાયેલી ગાયમાતા ઊભી છે. વાઘ એના ઉપર તરાપ મારવા ઝળુંબી રહ્યો હતો. હું જરીકેય વાર લગાડું, ને મોડું કરું તો વાઘ સુવાવડી ગાયનો શિકાર કરી નાખે. હું ગૌબ્રાહ્મણ પ્રતિપાલ આ તો કોઇ કાળે ન જ થવા દઉં. તણખલાં મેં અમથા નથી તોડયાં. ગાયમાતાને ઉગારવા માટે તોડયાં છે, સમજ્યો. લંકાના રાજા રાવણ.’
‘શું કહેનારો ય ગેલહાઘરો ને સાંભળનારો ય ગેલહાઘરો! ડાભડાના તણખલાના તીર બનાવીને કોઇએ વાઘ માર્યાનું હાંભળ્યું છે? અયોધ્યાનગરમાં આવું ગપોગપ જ હાલ્યું આવે છે?
‘રાવણ! તારી પાસે પુષ્પક વિમાન તો હાજર છે. આ ગેલહાઘરાની વાતની ખાતરી તો કરી જો. તું જાઇને પાછો આવ્ય ત્યાં લગી હું અહીં પાદરમાં જ બેઠો છું.’
‘પણ જોજે હો, મારી આંખ્યુંમાં ધુળ નાખીને ક્યાંક પરબાર્યો ભાગી નો જાતો.’ અહંકારી રાવણે ઉત્તર આપ્યો.
‘ભાગે ઇ બીજા. તું તારે જોઇને પાછો આવ્ય. પછી બધી વાત.’
રાવણ તો પુષ્પક વિમાન સાબદું કરી રઘુએ આપેલી એંધાણી એ ઉપડયો આભમાંથી તારોડિયું ખરે એમ ખરરર.. ખટ કરતુ પુષ્પક વિમાન રણવગડામાં ઊતરી પડયું. રાવણે વિમાનમાંથી હેઠા ઊતરીને જોયું તો ગાય વાછરડાને વહાલથી ચાટી રહી હતી. વાછરડું ઊંચું પૂંછડું કરીને ગાયને ‘બચ બચ બચ’ ધાવતું હતું. ગાયની પીઠ પાછળ દર્ભનો ભાલોડાથી વીંધાઇને મૃત્યુ પામેલો વાઘ લાંબો થઇને પડયો હતો. રાવણ જેવો રાવણ મહાપરાક્રમી, આ દ્રશ્ય નિહાળીને આભો જ બની ગયો. પોતાના મહાબળિયો ગણાવનાર દસ માથાળા રાવણનો ગર્વ આજ ગળી ગયો. ઉંકરાટા નાખતું અભિમાન નાગ ફેણ સંકોરે એમ શમી ગયું.
રાવણ તો ખોટા રૃપિયાની જેમ ઉડતો ઉડતો રઘુરાય પાસે આવ્યો. એમના ચરણોમાં માથું નમાવી પોતે કરેલા અવિનયની ક્ષમા માગી. ત્યારે રઘુ એટલું જ બોલ્યાઃ ‘રાવણ આજ હું તને જીવતો જાવા દઉં છું… પણ તારા અભિમાન ક્યાં ઓછા છ બાપ! મારી ત્રીજી પેઢીએ રામના મારગમાં ભૂલેચૂકેય આડો ના આવતો, નંઇતર ઇ તને જીવતો નહીં જાવા દ્યે. એટલું યાદ રાખજે.’
લીંબુડા જેવડું મોં લઇને રાવણ લંકામાં પાછો ફર્યો. બસ તે દિ’થી મંદોદરીની પનોતી ઊતરી ગઇ. રાવણે મંદોદરીની ઝાલમાંથી ભાલ્ય કાઢવાનું પરાક્રમ બંધ કરી મહાબાણાવળીની ડંફાશ મારવાનું બંધ કરી દીધું. આજની ઘડીને કાલ્યનો દિ’ આંબે આવ્યો મોર વારતા કહેશું પોર. અમારા ભાલ-નળકાંઠાના મલક માથે લોકજીભે રમતી રામાયણ અને મહાભારતની આવી કંઇક કંઠસ્થ લોકકથાઓ મળી આવે છે. ક્યારેક એનો પણ આસ્વાદ કરતા રહીશું.
ચિત્રઃ ઇલસ્ટ્રેટેડ ડેસ્ક ડાયરીઃ ૧૯૮૦

Courtesy: Ravipurti, Gujarat Samachar, Dated: 21-10-2012

Advertisements

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: