Skip to content

How one can become a winner?

26/10/2012

દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો
છલાંગ મારતા ઝરણા સાથે હું તો ગીતો ગાતો
લીલાંછમ આ વૃક્ષો વ્હાલા, પહાડો મારા ભેરુ
વ્હાલું મને લાગે કેવું નાનું અમથું દેરું
ફૂલ ને ઝાકળ, દળ વાદળ ને હર્યું ભર્યું ઘાસ
મારો સૌની સાથે કેવો સહજ મળે છે પ્રાસ
સરોવરના આ હંસકમળની સાથે કરતો વાતો
દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો
આંસુઓની પાછળ જઈને ક્યારેક હું છુપાતો
દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો
સ્વ.સુરેશ દલાલનું આ ગીત, જીંદગીની જીતનું સંગીત છે.

યસ, જીત, વિજય, જય, વિજયાદશમીના ફાફડા જેવો નમકીન અને કેસર જલેબી જેવો મીઠો સ્વાદ.
બ્રાઝિલિયન લેખક પાઉલો કોએલ્હોએ જગતમાં સતત જીત માટે મથામણ કરી ઝઝૂમતા યોદ્ધાઓ માટે, અસ્તિત્વ ટકાવવાના વિજયોથી અસ્તિત્વને ઓળખવાના મહાવિજય સુધી એમની સુખ્યાત કિતાબ ‘વોરિયર ઓફ લાઈટ’માં ચિંતન કર્યું છે. એનો એક અંશ મમળાવવા જેવો છે ઃ
”પ્રકાશપથના દરેક પ્રવાસી શૂરવીરે ક્યારેક ને ક્યારેક લડાઈમાં ઝૂકાવવાનો ડર અનુભવ્યો હોય છે, ભૂતકાળમાં ક્યારેક કોઈને છેતરવા કે જૂઠું બોલવાનો ક્ષોભ પણ અનુભવ્યો હોય છે. આવો સતત વિકસતો યોદ્ધો ક્યારેક એવા માર્ગે ભૂલો પડયો જ હશે, જે એના માટેનો નહિ હોય. કોઈ સાવ ફાલતુ કારણોને લીધે એણે પારાવાર સહન પણ કરવું જ પડયું હશે. કમ સે કમ એકાદ વખત તો એને અંદરથી થયું જ હશે કે પોતે કોઈ એવો તેજસ્વી-તૈયાર બહાદૂર નથી. ના-કાબિલ છે. ક્યારેક તો એ અચૂક પોતાની આધ્યાત્મિક/નૈતિક જવાબદારી કે ફરજ ચૂક્યો હશે. દરેક આવા શૂરા નર-નારીએ ક્યારેક ‘ના’ કહેવાની હોય ત્યાં ગફલત કે દબાણમાં ‘હા’ કહીને પસ્તાવો અનુભવ્યો હશે. પોતાને ચાહનારા જ કોઈ પ્યારા સ્વજનોને દુભવ્યાં હશે…અને એટલે જ આ બધા પ્રકાશપંથી વીરયોદ્ધાઓ છે… કારણ કે એ આ બધા જ ઉતારચડાવમાંથી પડતા આખડતા પસાર થયા હોવા છતાં, એમણે પોતે જે છે એનાથી બેહતર બનવાની આશા છોડી નથી !”
યસ, મહાત્માથી લઈને મો સમ કૌન કુટિલ, ખલકામીને ય લાગુ પડે એવી આ વાતમાં પેલી છીએ ત્યાંથી ઉપર ઉઠીને આગળ વધવાની આશા છે, તો જ યાત્રા છે ! એમાંથી જ જીવનસંગ્રામમાં લડવાનું બળ આવે છે, અને એમાંથી જ નાની-નાની જીતોના પગથિયા જન્મથી મૃત્યુ સુધીમાં માણસ ચડતો-ખેલતો, નવું નવું જાણતો-માણતો અને એટલે વિકસતો રહે છે !
પણ દરેક વિજયવેળાએ બે વાતો હંમેશા કાળજે કોતરવા જેવી છે ઃ એક, કોઈ વિજય કાયમી નથી હોતો એને ટકાવવા માટે પણ સતત નાનામોટા સંઘર્ષોમાં વિજય મેળવતો રહેવો પડે છે. અને જેમ તમને કોઈના પર વિજય મળ્યો, એમ કોઈને તમારા પર પણ મળવાનો. ત્યારે પ્રેમથી પરાજયને પણ હોંઠને સ્મિતના મરકલડાં માટે ભીંસીને એનું દર્દ ગળા નીચે ઉતારી પચાવી જાય, એને ખરેખર કોઈ હરાવી સકતું નથી ! લડાઇઓ હારીને પણ જીંદગી તો જીતી જ શકાય છે. જો બીજાને બદલે જાત પર ‘જય’ મેળવો.
બીજું, જીત ફક્ત જીદથી મળતી નથી. બીજાને કાપી-કચડીને કોઈ પણ ભોગે વિજય મેળવવાની-ભૂંડી ભૂખ અંતે તો પોતાની અંદરના સુખચેનને જ ભરખી જતી હતી હોય છે. નાની નાની બાબતોનો નિર્ણય જાતે જ, આપણા કાબૂમાં કરી શકાય છે. પણ જેને ગેમ ચેન્જર કહી શકાય, ટર્નિંગ પોઇન્ટસ કહી શકાય એવા મોટા મોટા વિજયી વળાંકો જીવનમાં એકલે હાથે મેળવી શકાતા નથી. એ અદ્રશ્ય અકસ્માતે જ મળતા હોય છે. માનો યા ન માનો, એની પાછળ કોઈ ડિવાઈન ડિઝાઇનનો નકશો હોય છે. નકશામાં જેમ મોટી મોટી મંઝિલોના લેન્ડમાર્કસ કમીઅર હોય, પણ નાની-મોટી શેરી-કેડીઓ જાતે ચાલીને શોધવાની હોય, એવું જ કંઈક કેવળ પોતાના જ જોર પર બધા વિજય મળ્યા છે, એવું માનવાનું અભિમાન જો આવ્યું તો શિખરથી તળેટી સુધીની સુરંગ આપણે જાતે જ ખોદવાની શરૃઆત કરી, એ નક્કી માનવું !
વિજય ફક્ત તાકાત પર નહિ, તક પર મળતા હોય છે. જ્યાં કોઈ તર્ક ચાલતો નથી હોતો. ક્યૂંકિ જીંદગી ઇત્તેફાક હૈં ! (ઇત્તેફાક = કોઈન્સિડન્સ, યોગાનુયોગ) કલ ભી ઇત્તેફાક થી…આજ ભી ઇત્તેફાક હૈ ! અપને કો ખુશનસીબ જાન…વક્ત કો મહેરબાન જાન…કભી ગૈરોં મેં ભી અપનોં કા ગુમાં હોતા હૈ, કભી અપને ભી નજર આતે હૈ વીરાને સે…કભી ખ્વાબો મેં ભી ચમકતે હૈ મુરાદોં કે મહલ…કભી મહલોં મેં ઉભર આતે હૈ વીરાને સે…કોઈ રૃત ભી સજા નહીં…ક્યા હો કબ કુછ પતા નહિ…ગમ ફિઝુલ હૈ ગમ ન કર…આજ કા જશ્ન કમ ન કર..હર ખુશી ઇત્તેફાક હૈ…દિલ પે સેહ જા, ગિલા (શોક) ન કર…સબ સે હંસ કર મિલા નજર…દોસ્તી ઇત્તેફાક હૈં…જીંદગી ઈત્તેફાક હૈં !
વિજયનો મદ ઉત્સાહને બદલે ઉન્માદમાં ફેરવાય ત્યારે સાહિરસાબના આ ગીતથી દિમાગને ચીંટિયો ભરી, જરા હમ્બલ થતા રહેવાથી ઓછી ટ્રબલ આવશે ! આવશે તો ખરી, પણ જરાક ઓછી કનડશે !
તિથિ મુજબના વધુ એક જન્મદિને રીડરબિરાદરને નહિ, તો આ લખવૈયાને રિયરવ્યૂ મિરરમાં નજર નાખતી વખતે આટલું આ દશેરાએ સમજાય છે !
* * *
આમ તો જરા જાણીતી છે. પણ કોઈ પણ જન્મદિને યાદ કરવા જેવી છે. અન્યાય પર ન્યાય, અસુખ પર સુખ, શેતાન પર શક્તિ, બૂરાઈ પર અચ્છાઈ, વેદના પર આનંદના આ વિજયદિને તો ખાસ ! લેટ્સ રિમેમ્બર…કિ…
લાઈફ ઇઝ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ ફોર વિકટરી. આપણે બધા જ બોર્ન વિનર છીએ. અને જીંદગીની રેસમાં સતત દોડતા રહેવાનું આપણી નિયતિમાં છે ! એકચ્યુઅલી, આપણો જન્મ જ આ જદ્દોજક્ત અને જીતની સોગાદ છે. મિલિયન્સ યાને લાખ્ખો શુક્રાણુઓ કોઈ એક ગુમનામ, આયોજન કરી ન શકાય એવી ક્ષણે ઓર્ગેઝમ પછી એકબીજા સાથે હંમેશા રેસ લગાવે છે, એમાંથી ફક્ત એક ફાસ્ટેસ્ટ શુક્રાણુનું અચાનક જ સ્ત્રીબીજ સાથે મિલન થાય છે. બીજી અપરંપાર ડીએનએ કોમ્બિનેશનની પેરેલલ સંભાવનાઓ હારે છે, અને આ એક મિકસ્ડ બ્લુપ્રિન્ટ લોક થઈ જાય છે, ફોર ઈયર્સ ટુ કમ ! અને એ સાયલન્ટ વિકટરી, નરી આંખે ન દેખાતી જીતમાંથી આપણું જીવન પ્રગટે છે. ગર્ભાધાન થાય છે. ખરો ‘જન્મદિન’તો આ છે. જે કદી પામી શકાતો નથી, ઉજવી શકાતો નથી. જે બર્થ ડે આપણે પાર્ટી કરીને ઉજવવીએ એ તો માત્ર પ્રસવદિન છે !
અને એક દિવસે શ્વાસ છોડયા પછી લેવાય નહિ, ત્યારે વિનર લૂઝર બને છે. જાન જાયેંગી જાયેગી ઈક દિન…ઐસી બાતોં સે ક્યા ગભરાના ? યહાઁ કલ ક્યા કો કિસને જાના !
યહી તો ! જીંદગી એક મિસ્ટરી નોવેલ છે, જેની થ્રીલ એની અનપ્રેડક્ટિબિલિટીમાં છે. દરેક જીતનું પણ એક ટાઇમિંગ હોય છે. જ્યારે એનો સમય આવે ત્યારે જ સંઘર્ષનું રૃપાંતર વિજયમાં થાય છે. જેમ બહુ મોડો મળેલો વિજય વિજય નથી, એમ બહુ વ્હેલો મળેલો જય પણ પરાજય જ છે ! વિલિયમ પીટર હેમિલ્ટનનું એક ક્વૉટ હતું ”વોલ સ્ટ્રીટ (અમેરિકન શેરબજાર)નું કબ્રસ્તાન બહુ વહેલા સાચી પડી ગઈ હોય એવી વ્યક્તિઓથી છલોછલ છે !” હાઉ ટ્રુ ! ૨૦૦૦ની સાલમાં માઈક્રોસોફટે ટેબ્લેટ પીસી બજારમાં મુક્યાનું યાદ છે. પણ એ સમયથી વ્હેલો વિજય હોવાને કારણે અંતે તો નિષ્ફળતામાં જ ફેરવાઈ ગયો ! પણ ટચસ્ક્રીન અને મોબાઈલની આદત બાદ સ્ટીવ જોબ્સે ફરી આઈપેડથી ટેબ્લેટ ક્રાંતિનો બીજો દૌર શરૃ કર્યો ત્યારે પાકું ફળ નરમ અને મીઠું થઈ ગયેલું, જેમ્સ કેમેરૃને કોમ્પ્યુટર ગ્રાફિક્સ અને થ્રીડીની ટેકનોલોજી વિકસવાની ધીરજ ધર્યા વિના ટાઇટેનિક પછી તરત અવતાર બનાવી હોત, તો વિશ્વની બે સૌથી મોટી હિટ બેક ટુ બેક આપવાનો રેકોર્ડ એના નામે ન હોત !
માટે ઈતિહાસમાં દર્જ થતી દરેક જીતનો એક મુકર્રર વક્ત હોય છે. અગાઉ ખુદ વિજેતાના કે અન્ય કોઈના એ જ માઈલસ્ટોન સુધી પહોંચવાના ભરપૂર પ્રયત્નો નિષ્ફળ જાય, પણ એની એક પેલી ઇત્તેફાક નામના અચળાંકથી અવ્યાખ્યાયિત ઘડી આવે ત્યારે ફૂલ લેન્થ બોલ પૂરી પીચ પર બેટની મિડલમાં આવી, સ્ટેડિયમની બહાર સિક્સર માટે ચાલ્યો જાય ! આમાં વિકેટ પર ઉભવાની, બેટ પકડી રમવાની અને એ બરાબર ફેરવવાની ક્ષમતાનું મૂલ્ય લગીરે ઓછું નથી. પણ ટેલન્ટની સાથે એક મોમેન્ટ કનેક્ટ થાય, અને વિક્ટરીદેવીની વરમાળા તમારા ગળામાં ! નહિ તો, એ જ પ્રયાસોનો ગાળિયો !
વોટર પાર્કની સ્લાઈડમાં બોડીને ‘ફ્રી ફલો’ મૂકી દેનાર કોઈ ઘર્ષણ વિના સ્પ્લેશની પૂરેપૂરી મજા ઉઠાવી શકે છે, એમ જ જીંદગીને પેલા ગર્ભાધાનના ઇત્તેફાકથી શરૃ કરીને બહુ બંધનોમાં બાંધ્યા વિના મોકળી મૂકી દઈને તરવાના પ્રયત્નોમાં ડૂબ્યા વિના, પ્રવાહના સથવારે વહેતા જવાની એક આગવી લિજ્જત છે, એ ય એક વિજયશ્રી છે. એ વ્હેણ પછી ગંધાતા કાદવ અને સુવાસિત ફુલવાડી ક્યાંય પણથી પસાર થાય… એ ધોધ બનીને પડે અને મોજું બનીને ઉછળે – આપણે ગાતા રહેવાનું બહેને દે મુજે બહેને દે અને પાણીની વચ્ચે રહીને પણ વ્હેણના વિટનેસ થતા રહેવાનું – ધેટ્સ અલ્ટીમેટ વિકટરી !
પણ જય કે પરાજય જીવનની દરેક મોટી ઘટનાઓમાં કશુંક કાબૂ બહારનું ‘ફેકટર એક્સ’ કહાનીમાં ટ્વીસ્ટ લઈ આવે છે, એ હકીકત છે. અનેક યોગાનુયોગ જ્યારે સરવાળો પામે ત્યારે અહેસાસ થાય કે એ ફક્ત છૂટી છૂટી રકમો નથી, પણ એક ગ્રાન્ડ ડિઝાઈનના એવા ટપકાં છે, જે જોડાતાં જાય એમ જીંદગીની ગેબી આકૃતિ ઉકેલાઈને સ્પષ્ટ થતી જાય ! પછી એક તબક્કે જે પાછળ પડવાનો ધક્કો લાગ્યો હોય, એ વાસ્તવમાં કશુંક નવું શીખી, જાતને અપગ્રેડ કરી વધુ જોરથી આગળ નીકળવાની વેઇટિંગ પીરિયડનો તબક્કો જ હોય છે, એવું સમજાય !
અને આવા દરેક ઇત્તેફાક કંઈ સીધી જીત રેડીમેઈડ નથી આપતા. એ આપે છે, ચોઇસીઝ ! મોકા. જેમ પેલી એક ક્ષણે ગર્ભાધાન થવાને બદલે કોઈ બીજી ક્ષણે થયું હોત તો આપણો ચહેરો, રોગો કે વિચાર પણ જુદા હોઈ શકત એમ દરેક ક્ષણ અસંખ્ય શક્યતાઓ લઈને આવે છે. લેટેસ્ટ હિટ ‘લૂપર’માં પણ ફરી એકવાર કન્ફર્મ કરાયું છે, તેમ કોઈ ઘટના એક રીતે બને તો એનું લાંબા ગાળે એક એન્ડ રિઝલ્ટ આવે… એ જ ઘટના બીજી રીતે બને તો વળી જીંદગી જુદી જ દિશામાં ફંટાઈ જાય ! ડેસ્ટિની આપણને ચોઇસીઝ આપે છે, અને આપણે એના જે માર્ગ સિલેક્ટ કરીએ એમ લાઇફની ગેઈમમાં પોઈન્ટસ વધતા કે ઘટતાં ચાલે ! યાને ઇત્તેફાકની આ ડિઝાઇન આંધળાઓને દોરવાની નથી. એમાં વાઇઝ વિઝનથી જે વિલિંગનેસ હોય, એ મુજબ એ ઓર્ગેનિક લાઈવ ડિઝાઇન સતત ઓટોમેટિક મોડમાં બદલાતી પણ ચાલે છે !
અને અનાયાસ જ ફંટાઈ ગયેલી અભ્યાસની દિશા, એમાંથી વળી ઇત્તેફાકન મળી ગયેલી. કોલમ લેખન પ્રવૃત્તિ, શોખથી શરૃ કરેલી વક્તૃત્વ સ્પર્ધાથી વિસ્તરેલા વ્યાખ્યાનો, રીતસર ચમત્કારિક રીતે થયેલા મનગમતા વિદેશ પ્રવાસો, સાવ જ અનાયાસ શરૃ થઈ ગુજરાતીમાં નંબર વન બનેલા બ્લોગ, થયેલા બેસ્ટ સેલર પુસ્તક પ્રકાશનો અને મળેલા જખ્મો, ભોગવેલી કારમી નિષ્ફળતાઓ, છૂટેલા પ્રિય સ્વજનો, જોડાયા પછી પણ ધૂંધળા થઈ ગયેલા રિશ્તાઓ, દિલના ક્યાંક તૂટીને વધુ મધુર રણઝણતા તારો આ બધા પછી બસ, એટલું જ સમજાય છે કે આ ભૂલભૂલામણીમાં હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે…મેં તો લગામ સોંપી હાથ હરિને એ ચાહે તો પાર ઉતારે !
વિજયાદશમીનો સંકલ્પ નવી બોન્ડ ફિલ્મ સ્કાયફોલના ટોનમાં એ જ હોવો જોઈએ…. સો રીડર બિરાદર, લેટ ધ સ્કાય ફલો, વ્હેન ઈટ ક્રમબલ્સ વી વિલ સ્ટેન્ડ ટોલ, ફેઈસ ઈટ ઓલ ટુગેધર, એટ સ્કાયફોલ…ઓફ યોર લવિંગ આર્મ્સ, કીપિંગ મી ફ્રોમ હાર્મ, પુટ યોર હેન્ડ ઇન માય હેન્ડ, એન્ડ વી વિલ સ્ટેન્ડ…એટ સ્કાયફોલ !
ઝિંગ થિંગ
ચિરાગ હો કે ન હો, દિલ જલા કે રખતે હૈ
હમ આંધીયો મેં ભી તેવર બલા કે રખતે હૈં
હમે પસંદ નહિ જંગ મેં ભી ચાલાકી
જીસે નિશાને પે રખ્ખે, બતા કે રખતે હૈ ! (હસ્તીમલ હસ્તી)

Courtesy: Jay Vasavada, Gujarat Samachar Dated: 24/10/2012

Advertisements

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: