Skip to content

Bare Truth of Indian Economy

28/10/2012

This is the truth of india’s dream of 2020 which is known as vision 2020.

We think we are moving towards developed country from developing country but with this scenario we are going reach nowhere!!!!!!

વર્લ્ડ બેંકના રીપોર્ટમાં શરમજનક અહેવાલ ભાવિ સુપર પાવર ભારત હાલ તો ૧૩૨મા ક્રમાંકે !!!

જોઆપણે એવા રાચતા હોઇએ કે ભારત મહાસત્તા બનવા તરફ જઇ રહ્યું છે તો તે આપણો બહુ મોટો ભ્રમ જ કહી શકાય. વર્લ્ડ બેંક હસ્તકના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશને ગયા અઠવાડિયે બીઝનેસ શરૃ કરવા માટે સૌથી સુલભ અને અનુકૂળ પ્રક્રિયા અને પછી ઉમદા વાતાવરણ ધરાવતા ૧૮૫ દેશોની યાદી બહાર પાડી છે. જેમાં ભારતનો ૧૩૨મો ક્રમ જોઇને માથુ શરમથી ઝૂકી જાય તેમ છે. આપણને એમ કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ કે ચીન પછી આપણો જ ક્રમ હોય ને. પણ અફસોસ, ટોપ ટેન, ટ્વેન્ટી તો દૂર ટોપ હન્ડ્રેડમાં પણ આપણે નથી. તમને થશે કે યાર, સાવ આવું તો ના હોય. પણ આ કડવી હકીકત દસ માપદંડોના વિસ્તૃત અભ્યાસ બાદ વર્લ્ડ બેંકે વિશ્વ સમક્ષ મૂકી છે. બિનસાંપ્રદાયિકતાની બૌધ્ધિક ચર્ચા, ભૂતકાળની ભવ્યતા અને આધ્યાત્મીક સત્સંગના ઓવરડોઝ, શેર-શાયરી અને સુવાક્યોના શબ્દ વિલાસ તેમજ એક પછી એક તહેવારોની ઉજણીના ભરમારમાંથી થોડો વિશ્રામ લઇને આ અભ્યાસની ભીતરમાં જઇએ. દસ માપદંડોમાં પણ ભારત વિશ્વના ૧૮૫ દેશોમાં ક્યાં છે તે જાણીએ.
૧) નવો બીઝનેસ શરૃ કરવાની પ્રક્રિયામાં – ૧૭૩મા ક્રમે ૨) નવા બીઝનેસ માટે બાંધકામ એકમો- ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની પરવાનગી મેળવવાની રીતે- ૧૮૨મા ક્રમે ૩) વીજળીનું જોડાણ મેળવવાની ત્વરીતતાની રીતે- ૧૦૫મા ક્રમે ૪) પ્રોપર્ટી રજીસ્ટ્રેશન – ૯૪ ક્રમે ૫) ધીરાણ મેળવાની પ્રક્રિયાની ત્વરીતતાની રીતે- ૨૩મા ક્રમે ૬) રોકાણકારોનો વિશ્વાસ અને તેઓની મૂડી જાળવવાની યોજનાઓની રીતે- ૪૯મા ક્રમે ૭) કરવેરા ભરવાની રીતે- ૧૫૨મા ક્રમે ૮) આયાત-નિકાસ ધંધો કરવાની રીતે- ૧૨૭મા ક્રમે ૯) કરારની શરતોનું પાલન કરવાની રીતે ૧૮૪મા ક્રમે ૧૦) કંપની નાદારી નોંધાવે તે પછી તેના રોકાણકારો, લેણદારો અને કર્મચારીઓ પ્રત્યેની જવાબદારી નીભાવવાની રીતે – ૧૧૬મા ક્રમે છે.
ન્યુઝીલેન્ડ જેવા દેશમાં નવો ધંધો શરૃ કરવાની તમામ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થાય છે તેની સામે ભારતમાં સરેરાશ ૨૭ દિવસનો સમય લાગે છે. ટોપ ટેન દેશોમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે સરેરાશ બેની સામે ભારતમાં ૨૨ દિવસ લાગે છે.
યુએઈમાં તમે જે પણ સરકારી એજન્સીનું કાર્ય ૧૨ કલાકમાં પૂરૃ કરી શકો તે માટે ભારતમાં ૨૪૫ કલાક સહેજે થઇ જાય છે. કરાર પછી કંપનીને ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાની પરવાનગી મેળવતા ૧૮૨ દિવસ અને વીજળીના જોડાણ માટે ૧૦૫ દિવસ થઇ જાય છે.
વર્લ્ડ બેંકના રીપોર્ટ પ્રમાણે ભારતમાં એક લીમીટેડ કંપનીને રજીસ્ટર કરાવવી હોય તો તેના માટે પ્રર્વતતા કાયદા, બિનજરૃરી અંકુશોનું ઉલ્લંઘન નથી થતું તે પૂરવાર કરવા તેમજ અન્ય વિધિ પાર પાડવા માટે ૮૮ કર્મચારી તેના આઠ કલાકનો જોબ કરે તેટલો સમય જાય છે.
સિંગાપોર, હોંગકોંગ, ન્યુઝીલેન્ડ, અમેરિકા, ડેન્માર્ક, સાઉથ કોરિયા, મલેશિયા, સાઉથ આફ્રિકા અને ચીનમાં ચારથી દસ દિવસમાં મહત્તમ પ્રક્રિયા પૂરી થઇ શકે છે.
આઘાતજનક બાબત એ છે કે ભારતના ઓવરઓલ ૧૩૨મા ક્રમની સામે પાકિસ્તાન ૧૦૭ અને બાંગ્લાદેશ ૧૨૯મો ક્રમ ધરાવે છે.
નવા મિલેનિયમમાં પ્રવેશ કરતી વખતે આપણા કાનમાં ઈન્ડિયા શાઇનિંગ, ભારત ઉદય, ફીલ ગુડ જેવા શબ્દો ગુંજતા હતા. તે વખતે બે દાયકા દૂર અને કાર્ય સિધ્ધી – સંકલ્પના સીમાચિહ્ન તરીકે યોગ્ય અંતરે જણાતા હતા. ભારતના ૨૦૨૦ વિઝનની જાણે ફેશન થઇ ગઇ હતી.
મિલેનિયમ બાદના બે દાયકામાંથી ૧૨ વર્ષ તો જોતજોતામાં કપાઇ ગયા. જેમાં સ્વીસ બેંકની બે નંબરી રકમની રીતે ભારતનો અવ્વલ નંબર જાહેર થયો. ટુ જી અને કોલ કૌભાંડનાં આંકે આપણને ખર્વ, નિખર્વ જેવા આંકડાકિય ચિહ્નોમાં હવે કંઇક નવું સંશોધન કરવા પ્રેર્યા છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારી ભયજનક રીતે હવે સંવેદના જગવનારી બાબત નથી.
ભારત હજુ સંશોધન અને કોર્પોરેટ જાયન્ટની રીતે વિશ્વમાં નગણ્ય સમાન છે. ભારતે જો ખરેખર વિશ્વમાં મહાસત્તા બનવું હોય તો ‘ફોરચ્યુન’ દ્વારા પ્રકાશિત થતી વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓમાં દર સાતમી કંપની ભારતની હોવી જોઇએ. પ્રત્યેક વર્ષ અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાંસ અને સ્વીડનની જેમ કમ સે કમ એક નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતનો હોવો જોઇએ. એકલ-દોકલ અમર્ત્ય સેન કે અંબાણી થકી વિશ્વમાં ઓળખ ઊભી ના થઇ શકે.
અર્થહીન પંચાત કે બિન ઉત્પાદક સમય વેડફવાની રીતે પણ ભારત વિશ્વમાં અગ્રક્રમે છે.
ભારતીય ફૂટબોલ વિશ્વના ૨૦૦ દેશોની યાદીમાં ૧૬૮મું છે. ઓલિમ્પિકમાં કુલ મેડલની રીતે ૩૭મું છે. એકપણ ઈવેન્ટમાં આપણને સમ ખાવા પૂરતો એકપણ ગોલ્ડ મેડલ નથી મળ્યો.
આપણા એક પણ ફેશન, ફૂડ, ફેસ્ટીવલને વિશ્વનાગરિકોએ તેમની જીવનશૈલીમાં અપનાવી નથી.
ટાઈમ, ન્યુઝ વીક અને વૉલ સ્ટ્રીટ જર્નલ જેવા અમેરિકાના અને બ્રિટનના ‘ધ ટાઈમ્સ’એ ભારતમાં પ્રવર્તતા રાજકારણ, નેતૃત્વ અને અમલદારશાહીની ટીકા કરતા અહેવાલો પ્રગટ કર્યા છે.
નારાયણ મૂર્તિએ પણ કહેવું પડયું છે કે ૧૦ વર્ષ પહેલા હું વૈશ્વિક બીઝનેસ કોન્ફરન્સમાં જતો ત્યારે દસમાંથી સાત વખત ચીનનું અને ત્રણ વખત ભારતનું નામ લેવાતું હતું. ભારતીય કોર્પોરેટ જગતની વિશ્વની ટોચના દેશો આદરપૂર્વક નોંધ લેતા હતા. હવે હું આવા સંમેલનો, મેળાવડામાં ભાગ લેવા જઉં છું ત્યારે ચીનનો આઠ વખત અને ભારતનો એક વખત ઉલ્લેખ થાય છે.
ભારતમાં વિશ્વની કંપનીઓ ધંધો કરવા આવે છે તેનું એકમાત્ર કારણ ભારતનો ૮૦ કરોડની વસ્તી ધરાવતો નિમ્મ અને મધ્યમ વર્ગ છે. જે વિશ્વમાં ક્યાંય નથી.
અમેરિકા અને યુરોપિય દેશોની વસ્તીના કુલ સરવાળા જેટલો આ આંક છે. તેમની પાયાની સગવડો. કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર, વાહનો, ટ્રાન્સપોર્ટ, ફેશન, કોમ્યુનિકેશન અને ફૂડની જરૃરિયાતને પહોંચી વળવાનું વિરાટ બજાર છે. ભારતની વસ્તી જ વિશ્વને ધંધા માટે આકર્ષે છે. વિશ્વ બેંક, ખાનગી બેંકો ભારતમાં નાણા ખડકે છે. ક્રેડિટ કાર્ડ અને લોનનું લોહી ભારતીયોની નસોમાં દોડાવાય છે. જે સ્ટેરોઇડ જેવી તાકાત આપે છે. બજાર જોમવંતા આખલાની જેમ ચાલે છે.
આપણી સૌથી આશ્ચર્ય ચિહ્ન સાથેની કોમન પ્રતિક્રિયા પણ એવી જ છે કે ”આટલી બધી મોંઘવારી છે પણ મોંઘવારી ક્યાંય દેખાતી નથી.” ખરેખર તો જેઓ ખરી મોંઘવારીની ભીંસમાં આવી ગયા છે તેઓ આપણને દેખાતા નથી તેમ આપણે વિચારતા થવું જોઇએ.
દુનિયાના અર્થશાસ્ત્રીઓ તો પ્રગતિ અને વિકાસને પણ એક બાબત ગણતા નથી. વૃધ્ધિ દર અને વિકાસ પણ હંમેશા પ્રગતિ નથી હોતી તેવું પણ તેઓ માને છે. તેવી જ રીતે મોટી વિદેશી સ્ટાઇલની ઈમારતો અને વધતા ટ્રાફિકને પણ શહેરની પ્રગતિ કે નાગરિકોનું જીવન આરામદેહ કે ગુણવત્તાસભર બન્યું તેમ કહી ના શકાય. બેફામ વધતી જતી કાર, કરોડપતિઓનો આંક પ્રગતિનું ખરૃં પ્રતિબિંબ નથી પાડતું. ૧૦૦ જણાનું શોષણ કરીને કોઇ લખપતિમાંથી કરોડપતિ બને. આવા શ્રીમંતો વધતા જાય અને સામે ૧૦૦-૧૦૦ના જૂથ વધુ ને વધુ પડતા આર્થિક રીતે ઠેકાણે પડતા જાય તો તેના પગલે જે સમાજ નિર્માણ પામે તો કદાચ દેખાવમાં બાહ્ય રીતે વૈભવી લાગે પણ અંદરથી ચારિત્ર્યવાન, દમદાર શિક્ષિત અને સુસંસ્કૃત ના હોય તેવું બને.
દેશનો સરેરાશ નાગરિક કેવા માનવ અને આત્મ ગૌરવથી જીવન વ્યતીત કરે છે તે ટોચના દેશોનો માપદંડ છે. તમે જાહેર ક્ષેત્ર કે સેવા આપતા તંત્ર જોડે કામ કરતા કેટલો તનાવ, માનહાનિ, તોછડી નજર, ભ્રષ્ટાચાર અને ધક્કા ખાવ છો. તે નાગરિકની આઝાદીનો માપદંડ છે. તેનું કામ ગૌરવભેર ઝડપથી પૂરૃ થવું જોઇએ. શિક્ષણ, આરોગ્ય, ન્યાય, ટ્રાન્સપોર્ટ, ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી અને ફરજ-હક્કનો રેશિયો દેશમાં સમાનથી નજીક હોવો જોઇએ.
ભારતને વિશ્વના ટોચના દેશો હજુ પણ ત્રીજા વિશ્વના દેશ તરીકે જ જુએ છે. એ જ ધીમું, સુસ્ત અને મૌલિકતાની ખેવના વગરનું ભારત. બોલીવુડ અને ભારતીય ફૂડ ભારતને વિશ્વમાં કંઇક સળવળાટ કરાવતા થયા છે. ૨૦૨૦ના ઈન્ડિયાનું વિઝન હવે ૨૦૪૦ સુધી આગળ ધપાવી શકીએ તેમ છીએ.

* આટલી હદે ભ્રષ્ટાચારના કૌભાંડોના પર્દાફાશ કરવાની ઝૂંબેશથી ભારતની વિશ્વ સ્તરે ઈમેજ ખરડાઇ છે. ભારતને આનાથી ઘણું નુકસાન થઇ રહ્યું છે. – ડૉ. મનમોહન સિંહ
* ઈઝરાયેલ સંશોધન પાછળ તેની જીડીપીના ૬ ટકા, સ્વીઝર્લેન્ડ અને સ્વીડન ૪-૪ ટકા, ચીન બે ટકા, બ્રાઝિલ પાંચ ટકા, ઈથોપિયા ૪.૭૪ ટકા (શિક્ષણ), બોત્સવાના ૭.૮ ટકા (શિક્ષણ) ફાળવે છે. ભારત સંશોધન માટે તેની જીડીપીના ૦.૨૫ ટકા અને શિક્ષણ પાછળ ૨૦૦૪ના ૩.૩ ટકાથી ૪ ટકા પર છેક આ વર્ષે પહોંચ્યા. ૨૧મી સદીમાં સુપર પાવર બનવા આ ધોરણે બીજા ૩૦ વર્ષ તો નીકળી જ જશે.

ડૉ. કલામે ૨૦૨૦નું વિઝન ભારે આશા સાથે જોયું હતું

* ઈન્ડિયા વિઝન ૨૦૨૦ની વિસ્તૃત રૃપરેખા ડો. કલામે એક પુસ્તકમાં મુકી છે. ડૉ. કલામ અને ડૉ. રાજને તે પૂર્વે ૫૦૦ જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતોનાં અભ્યાસુ મંતવ્યો લીધા હતા. જેમાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર – ઈલેક્ટ્રીક પાવર, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશન તેમજ વ્યાપાર ઉદ્યોગને આવર્યા હતા. ડૉ. કલામે ગવર્નન્સ, ભ્રષ્ટાચાર, નાગરિકોના મનોબળ, ગૌરવની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. જેમાં આપણે નિષ્ફળ રહ્યા છે.
* ૨૦૧૧-૧૨માં આપણે બે આંકડાનું એટલે કે કમ સે કમ ૧૦ ટકા જીડીપીનું લક્ષ્યાંક રાખ્યું હતું. જે હાલ ૭ ટકા પર જ છે.
* ‘ભારતમાં મુક્ત અર્થતંત્રના બે દાયકા’ વિષય પર ફિલોડેલ્ફીયામાં યોજાયેલા એક પ્રવચનમાં આઇસીઆઇસીઆઇના ચેરમેન એમ બી કામથે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતમાં યુવા પેઢીને માટે જો આપણે તેમની ક્ષમતાને અનુરૃપ રોજગારીની તકો ઊભી નહીં કરી આપીએ કે પછી હતાશા સાથે નકારાત્મક મૂલ્યોનું વાતાવરણ સર્જીશું તો સમાજમાં ભારે અરાજકતા સર્જાશે. કામથનો ભય વાજબી ઠરી શકે તેવો છે.
* ટુ જી અને કોલ કૌભાંડનો પર્દાફાશ કરનાર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ – કેગ વિનોદ રાયે ૨૦૨૦ના સુખદ ભારતના સ્વપ્ન સામે ચેતવતા જણાવ્યું છે કે બધું જ બરાબર હોય પણ દેશના અને રાજ્યોના ‘ગવર્નન્સ’માં દાનત કે દ્રષ્ટિ ના હોય તેવી કટોકટી સર્જાઇ શકે તેમ છે. ભ્રષ્ટાચાર અને તેના પર્દાફાશને કારણે લોકતંત્ર ઠપ્પ થઇ શકે છે.

Courtesy: Bhaven Kachchhi – Horizon – Ravipurti- Gujarat Samachar Dated: 28-10-12

Advertisements

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: