Skip to content

કુંભકર્ણના વારસદારો અને કૃષ્ણનો વારસો! – by: જય વસાવડા

17/02/2013

This was an awesome article published by Jay Vasavada in “Gujarat Samachar” dated: 17/02/2013.

After reading this article I recall true dialog for this country from movie “OMG” spoken by Mithun da that, “These are god scaring people not god loving people”. yes, almost every indian is by one or other way afraid of god and his acts and almost every priest make us afraid of god rather than to love him.

think about this and now read this article.

નરસિંહ મહેતા જો આજે જીવતા હોત, તો એમનું ફેસબુક સ્ટેટ્સ પ્રભાતમાં (અફ કોર્સ, રાતની પાછલી ખટઘડીમાં સાધુપુરુષ સૂઈ થોડા રહે?) શું મૂકત – એની ગેસીઝ?
મગજને કષ્ટ આપવું એ હવે ઓલ્ડ ફેશન છે, માટે વાંચી લો…
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ઘરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
ઓએમજીનાં કાનજી લાલજી મહેતા સામે ખુદ નટવર નટખટ કૃષ્ણને વાંધો નહોતો, એમ મહેતાજી આવું રોકડું પરખાવી ગયા હોવા છતાં કોઈ ગંગાકિનારે જ રહેતા સાધુ કરતાં શામળશા એમને સાક્ષાત્ હાજરાહજૂર હતા, આથી મોટો પુરાવો શું જોઈએ – ધર્મ અને શ્રધ્ધાના નામે આપણે ત્યાં ચાલતા તમાશાને બદલે ઈશ્વર કઈ વાતને એન્ડોર્સ કરીને ૨૪ કેરેટ ગોલ્ડનો હોલમાર્ક આપે છે એનો? પણ હિન્દુસ્તાનમાં તાલીબાની મ્યુટેશન થવા લાગ્યું છે, એટલે જે વાત માટે ૫૦૦ વરસ પહેલાં નરસિંહ કૃષ્ણપ્રિય થયા, એ જ મતલબનો મેસેજ આજે કોઈ આપવા જાય તો ભક્તો (ભગવાન નહિ, એ બાપડા તો ટોળાથી ડઘાઈને ભારત બહાર ઘણી વાર જતા રહેતા હશે એટલે આપણી કિસ્મતમાં હજારો વર્ષોથી, ગુલામી, ગંદકી ને ભ્રષ્ટાચાર આવે છે, ને જેમને ભૌતિકવાદી પાપી આપણે કહીએ છીએ એ પશ્ચિમની પારદર્શકતા-સર્જકતા-પ્રસન્નતા પર ભગવાને રીઝતા જ ગયા!) એમને શ્રદ્ધાના અપમાન માટે વખોડવાનું ને લાગ આવે તો કૂટવાનું પણ ચાલુ કરી દે.
એટલે મહેતાજીએ જો આવું ફેસબુક સ્ટેટસ મૂક્યું હોત, તો નીચે કોઈ વાયડા વેદિયા કોમેન્ટ કરત. અરે એન.એમ. સર, તમને કંઈ શ્રદ્ધામાં સમજ પડે છે કે નહિ? તમે શું જાણો ગંગાસ્નાનનું માહાત્મ્ય કે આમ શું થયું ગંગાજળ પાન કીધે એમ લલકારવા બેઠા? ને તપ-તીરથ-તિલકનો વિરોધ કરી મારી કુણી કુણી લાગણી ના દુભવો. તમે તે હિંદુ છો કે કોણ છો કે વળી વેદ ને વ્યાકરણની ટીકા કરવા બેઠા? શરમ નથી આવતી મહેતા સાહેબ, પહેલા કંઈક સાધુજીવન ગાળો, કંઈક આશ્રમમાં ઘેલાચેલા થાવ તો ખબર પડશે કે આપણો મહાન ધાર્મિક વારસો શું છે! નરસિંહ અંકલ, તમને આમ સ્નાન, પૂજા ને સેવાને વખોડવાનો અને શ્રદ્ધેય પ્રાતઃસ્મરણીય એવા પૂજ્ય મહાસંતો અને એમના મહાભક્તોનું શું થયું જટા, ભસ્મ લેપન કીધે ને શું થયું સ્નાન – સેવા – પૂજા થકી એવું બધું કહીને અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો? પહેલા અલાઉદ્દીન ખીલજી વિષે કંઈક સ્ટેટ્સ મૂકો, પછી અમને સલાહ આપજો.
એન.એમ. ડયુડ, મહાન ભારતીય સંસ્કૃતિના વારસામાં તમે કંઈ સમજો છો કે નહિ? આમ ઉઘાડેછોગ એની મજાક કરો તો ય અમે સહન ના કરીએ – ને તમે તો સિરિયસલી આ લખ્યું છે! લોકોની લાગણીનો વિચાર કર્યા વિના આવી એરોગન્ટ કવિતા ગાવ છો? તમને અધિકાર નથી અમારી ભક્તિની આમ ટીકા કરવાનો. ભક્તિ શું છે એ તમને ખબર છે? આ તત્વ ચિન્યો ને એવું બધું અટપટું અમને ના સમજાય. એ શું વળી માથાકૂટ આત્મા ને તત્વ ને બધી? સીધા સાદા દાન ને પૂજાપાઠ કરવા દો ને! તમને તો એમાય વળી વાંધો છે! વરણનાં ભેદ તો હજારો વર્ષો જૂની પરંપરા છે, એટલે સાચી જ હોય ને, તમે શું આજકાલના અંજાઈ ગયેલા ગીત-તંબૂરાનાં નાચણવેડાથી કે એની જાહેર ટીકા કરો વળી? ને પાછું અમારા પરમવંદનીય મહાત્માઓના ચેનલ ખોલીને સાંભળ્યા વિના કે એમના દિવ્ય સાક્ષાત્કારની અનુભૂતિ વિના એમ કહો છો કે એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા? હાય હાય! પહેલા જરાક સમજો, કંઈક અનુભવ લો, આમ આટલા બધા પરમ સંતો પર આવો કાદવ ઉછાળો છો તે! ભગવાનનો કોપ ઊતરશે તમારા પર શ્રદ્ધાની આવી ઠેકડી ઉડાડવા બદલ. સાધના સર્વ જૂઠી આવું તમારાથી લખાય જ કેમ?
ભારતમાં આજકાલ જે ફાટીને ધુમાડે ગયું છે એ ધાર્મિક માન્યતાઓથી બીજાનું જજમેન્ટ લઈને લાગણી દુભાવાના મિથ્યાભિમાનનું તાલીબાની મ્યુટેશન આપ્યું એ પહેલાં આ કવિતા એમણે લખી હતી. નહિ તો કોમેન્ટ મળત એમને – શરમ, શરમ, મહેતાજી ! તમારામાં શ્રધ્ધા જેવું છે કે નહિ? શું હિંદુ ધર્મનું અપમાન કરો છો? આમ બધાને એક લાકડીએ ના હાંકો. અને પહેલા બીજા પાદરી-મુલ્લા-ગ્યાની-રબ્બી પર કવિતા લખવી ફરજીયાત છે, નહિ તો તમને ગમે એટલો ઉમળકો હોય પોતીકા ધર્મને સુધારવાનો અને સાચે પાટે ચડાવવાનો કે અમને અસલી અધ્યાત્મ ભણાવવાનો – અમે એની મંજુરી જ નહિ આપીએ.. અમે ભારતના સર્ટિફાઈડ ઠેકેદાર. દંભ અમારો સમારંભ.
વેલ, નરસિંહ તો સદેહે જ પ્રભુને કેવા પ્યારા હતા એની દંતકથાઓ મશહૂર છે. પ્રભુ, ભગવાન, ઈશ્વરને નહિ ખબર હોય કાં કે ધર્મ કોને કહેવાય ને તીરથ, માળા, સાધના, ગંગાજલ, સ્નાન, મંત્રપાઠ વગેરેનું શું મહત્ત્વ હોય તે. એટલે ભૂલમાં જ નરસિંહ પર આટલી કૃપા ને પ્રેમ વરસાવ્યા. ને એમના અપમાન માટે લાગણી દુભાવી એમને શ્રાપિત ના કર્યા! હાય… લા, ભગવાનને ય શ્રદ્ધા અને ધર્મનાં પાઠ માણસોએ ભણાવવા જોઈએ નહિ! આમ સમજ્યા વિના નરસિંહ મહેતાને આવું લખવાની પ્રેરણા આપે એ કેમ ચલાવી લેવાય! ભગવાને તો લાગણી દુભવી નાખી આવા માણસને ગળે વળગાડીને… નરસિંહ ક્યાં વળી મહાકુંભમાં જઈને શાહી સ્નાન કરતા કે એને આટલું મહત્વ અપાય!
* * *
ભારતે કંઈ ઓછા સુધારાવાદી જોયા છે? હિન્દુત્વને કોલરમાં રાખીને ફરતા લોકોએ સાવરકરના બાવા કલ્ચર અંગેના આકરા વિચારો વાંચ્યા નથી હોતા, કારણ કે કશો ય અભ્યાસ કરવો ના પડે એટલે તો એમણે ધર્મનો શોર્ટકટ શોધ્યો હોય છે. બુદ્ધ અને મહાવીરનાં પ્રચંડ પડકાર બાદ તો શંકરાચાર્યે મેદાનો પડવું પડેલું અને એમાં ય સુધારાનું મોજું આવ્યું. જે તે વખતે કૃષ્ણ પણ ‘રેબેલ’ હતા એ વાત માયથોલોજી માનીએ, તો ય વિવેકાનંદ ને અરવિંદ, કબીર અને સાંઈબાબા, દયાનંદ અને ગાંધીજી, રજનીશ અને કૃષ્ણમૂર્તિ, ટાગોર અને નર્મદ આ બધા નક્કર સુધારાવાદી ભારતમાં નજર સામે થયા. દાદા મેકરણથી દાસી જીવણ અને આપા ગીગાથી ગંગાસતી સુધીની ગુજરાતી સંતપરંપરાની તો વાત જ નથી માંડવી અત્યારે. તિરુવલ્લુર કે તુકારામ પણ નહિ. આ તમામે મૂળ તત્વ દર્શનને અધ્યાત્મનાં જીવનમાં ઉતરતા અર્કને મહત્વ આપ્યું. જીવમાં શિવ જોઈ, પ્રભુભક્તિમાં એકાંગી દાનવ બનવાને બદલે માનવતાને માનપાન આપ્યા.
આંખો મીંચો, બે ઘડી. વિચારોથી મુક્ત થાવ. હવે કલ્પના કરો કુંભમેળામાં શાહી સ્નાન માટે આ કોઈને ભીડમાં ભીંસાઈને, ગંદકીમાં ખરડાઈને, બીજાને ધક્કા મારતા અને ખુદ હડસેલા ખાતા મોક્ષ મેળવવા કે પાપ ધોવા ગંગાકિનારે કલ્પી શકો છો?
બી ઓનેસ્ટ. સો ધેટ ઈન યુ ગોડ કેન રેસ્ટ!
* * *
વર્ષો પહેલાં જ્યારે ભારત આઝાદ નહોતું અને સત્ય બાબતે આટલી હદે અસહિષ્ણુ અને આળું નહોતું ત્યારે રમણલાલ સોનીએ એક રાણા ભીલની વાર્તા લખેલી. રાણાને ગંગાસ્નાન કરવાનું બહુ મન પણ ખર્ચી ભેગી થાય નહિ ને આયખું વાટ જુએ નહિ. એ બિચારો ભોળો જીવ જાતી જિંદગીએ ગંગાસ્નાન કરવા નીકળ્યો. જે નદી દેખે એને ગંગાજી સમજીને ડૂબકી લગાવે, ને કોઈ એની ઠેકડી ઉડાડી કહે કે આ તો ફલાણી નદી છે ત્યારે ભોંઠો પડીને આગળ ચાલે. માંડ પહોંચ્યો ગંગાકાંઠે ત્યાં તો એનો દેહ પડી ગયો. રાણો ગંગાને દૂરથી જોઈને સ્પર્શ્યા વિના જ ગુજરી ગયો.
એ જ વખતે એક મોટા મહાત્માનું નિધન થયું. શિષ્યોએ ધામધૂમથી પાલખી કાઢી. (એ થોડા કંઈ રાણા જેવા મુફલિસ હોય? એમણે તો ધનનો ત્યાગ કર્યા પછી મુખ્ય કાર્ય ધનસંચયનું જ કર્યું હોય ને!) એમનો મૃતદેહ ગંગામાં વહેવડાવ્યો. મહાત્મા તો પુણ્યની એફ.ડી.નું વ્યાજ વધારવા ગંગાકિનારે જ વર્ષોથી રહેતા. રોજ ગંગાસ્નાન અને ગંગાપાન કરતા. બેઉ જીવ એક સાથે સ્વર્ગના દરવાજે પહોંચ્યા. ચિત્રગુપ્તે ચોપડો ખોલી મહાત્માને એમના ભક્તો અમીર ના હોય એવા આસ્થાળુને જેમ બાજુએ ખસેડી લાઈનમાં ઉભા રાખે એમ રાખ્યા, અને રાણાને ભાવથી કહ્યું, સ્વર્ગમાં તમારું સ્વાગત છે. મહાત્મા તરત જ પોતાની અંદર ઉતરવાને બદલે બીજા સાથે સરખામણીની ટેવ હોઈ ચીડાયા – હું રોજ ચોવીસે કલાક ગંગામાં ગળાડૂબ અને આ જંગલી રાણો જેણે ગંગાનો છાંટો શરીરે લીધો નથી, એ સીધો સ્વર્ગમાં?
અને દેવતાઈ જવાબ મળ્યો ઃ એ ખરું કે રાણાએ કદી ગંગામાં ડૂબકી નથી મારી, પણ રાણાએ જ્યારે જે પાણીએ સ્નાન કર્યું એને ગંગા સમજી ભાવથી સ્નાન કર્યું. એના હૃદયમાં ગંગાની સરવાણી હતી, શરીરે તો ભલે ક્યારેક સ્નાન કરવાનું ય ચુકે! જ્યારે તમે વર્ષો સુધી રોજ ગંગામાં સ્નાન કર્યું પણ અંદર વિચાર તો વૈરાગ પછીયે રાગ-દ્વેષના જ ચાલતા હતા! બહાર ગંગાનું પાણી શરીરને અડે એ તો રોજિંદો કર્મકાંડ હતો, પણ ભીતરમાં તો અનેક ઉથલપાથલ અને અપેક્ષાઓની અશાંતિ હતી. એક પણ વખત તમે ગંગાને મનમાં ઉતરવા દીધી નથી. પણ આ રાણાએ જે પાણી મળ્યું એને ગંગા સમજી નિર્મળ ચિત્તે ભોળા ભાવે સ્નાન કર્યું. એટલે એની શ્રધ્ધા થકી એ તમામ સ્નાન ગંગાસ્નાન બની ગયા!
જો શ્રદ્ધા મહત્વની છે, તો સ્નાનનું લોકેશન કે ટાઈમિંગ મહત્વનું રહેતું નથી. અને જો એ મહત્વનું છે તો શ્રદ્ધાએ એના માટે જગ્યા કરી ડ્રાઈવિંગ સીટમાંથી પાછલી સીટ પર બેસવું પડે છે!
પુણ્ય કે મોક્ષ કે લાભ મળે, દુખ કે પીડા કે સંતાપ મળે. પાપ ધોવાય કે અંતર ઉજળું થાય – આ આપના રોજરોજના કર્મોથી થાય છે, કર્મકાંડોથી નહિ. એમ કર્મકાંડોથી થતું હોત તો આ દેશમાં ગુલામી નહિ, મહાસત્તા હોત. ભ્રષ્ટાચાર, હિંસાખોરી, અશિસ્ત કે અસ્વચ્છતા હોત જ નહિ. બધા નાગરિકો ક્યારના સાત્વિક થઈ ગયા હોત.
છે ઉલટું જ. અહીં સ્વાર્થ વધારે છે. એટલે પાપ વધારે છે, પાપ વધારે છે એટલે ડર વધારે છે. ડર વધારે છે એટલે ઘેટાંની ભીડ વધારે છે. એટલે મેગા પબ્લિકનો મહાકુંભ થયા કરે છે, અને સમયાંતરે છતાં ય દેશ ડૂબ્યા કરે છે.
* * *
ન્યુ જર્સીના અભ્યાસુ મિત્ર ભુપેન્દ્રસિંહ રાઓલ માહિતી આપે છે ફેબુ્ર ૪, ૧૯૫૪. કુંભમેળામાં મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ સ્નાન કરી પાછા આવતા હતા, સ્વર્ગમાં ટીકીટ બુક કરાવવાની લાલચમાં દોડાદોડી થઈ અને ભીડમાં ૫૦૦ કરતાં વધારે લોકો કચડાઈ ને તરત દાન મહાપુણ્યના ન્યાયે સ્વર્ગે સિધાવ્યા. ઈ.સ. ૧૭૬૦ના કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝઘડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝગડે? પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. ત્યારે કેટલા મરાયા? પૂરાં ૧૮૦૦ કરત પણ વધારે!
ગંગા પ્રદુષિત કરવાનું રોકવા માટે જીવ આપનાર એક સાધુ હતા, પણ એ પ્રદુષિત કરવામાં લાખો પરોપજીવી બાવાઓ અને એમના અંધ અનુયાયીઓનો ય ફાળો છે જ. અને એ પ્રદુષણ કોઈએ ત્રિકાળજ્ઞાાનથી નહિ, વિજ્ઞાાનથી નિહાળ્યું છે. વાત જો ઈશ્વર ને શ્રદ્ધાની હોય તો ભીડમાં ઝટ દોટ મૂકીને થતા શાહી સ્નાન સાથે એ બેઉ શબ્દોનો સ્નાનસૂતકનો ય સંબંધ નથી. એ ટોળામાં ૯૯% તો પોતાના પાપોના કરમફળથી અંદરખાનેથી ભયભીતો અને પુણ્યથી પૈસા સુધીનું ઈન્સ્ટન્ટ ઝંખનારા સ્વાર્થીઓ હોય છે એટલે આવા શાહી સ્નાનો ચાલતા હોવા છતાં આ દેશ દુનિયામાં અભૂતપૂર્વ રીતે ઓલમોસ્ટ ૧૦૦૦ વરસ ગુલામ રહ્યો અને હજુ પોતે પોતાના વખાણ કરે એ સિવાય કોઈ મોટી ધાડ રેકોર્ડબ્રેકીંગ ભ્રષ્ટાચાર કે ગંદકી સિવાય ખાસ મારી નથી કારણ કે આવા દંભી ભક્તોથી બિચારા ભગવાન પણ નારાજ હોય છે.
કુંભ એક ઈવેન્ટ તરીકે જરૃર નોંધપાત્ર અને કલ્ચરલ કલર્સ માટે જોવાલાયક ગણાય. મેળો વિશ્વ માટે આગવો અને ભારત માટે સ્પેશ્યલ ગણાય. પણ શાહી સ્નાનથી જ પુણ્ય મળે, પાપ ધોવાય ને એ જ દિવસે ગંગામાં જ નહાવ તો પવિત્ર થઈ સ્વર્ગે પહોંચો (અને એ માથાકૂટમાં અસામાન્ય ગિરદી થાય તો તત્કાલ સ્વર્ગસ્થ થાવ!) આવી બધી વાર્તાઓમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા વધુ છે. ફરક શો બેઉમાં? શ્રદ્ધા તમને અંદરથી મજબૂત કરે. અંધશ્રદ્ધા અંદરથી નિર્બળ કરે. એટલે શ્રદ્ધામાં ભાવ (લાગણી)થી ખેંચાઈ પરમાત્મા આવે, અંધશ્રદ્ધામાં ‘ભાવ (કિંમત) ચૂકવીને ભગવાન સુધી દોટ મૂકવા ધક્કામુક્કી કરવી પડે!
મન ચંગા તો કથરોટમેં ગંગા. હસ્તિનાપુરનરેશ ભરતવંશી શાંતનુંએ સુંદરી નદી ગંગા સાથે ઈન્સ્ટન્ટ લવ મેરેજ કરવા એની આકરી શરતો માનેલી! પાંડુ અને માદ્રીના અંતિમ મિલન પર વસંતવિજય કાવ્ય લખાયું છે. ગીતગોવિંદના જયદેવ કે ઋતુસંહારનાં કાલિદાસને પૂછો તો કહેશે કે વસંતમાં વેલેન્ટાઈન કપલ યાને પ્રિયતમ અને પ્રેયસી ચંદનલેપે ગુલાબજળ ભરેલા હોજમાં મદમસ્ત થઈ સ્નાન કરે એ ધર્મપ્રેમનું શાહી નહિ તો પ્રેમધર્મનું રૃહી સ્નાન ખરું જ. સખી મળી તે સુખી!
અને જ્યાં કોઈને નડયા વિનાના આવા મનપસંદ સહજ આનંદનું સ્મિત છે, ત્યાં જ ગલી ગજવતા ઘોંઘાટ વિનાનું ધર્મનું ગીત છે!
બાકી, ચૈતન્ય ઓછું ને ચેટક ઝાઝા. ગંગામાં શુદ્ધ થવા જતા ગંગાને જ કેટલી ગંદી કરી આપણે ગાંડાઓએ!
ફાસ્ટ ફોરવર્ડઃ
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ,
સામે સામાં બેઠાં ઘૂડ;
કોઈ આવી વાત સૂરજની કરે,
તે આગળ લઈ ચાંચજ ધરે;
અમારે હજાર વર્ષ અંધારે ગયાં,
તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;
‘અખા’ મોટાની તો એવી જાણ,
મૂકી હીરો ઉપાડયો પાણ.
(છપ્પો)

 

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: