Skip to content

The attacks of 26/11

10/03/2013

this was one of the best movie of RGV. main punch of the movie is its last 15-20 minuets. must watch but not for girls as there is so much violence in it.

અનાવૃત – જય વસાવડા

ફિર મેરે સીને મેં કિસી દર્દને દસ્તક દી હૈ…!

– હજારો વર્ષોથી ભારતમાં આક્રમણખોરો ખુલ્લું ખેતર સમજીને ચડી આવતા, એમ જ હથિયારધારી ત્રાસવાદીઓ વટથી મનફાવે ત્યાં તબાહી મચાવી ગયા!

દરવાજાને ધક્કો મારીને ખોલવાનો એ બેબાકળો શખ્સ પ્રયત્ન કરે છે. નીચે પડેલી યુવાનની લાશના માથા સાથે એની ધાર ટકરાવાને લીધે દરવાજો ખુલતો નથી.
સ્થળઃ લિયોપોલ્ડ કાફે. મુંબઇ. તારીખઃ ૨૬/૧૧.
એક માસૂમ ભૂલકાં સામે સ્મિત કરતો વિદેશી પ્રવાસી વેદનાની ચીસ પણ નાખ્યા વિના ગોળીથી ઢળી પડે છે અને ચીસ જોનારના ગળામાં આવીને અટકે છે. અટકેલી ચીસ ગળે બાઝેલું ડૂસકું થઇ જાય છે, જયારે લાશોના ઢગલા વચ્ચે રડતાં ભૂલકાંને તેડવા જતી રિસેપ્શનીસ્ટ પણ વીંધાઇ જાય છે, અને એ ટચૂકડાં બાળકના રડવાનો અવાજ પણ બંધ થઇ જાય છે.
સ્થળઃ તાજ હોટલ. મુંબઇ. તારીખઃ ૨૬/૧૧.
એક પરિવાર સ્ટેશન પર પાથરણું પાથરીને બચ્ચાં-કચ્ચાં સાથે ટિફિન ખોલે છે. અને ગ્રેનેડ ફૂટે છે. ધાણીફૂટ ગોળીબાર.
સ્થળઃ સી.એસ.ટી. (વીટી) સ્ટેશન, મુંબઇ, તારીખઃ ૨૬/૧૧.
એક વૃદ્ધ અશક્ત દર્દી હોસ્પિટલની લોબીમાં ઉભો છે. ખચ્ચ, શુઉઉમ. પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર.
સ્થળઃ કામા હોસ્પિટલ મુંબઇ, તારીખઃ ૨૬/૧૧.
આ તમામ દ્રશ્યો રામગોપાલ વર્માની દિમાગ સુન્ન કરી દિલ પર ઝીણીઝીણી સેંકડો ખીલીઓ ઠોકી દેતી ફિલ્મ ‘ધ એટેકસ ઓફ ૨૬/૧૧’માં છે. આ એક એવી ફિલ્મ છે, જેમાં ફેકટ કરતાં ફિકશન ઓછું ભયાનક (કે હૃદયદ્રાવક) હશે, કે ફિકશન કરતાં ફેકટ ઓછું ભયંકર (કે દર્દનાક) હશે- તે નક્કી થઇ શકતું નથી.
નક્કી થાય છે એક ઝુંઝલાહટ. એક નપુંસક અજંપો. એક વાંઝિયા આક્રોશની આંખો જલાવતી ઘૂટન!
* * *
૨૬/૧૧ના મુંબઇ પરના હાફિઝમંડળી પ્રેરિત પાકિસ્તાની જેહાદી ત્રાસવાદીઓના ગોઝારા હુમલા પછી આથી યે વધુ ચોંકાવનારો આઘાત લાગ્યો હતો. આથી યે વધુ ગુસ્સો મગજમાં ગોરંભાયો હતો. (આકાશમાં કાળા મેઘવાદળ વરસવા માટે ઘેરાય એના માટેનો તળપદી શબ્દ છેઃ ગોરંભાવું!) આથી યે વધુ તીવ્રતાથી શૂળ ઉપડયુ હતું. હાથમાં એકે-૪૭ તો નહોતી – પણ પેન હતી. એ ઉપાડીને લખવાનું શરૃ કરેલું. પેલા ધર્મઝનૂની નાપાકોની જેમ આડેધડ નહિં, જે ખરેખર જવાબદાર છે એવા મતલબી મઝહબી સોચવાળાઓ સામે!
આ જ ‘ગુજરાત સમાચાર’માં પાનાઓ પર લખાયો, એક લેખ. બે લેખ. ત્રણ લેખ. ચાર લેખ. સળંગ એક જ વિષય પર ચાર-ચાર લેખ લખાયાની આ પહેલી (અને કદાચ છેલ્લી) ઘટના હતી. બીજા બધા ત્રણ-ચાર ઓનલાઇન ઓફલાઇન એકસપ્રેશન્સ અલગ! જેહાદી ત્રાસવાદના ધાર્મિક, આર્થિક, રાજકીય, સામાજીક મૂળિયાઓની એમાં ખુલ્લી ખણખોદ હતી. જાંબાઝ શહીદોને સલામી હતી. દેશની આબરૃનું નાક વાઢી લેવાયાની પીડા હતી. કેટલાક બુનિયાદી કારણો, કારગર ઉકેલોની સમીક્ષા હતી. સિલસિલો ચાલુ હતો. હજુ કેટલુંક નક્કર કહેવાનું બાકી હતું. આવડી મોટી આઝાદ હિન્દુસ્તાનની સૌથી વધુ શરમજનક અને ક્રૂર ઘટના પછી મહીનાઓ સુધી તો એની રક્તરંજીત ધૂળની ડમરીઓ રેડિયોએકિટવ કિરણોત્સર્ગની માફક હવામાં રહેશે, એવું લાગતું હતું.
પણ ચાર લેખ થયા, ત્યાં તો વાચકોના ફીડબેક શરૃ થયા. શું આ એક જ સબજેક્ટ પર જામ્યો છો? હવે બોર થઇએ છીએ. ઇટ્સ હેવી. ટોપિક ચેન્જ કરોને યાર. બહુ ત્રાસ ફેલાવ્યો તમે તો હવે આને ચૂંથીને!
ટોપિક? સબ્જેક્ટ? સાવ જ અચાનક તમને બિન્દાસ કોઇ પારકા દેશમાંથી આવીને કોઇ દયામાયા વિના બસ મનફાવે એમ મારવા જ લાગે અને મડદાનો ઢગલો કરી દે, માંડ માંડ એ કાબૂમાં આવે અને એક સિવાય કોઇ જીવતા ય ન પકડાય, અને રીતસર ભારતનું સૌથી મહાન શહેર ઉંઘતું જ ઝડપાય- ધાર્મિક ઝેરની બલિવેદી પર- કહેવાતા બદલાની આગમાં લેવાદેવા વિનાના કંઇક જવાન-બચ્ચાં પણ હોમાઇ જાય એ શું સબ્જેક્ટ છે? ટોપિક છે? એ ખૂન છે ખૂન, રગોમાંથી આંખોમાં ધસી આવતું, મગજમાં ફેલાતું લોહી! ડાર્ક રેડ બ્લડ.
લેકિન યે ઇન્ડિયા કી પબ્લિક હૈ ભીડૂ! એનો સિરિયસનેસથી દમ ઘુંટાય છે. એનાલિસીસ ભેજાદુખણ લાગે છે. રિયલ ઇસ્યૂઝથી મોં ફેરવીને હાથ આવ્યા તે કલાકારનું કચુંબર કરવામાં કે જૂનવાણી આદર્શ ચરિત્રોના એકના એક નારાઓ ગોખ્યા કરવામાં એને દેશભકિતનું ઓર્ગેઝમ આવી જાય છે. પશ્ચિમ સંસ્કૃતિનો વિરોધ એના રાષ્ટ્રવાદનો જી-સ્પોટ છે. એને બદલાવું નથી. સમજવું નથી. શીખવું નથી. જોઇએ છે બસ એન્ટરટેઇનમેન્ટ. બધા મશગુલ થઇ ગયા ક્રિકેટરોની સિકસરો અને કૂલા મટકાવતી ડાન્સરો જોવા! યુ નો, ટેરરિઝમ ઇઝ સો બોરિંગ થિંગ. હેડેક.
અને ‘સ્પિરિટ ઓફ મુંબઇ’ના રૃપાળા ઓઠાં આ ભાગેડુ ભૂખાળવી અને ભીરૃ પ્રજા સડસડાટ બધું ભૂલી ગઇ. નોર્મલ થઇ ગઇ. લાશોના ઢગલા પર ગુલ ખીલવીને થોડુંક મીણ પીગાળીને બેસી ગઇ. આવી ઘટનાના પ્રતિકારમાં કશું જ ન ઉકાળી શકનારી સરકારોને દિલ્હી-મુંબઇ રાજ કરવા પણ ફરીથી સોંપી દીધું!
શેઇમ શેઇમ. એ તંદ્રામાંથી ફરી રામગોપાલ વર્માએ કચકચાવીને પૂંઠે લાત ફટકારીને જગાડવાનો પ્રયાસ કર્યો છે. મઢેલા વોલપેપર્સ નીચે લોહી નીંગળતી દીવાલોની ગંધ સમયના પોપડાં ઉખાડીને બતાવવાની કોશિશ કરે છે.
ને લોકોને હજુ આ ફિલ્મમાં ય એન્ટરટેઇનમેન્ટ જોઇએ છે. ઝોલાઝભ્ભાધારીઓ જેવી ચશ્મેઢબ આલોચનાની ખુજલી ઉપડે છે. છી!
* * *
વર્માજીએ ફિલ્મમાં કેટલીક એવી સચ્ચાઇ બતાવી છે, જે ન્યુઝ ચેનલોએ છુપાવી છે. સમાચારોમાં આપણને સ્કોરની જેમ મૃત્યુઆંક જોવા મળે છે. એટલે ઘટના દોસ્તોને મેસેજીઝ કરી પોપકોર્ન લઇ બેસવા જેવી થ્રીલિંગ લાગે છે.
પણ એકચ્યુઅલી આતંકવાદીઓની બર્બરતાનું રિક્રિએશન નજરે નિહાળો, તો અહેસાસ થાય કે અચાનક જ નિર્દોષોને કેવી નિષ્ઠુરતાથી કસાઇની માફક કતલ કરવામાં આવ્યા હતાં. જસ્ટ ટુ રિમાન્ડ, કે આ બોમ્બ બ્લાસ્ટ નહોતો કે જેમાં ભોગ બનનાર માસૂમોની આંખોમાં શેતાન શિકારીએ તાકવાનું નથી હોતું! પાણી પીવડાવનાર મજૂર માણસને પણ હરામી- હેવાનીયતથી મારી નાખવાનું દ્રશ્ય કાલ્પનિક માનો, તો ય એ વિના કારણે વગર વાંકે નિર્દોષોને મારતી આતંકી માનસિકતાની ચૂડેલનો વાંસો જેવો છે, એવો મોં પર બતાવવાનું સિમ્બોલિક નિરૃપણ છે! અને આ કોઇ યુદ્ધ નહોતું, છતાં દુશ્મન આતંકીઓ હજારો વર્ષોથી ભારતમાં આક્રમણખોરો ખુલ્લું ખેતર સમજીને ચડી આવતા, એમ જ હથિયારધારી ત્રાસવાદીઓ વટથી મનફાવે ત્યાં તબાહી મચાવી ગયા!
વર્માએ ઘણાં વખતે આડેધડ ઘુમતા કેમેરાને કંટ્રોલ કરીને આ ટ્રોમેટિક ટ્રેજેડીને ઘાટી કરી છે. ફિલ્મોમાં બોલતી ખામોશીને સાંભળવાની આપણા પ્રેક્ષકોને ટેવ નથી. જેમ કે, તાજના શૂટઆઉટમાં ગોળીઓના સાઉન્ડની રમઝટ પછી વીટી સ્ટેશન શૂટઆઉટમાં એનો ઓવરડોઝ માથું ન પકવે, એટલે ધમાકાના અવાજોને બદલે સિર્ફ મ્યુઝિક રાખ્યું છે. (એવો જ પ્રયોગ ટાંચા સાધનો છતાં હિંમતથી મુકાબલો કરવાનો પ્રયાસ ફોર્સ કરે છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં શિવતાંડવ સ્ત્રોતની ઇફેકટથી કરવામાં આવ્યો છે!) કસાબ એના જેહાદી અફીણી ઘેનને પાગલ પ્રલાપ કરે છે (જે કંઇ ફિલ્મી નથી, ઓરિજીનલ એફઆઇઆર વાંચવાની તસદી લેજો કયારેક કસાબની કબૂલાતની! ત્યારે એ ‘ધેલહાધરી’ વાતો સાંભળી આવા ડોફા જુવાનિયાઓ એનાથી દોરવાઇને ઇસ્લામ ખતરે મેં હૈનું વેર વાળવા કેવા ઘાતકી બને છે, એનાથી જુગુપ્સાભર્યુ અચરજ અનુભવતા નાનાની આંખોના કલોઝઅપ લાજવાબ છે!
ઘણાં બૌદ્ધિક બુદ્ધુઓ સમજયા વિના આ ફિલ્મ સત્યઘટનાનું તાદ્રશ નિરૃપણ કરતી ફલાણી ઢીંકણી પરદેશી ફિલ્મ જેવી કેમ નથી એની સરખામણી કરે છે. જે ઘણાં અભણ ચક્કરબત્તી પ્રેક્ષકો માણસોને મરતા જોઇને કે લાઠી- પથ્થર લઇ ડઘાઇને મુકાબલો કરતા પોલિસોને જોઇને થિએટરમાં દુઃખી થવાને બદલે હસે છે, એના જેટલું જ હાસ્યાસ્પદ લાગે છે! કબૂલ કે, હજુ ટ્રાઇડેન્ટ, તાજની આગ અને એનએસજી ઓપરેશન તથા ખાસ તો નરીમાન હાઉસવાળી ઘટનાઓ બતાવી હોત, તો ફિલ્મ વધુ ધારદાર બની હોત. માણસોની માનવતા કે ઝિન્દાદિલીની અમુક સાચી બનેલી હૃદયસ્પર્શી હયુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ વાતમાં વણી લેવાઇ હોત.
પણ બોઘાઓ સમજતા નથી કે વર્માનો એ ઉદ્દેશ જ નથી. એમને હયુમન ઇન્ટરેસ્ટ નહિ, ઇવિલ ઇન્ટરેસ્ટ સ્ટોરી બતાવવી છે, જે આપણા સુપરસેક્યુલર સડિયલોને આંખ સામે હોવા છતાં નજરઅંદાજ કરવી છે. અમુક લલ્લુ વિવેચકોએ એવી કોમેન્ટસ કરી છે કે આમાં રાક્ષસી હાવભાવ ધરાવતા ટેરરિસ્ટો ફકત વનડાયમેન્શનલ કીલિંગ મશીન લાગે છે. એમની ડાર્કનેસ જ દેખાડાઇ છે. (‘બિચારો’ કસાબ તો ભાનભૂલેલો એક મામુલી પકોડા વેંચનારાનો છોકરો હતો, લ્યો!) અરે! હવે એ જેહાદી જડસુઓ છે જ વનડાયમેન્શનલ વિકૃત લોહી તરસ્યા પિશાચો, તો એવા જ બતાવે ને! દિશાહીન હો, એટલે શું પ્યાદાં બનીને ગમે તે માસૂમોને મારવાનું લાયસન્સ મળે છે? અને આટલા દારૃણ દહશત અને વહશતભર્યા અનુભવ પછી પણ ગળું ખોંખારીને કહેવું નથી કે આખી દુનિયાને પરેશાન કરતી આ સંકુચિત મુસ્લીમ ધાર્મિક કટ્ટરતા જ મૂળ જવાબદાર છે, અને એમાં અંદરથી સુધારો કે બહારથી કડક પગલાં નહિ લેવાય, ત્યાં સુધી ઇસ્લામ માટેની ગેરસમજ અને નફરત વધતી જ જવાની છે! પોતે કરેલા ત્રાસવાસી પાપોને ભૂલી જઇ, અમેરિકાથી ગુજરાત સુધી એના આવતા રિએકશનની જ હાયવોય કર્યા કરવાથી સંપૂર્ણ અને સાચું ચિત્ર મળવાનું નથી! અને આ પીડા નેકદિલ સમજદાર મુસ્લીમોને પણ થાય જ છે!
અને જયાં ખરેખર ફિલ્મનો ‘ડ્રામા’ રચાય છે, એ છેલ્લી ૨૦-૨૫ મિનિટના ‘થર્ડ એકટ’માં નાના પાટેકરના બેનમૂન (સરપ્રાઈઝિંગલી અન્ડરપ્લે સાથેના) વેન્સ્ડેના નસીરની યાદ અપાવતા અભિનય સાથેના કસાબ સાથેના કાલ્પનિક સીનમાં ઝળકે છે. અહીં આરજીવી ક્રિએટિવ ઈમેજીનેશનનો બખુબી ઉપયોગ કરે છે. અગાઉ જે કંઈ દેખાડાયું છે, એ તો અહીં સુધી પહોંચવાનો સેટઅપ છે! રામુને ડોકિયું કરવું છે ક્રિમિનલ ટેરરિસ્ટના દાનવી દિમાગમાં! અને એની સાથે કન્ફ્રન્ટેશન કરીને એમના કુકર્મોના મૂળિયા જેવી બુનિયાદી સોચ પર પ્રહાર કરવો છે. કુરાનના એમના સગવડિયા અને સિલેકટિવ અર્થઘટના સામે ઈન્સાનીયતનો અસલી ઈમાન જતાવવો છે.
એટલે જ ‘૨૬/૧૧’ ફિલ્મનો અંત એકશનપેકડ નથી, થોટમેકડ છે. કોઈ ઉગતા ઉછરતા જેહાદી તાબિલાનીને વિચારવા મજબૂર નહિ, તો ચૂપ કરી શકે એવો! એમાં ધાણીફૂટ બુલેટસ નથી, પણ મૂળ વિષધર વિચારધારા સામેના ડેરિંગ ડાયલોગ્સ છે. અને દેશ આખાને જે લાઈવ જોવાની તમન્ના હતી એ કસાબની ફાંસી સાથે શાંત થતા સમંદરમાં રેલાતા સંધ્યાના રંગો વચ્ચે વ્યથિત સર્જકનો આર્તનાદ, ક્રાય ફ્રોમ હાર્ટ… સબ કો સન્મતિ દે ભગવાન!
* * *
રામુજીને ફિલ્મ ‘સ્પિરિટ ઓફ મુંબઈ’ પર નહિ, ‘એટેક ઓન મુંબઈ’ પર બનાવવી છે. એટલે જ એક રાતના આંચકા પછીની સહ્ય, પ્રેડિકટેબલ થતી જતી ઘટનાઓને એમણે બહુ મહત્વ નથી આપ્યું. પણ પહેલી રાત્રે જે વ્યથા, લાચારી, હતાશા, પીડા, ક્રોધ, બેદરકારી, શીથિલતા, ઓથાર, ઝૂંઝલાહટનો સાગમટે અનુભવ થયો, એ ફીલિંગ અહીં સંગીતકાર કે ચિત્રકારની જેમ ફિલ્મકારને વ્યક્ત કરવી છે. એમાં એમના લાજવાબ ઓબ્ઝર્વેશન્સ એમણે ગૂંથીને સોશ્યલ સ્ટેટમેન્ટસ આપ્યા છે. ટેક્સી ડ્રાઈવરની આસ્થા કે ડોકટરની હકારાત્મકતા પણ ઝનૂની મોત સામે બૂઠ્ઠી નીવડે એ કડવા વાસ્તવનો સ્વીકાર છે. પોલિસને આપણે ત્યાં ગુનો થયા પછી જ કામગીરી કરવાની ટેવ છે. જુર્મ થતો હોય ત્યારે શું કરવું એના પહેલા જ અનુભવમાં થતા રઘવાટ અને મૂંઝવણને વર્માએ પારખીને આંગળી ચીંધી છે. નેતાઓ તો હાઈટેક સુરક્ષામાં સલામત રહે, પણ જનતાની સલામતી માટે આપણે ત્યાં પુરી ફોર્સ પણ નથી. જૂની રાઈફલો કે લાઠીઓથી મશીનગનનો મુકાબલો કેમ થાય? અને આપણા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટસ પણ મોટે ભાગે રેડીમેઈડ ઓપરેશન્સ કરતા હોય, જે વર્દીથી ડરે, ભાગે એની સામે કામ લેતા હોય, મોટે ભાગે પોલિસને જોઈને જ લોકો ડરીને કાબૂમાં આવે. પણ જેમને કાનૂન કે મૃત્યુનો જ ભય નથી, એવા સશસ્ત્ર દરિન્દાઓ સામે પડે તો દસ જણ પણ આખું શહેર મુઠ્ઠીમાં મસળી શકે, એનો આ સ્વીકારવું ન ગમે એવું પણ સાચું સત્ય છે. ઓવરકોન્ફિડન્સ અને આ પ્રકારની ગનફાઈટની ટ્રેનિંગના અભાવે મુંબઈ પોલીસના સરટોચના અફસરો ગાજરમૂળા જેટલી આસાનીથી વધેરાઈ જાય! એમણે લડવાનો બહાદૂર પ્રયત્ન કર્યો એ માટે સો સો સલામ. પણ વર્ષોથી ભારત વ્યૂહાત્મક હોશને બદલે જોશના ઉભરાથી જ લડતી અંધાધૂંધ ભીડનો દેશ રહ્યો છે!
૨૬/૧૧ની ફિલ્મ થકી કમ સે કમ આપણે શું વેઠયું અને શા માટે ભોગવ્યું, એની જાગૃતિ દુનિયામાં આવશે. પબ્લિકને પડદા પર ચાલતા ગોળીબારથી માથું દુખતું હોય તો યાદ રાખવું જોઈએ કે પડદા પર જુઓ છો એથી વધુ ગોળીઓ હકીકતમાં ચાલી છે. દેશની છાતી પર!
અને છતાં ય આ ફિલ્મથી મહેસૂસ થાય કે આપણે કેટલી ભૂલકણી પ્રજા છીએ! ક્ષણિક આવેશમાં નિર્દોષોને મારતા ત્રાસવાદના નામે વળતા જવાબમાં સોફટ ટાર્ગેટ જેવા બીજા નિર્દોષોને મારતા રમખાણો કરીએ છીએ, પણ અસલી શેતાનોને કોઈ સબક શીખવાડી શક્યા નથી! નાગરિકો-સુરક્ષા કર્મીઓના મરણ પછીનું કોઈ તર્પણ કહ્યું નથી!
(તસવીર કોલાજઃ લાલજી વાધ, વી એન્ડ ડબલ્યુ)
ઝિંગ થિંગ
રાકેશ મારિયા. અત્યારે મહારાષ્ટ્ર એટીએસના વડા આ એવા અધિકારી છે, જેમણે બે હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી હોય, અને બે વખત એમનું કિરદાર ફિલ્મોમાં આવ્યું હોય! મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પરની ‘બ્લેક ફ્રાઈડે’માં કે.કે. મેનને એમનો રોલ ભજવ્યો, અને હવે ‘એટેક ઓફ ૨૬/૧૧’માં નાના પાટેકરે! ધ રિયલ હીરો ઓફ ઈન્ડિયા!

 

From → Movie

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: