Skip to content

દેશી ‘ડ્રાઈવિંગ ફોર ડાઈંગ’ના ડર્ટી ડઝન ડેવિલ રૃલ્સ!@સ્પેકટ્રોમીટર – જય વસાવડા, Ravipurti, Gujarat Samachar, Dated: 17/03/2013

17/03/2013

થોડું  સૂઝેલું, થોડું વાંચેલુ, થોડું સાંભળેલુ અને ઘણું જોયેલું ભેળસેળ કરો, તો એક શુદ્ધ સ્વદેશી, ખાલિસ હિન્દુસ્તાની, ભવ્ય ભારતીયતાનો ભાતીગળ વારસો ઉજાળતા ડ્રાઈવર ડમ્બોજીની ડાયરી કંઈક આવા રૃલ્સથી ભરેલી હોયઃ
(૧) એકોઙ્મહમ્ દ્વિતીયો નાસ્તિ તો ભારતીય તત્વદર્શનનો અર્ક છે. માટે વાહન પર આરૃઢ થયા બાદ આ ‘અહમ બ્રહ્માસ્મિ’નું પ્રાણાન્તે પણ પાલન કરવું. રોડ ઉપર આપણે હોઈએ ત્યારે આપણું થીમ સોંગ ‘મૈં હી મૈં હૂં, દૂસરા કોઈ નહિ’ જાણવું. અને જે આપણા આ બ્રહ્મતત્વને સ્વીકારે નહિ, એ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય એ માટે યથાશક્તિ યોગદાન આપવું. ટૂંકમાં રોડ ફક્ત મારા માટે જ બન્યા છે, વાહન માત્ર મારું જ ચાલી શકે, વળવા કે અટકવાનો અધિકાર કેવળ મને જ છે- એ ખુદબુલંદી ઈન્ડિયન ડ્રાઈવિંગનો ક્લાસિકલ કમાન્ડમેન્ટ છે!
(૨) યાદ રાખો, પુણ્યભૂમિ સંસ્કારધામ ભારતવર્ષમાં ડ્રાઈવિંગને લગતા કોઈ નિયમો નથી. એક જ સોનેરી નિયમ છેઃ ગાયનો જ રસ્તા પર વિશેષાધિકાર છે, વાહનો કે ચાલકો તો પશુતુલ્ય છે.
(૩) રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવું. નહિ નહિ, એ તો ડોબાઓ માટે, રસ્તાની જમણી બાજુએ વાહન ચલાવવું. ના ના, એ તો જડસુઓ માટે. રસ્તાની વચ્ચોવચ્ચ વાહન ચલાવવું, ઉહૂં, એ તો વાયડાઓ માટે. રસ્તા પર ગમે ત્યાં, ગમે તેમ વાહન ચલાવવું એટલે ચલાવવું. શંકરાચાર્ય કહી ગયા છે, ચરૈવેતિ ચરૈવેતિ. મરીઝસાહેબ લખી ગયા છે, ગતિમાન રહેવું. રસ્તો કન્ફ્યુઝડ થઈ જવો જોઈએ કે આ વાહન કઈ બાજુએ ચાલશે!
(૪) રશિયન રૃલેટની ગેઈમ (કિતને આદમી થે વાળી રિવોલ્વરમાં એક ગોળી નાખીને ડેથ લોટરી કાઢવાની થ્રિલ!) પર ફક્ત ગબ્બરસિંઘનો જ ઈજારો નથી. ડ્રાઈવર ડિંગનો પણ એ જન્મસિદ્ધ હક્ક છે. ક્યારે કઈ દિશામાંથી ગોળીની જેમ વાહન છૂટીને તમને દેહના બંધનોમાંથી મુક્ત કરી, આઝાદ આત્મા બનાવી દેશે એનો કોઈ ભરોસો નહિ, સંસાર ક્ષણભંગૂર છે, એનો પળેપળ અહેસાસ ભાડાના મકાનના ભજનો સાંભળ્યા વિના રોડ પર કરાવતા રહેવો એ તો આધ્યાત્મિક અનુભૂતિ છે. કુરૃક્ષેત્ર અહીં પ્રતિપળ રોડ પર રચાતું જ રહે છે. અને વાહનો અહીં મહાભારત કાળના મહારથી રથો  મુજબ જ ચાલે છે.

(૫) ભારતીય સંસ્કૃતિ ભારપૂર્વક કહે છેઃ મન કી આંખે ખોલ. આ સાઈડ આપવા માટેના વાહનોના ઈન્ડિકેટર્સ તો આ બહુમૂલ્ય જ્ઞાાનને ભૂલાવી દેવાના પાપી પશ્ચિમના ષડયંત્રો છે. ઈન્ડિકેટરની સાઈન જોઈને જજમેન્ટ તો રોબો લે, લખચોરાશીના ફેરા પછી મનખાદેહ ધારણ કરનારા માનવીઓ નહિ! માટે, કોઈ સાધના શિબિરમાં ગયા વિના રોડ પર જ ‘માઈન્ડ રીડર’ બનવાનું! આગલું પાછલું કે બાજુનું વાહન અચાનક ક્યારે કેવી પલટી મારી કઈ દિશામાં જશે, એ ભાવિના ભેદ આપતા સંકેતો આત્મસાત કરવા ત્રિકાળદ્રષ્ટા બની આગોતરી ઘટનાનું પૂર્વાનુમાન કરવું!
(૬) સરપ્રાઈઝીઝ આર ફન! ડોન્ટ યુ નો? આશ્ચર્યના આંચકા તો રોમાંચક રોમેન્ટિક અનુભવ છે! ટેસ્ટ ધ થન્ડર! એના માટે શું વળી રોલરકોસ્ટર ને એમ્યુઝમેન્ટ પાર્કને એવા બધા ખર્ચા કરવા? ઈન્ડિયન રોડસ હૈ ના! એક તો નવાનકોર રોડ પણ ડામરની પરતથી અનઈવન હોય, સ્પીડબ્રેકરને બદલે રોડનું જ જાડું લેયર અચાનક સાંધો માર્યો હોય તેમ એક્સપ્રેસ હાઈવે પર એનું કામ નિભાવતું હોય, મનફાવે તેવી ઉંચાઈના મિનિ ગિરનાર, શેત્રુંજય ચડવાનું માહાત્મ્ય  મળે એવા સ્પીડબ્રેકર્સ મનફાવે ત્યાં ઉપર સફેદ પટ્ટા વિના ખડકી દેવાયા હોય! ગામની વચ્ચેથી પસાર થતો રોડ માર્ગ મટીને બાગ બની ગયો હોય એમ એનાં ગમે ત્યારે ગામવાસીઓ ટહેલવા નીકળે! કોઈપણ ક્ષણે હવામાંથી પેદા થયો હોય એમ કોઈ વાહનચાલક જમણીને બદલે ડાબી બાજુથી ઓવરટેઈક કરે, સીધા રસ્તા પર આડું વાહન અણધાર્યું નાખીને વિઘ્નહર્તા કરતા વિઘ્નકર્તા વધુ મહાન હોવાની પ્રતીતિ કરાવે! સાઈડ આપ્યા વિના જ ટર્ન લેવાનું બેનમૂન સાહસ અને આગળપાછળ જોયા વિના જ રસ્તો ક્રોસ કરવાનો ભગવાન પરનો અખૂટ વિશ્વાસ! આ બધું કેમ? સરપ્રાઈઝીઝ આર ફન! ભૂલી ગયા?
(૭) બ્રિટન પાસે એક જેમ્સ બોન્ડ છે. અને એ ય કાલ્પનિક. ભારત પાસે લાખ્ખો-કરોડો જેમ્સ બોન્ડ છે, એ ય વાસ્તવિક! બોલો, ભારતમાતા કી જય! ટ્રકથી ટ્રેકટર સુધીના કેટલાય ડ્રાઈવર્સ અહીં લાયસન્સ ટુ કિલ લઈને જ ફરે છે. વસતિવૃદ્ધિ અંગે સરકાર પગલા ન ભરે, પણ એ ઘટાડવાની સામાજીક ફરજ કોઈકે તો નિભાવવી પડશે ને?
(૮) મધરાતના અચાનક રોડ પર જમીનથી ૬ ફીટ અધ્ધર એક તેજસ્વી લાઈટના ઝગમગતા પ્રકાશનો શેરડો પડે તો એ ઉંચી સુપરબાઈક પર ઘોસ્ટરાઈડર ફરવા નીકળ્યા છે, એવું ના માનવું. એ કોઈ રાક્ષસી ટ્રકની એક બંધ પડી જતા એક જ ચાલુ રહી હોય એવી લાઈટ હોય! તમસો મા જ્યોતિર્ગમય કહેવાયું એટલે બધા જ વાહનો રાતના ફુલ હેડલાઈટથી અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવા રેસ લગાવતા હોય છે! હરખ હવે તું હિન્દુસમતાન! કોઈને ન કરવી હોય તો ય ફૂલ લાઈટ કરવી પડે, એવો આપણો અજવાળાપ્રેમ! અને ઉછીના તેજથી તે કેટલું ટકાય- એ મૂલ્યશિક્ષણ બરાબર પચેલું હોઈને પાછળ રેડિયમ રિફલેકટર્સ લગાડવાની વ્યર્થ તસદી લેવી જ નહિ ને! રાખવો તો ફૂલ હેડલાઈટનો સૂરજ રાખી સ્વયંપ્રકાશિત થવું, પણ ચાંદાની માફક રિફલેકટર્સ પર પારકો ઉજાસ પડે અને ચમકે એવો કોઈકના તેજનો સહારો લઈએ તો માનું ધાવણ લાજે!
(૯) આપણી તો ભાઈ પ્યારા પરિવારને સગપણના ગળપણની સંસ્કૃતિ. સંપત્તિને નહિ, સંબંધને મહત્વ આપવાનું ગળથૂથીમાં શીખવાડવામાં આવે છે. મિત્રતા સામે મોતની શું વિસાત છે? માટે બાઈકમાં હો કે બસમાં જો બાજુનું વાહન ચલાવતો કે ચલાવતી દોસ્ત દેખાય, એટલે દુન્યવી પરંપરા તોડીને પણ એની સાથે બે ઘડી વાત કરવા રોડ વચ્ચે ગમે ત્યાં બ્રેક મારી ઉભા જ રહેવું. ધરતીઆંગણ માનવીના આ મનપાંચમના મેળા છે, વાલીડાવ! પાછળવાળા ભલે ભટકાય, આપણે ભાવે કરીને ભેટવું! ઉમળકો આવે તો સાઈડમાં જવાની પણ રાહ ન જોવી. મેનર્સ તો બેનર્સમાં શોભે. આવો જ પવિત્ર સંબંધ વેપારી-ગ્રાહકનો છે. ગ્રાહકદેવતા યાને મુસાફરના દર્શન ગમે ત્યાં, ગમે તે પળે થાય, પ્રવાસી વાહનરૃપી ભક્તોએ તત્કાળ સમયનું ચક્ર બ્રેક મારીને થંભાવી એને ઉપર ચડાવી જ લેવાના! રખડુ રીક્ષા હોય કે વંટોળિયા વોલ્વો!
(૧૦) ઈન્ક્રેડિબલ ઈન્ડિયામાં, ખૂશ્બોદાર ગુજરાતમાં એક આખો વર્ગ છે, રીક્ષાવાળાઓનો, છકડાવાળાઓનો, મધરાતના નિશાચર બાઈકર્સનો, પપ્પાના પૈસે મોંઘીદાટ કાર ફેરવતા અમીરજાદા નબીરાઓનો… જે ‘ફ્રીડમ ઓફ સ્પીચ’માં નથી માનતા. સતત ગુલાબની માફક રોફ છાંટતા ફરે છે. પણ ‘ફ્રીડમ ઓફ સ્પીડ’માં માને છે. આ લોહીતરસ્યા ડ્રેક્યુલા-   ડ્રાઈવર્સ માટે રોડ એ પપ્પાની પ્રોપર્ટી છે. હા, જયાં લગી જરૃર ન હોય ત્યાં સુધી એ લોકો ફૂટપાથ પર ચડી નથી જતા, પણ જરૃર પડે તુચ્છ કીડી મકોડા જેવા રાહદારીઓ, પગે ચાલનારા પેડેસ્ટ્રીયન પર ચંગીઝ ખાન જેવા મંગોલી સરદારની અદામાં આક્રમણ કરે છે. વાહન મોટું, એમ વટ મોટો! કયારેક તો એકથી બીજી બાજુ રસ્તો પાર કરવો એ રાહદારીઓ માટે ચાલુ યુધ્ધે વોર બોર્ડર ક્રોસ કરવા જેવું પરાક્રમ થઈ જાય છે! હોર્ન કંઈ વ્હીકલમાં અનિવાર્ય હોય ત્યારે જ વગાડવા આપ્યા નથી. એ તો કોઈને બોલાવવા, કોઈની મેથી મારવા, આનંદ વ્યકત કરવા, ગુસ્સો વ્યકત કરવા, રોમાન્સ કરવા, ફ્રસ્ટ્રેશન એકસપ્રેસ કરવા પણ વગાડાય છે! ઢોંઢોંઢોંઢોં ઓઓઓ! ટીંઉઉઉ યું ઉઉઉ! પૂમ પૂમ પોમ પોમ!
(૧૧) ભારતમાં વાહન ડ્રાઈવ કરવા જેવું      થોડા પ્રમાણમાં શિસ્તબધ્ધ શહેરો સિવાય હોતું નથી. વાહન બસ જીવનની જેમ અનાયાસ હંકારવાનું હોય છે. ફળ આપનાર ઉપરવાળો! નીચેવાળાએ તો કર્મ પણ ભાગ્યને આધીન જ છોડી દેવાનું! અહીં બહારનું જોઈને જ કશું ચલાવી શકાય એમ નથી હોતું. સસ્પેન્સ થ્રીલરની જેમ અચાનક જ કોઈ ઢોર, રાહદારી કે અન્ય વ્હીમઝિકલ વ્હીકલ ડ્રાઈવર પ્રગટ થઈ શકે છે. માટે આંતરિક ચેતના અને શક્તિઓને સિધ્ધિ કર્યા વિના ઝડપથી વાહન ચલાવવું દુષ્કર છે. પુર્નજન્મનો સિધ્ધાંત આ ભૂમિ પર એટલે જ વ્યાપક છે કે આ જન્મે ગમે ત્યારે રોડ પર ‘ચિઠ્ઠી ફાટી જાય’ તો અફસોસ ઓછો થાય! ડ્રાઈવિંગ અહીં વાંચન કે સંગીત માટેની રૃચિ વધારીને સમાજને કળારસિક બનાવવા માટે પ્રયત્નશીલ પ્રવૃત્તિ છે. રાજકારણીઓના કાફલાથી લઈને એબ્સર્ડ શિલ્પની જેમ ફૂટી નીકળેલા ડાઈવર્ઝન સુધી કારણો કે એકબીજાથી ઝટ આગળ નીકળી જવાની સ્પર્ધાત્મક સફળતાના લેકચરોથી મોટિવેટેડ ઉતાવળ કે રોડની ફેન્સિંગ કે રોદા – ખાડાના સમારકામ વિના જ ટાલ પડી જાય એટલો ટોલ ઉઘરાવતા નાકાઓને લીધે ગમે ત્યારે અનંત પ્રતીક્ષા કરાવતો ટ્રાફિક જામ સર્જાય છે. એમાં એકાદી અશ્વની ભટ્ટસાઈઝ નવલકથા આખી પૂરી થઈ જાય, કે કલેકટેડ વર્કસ ઓફ કલ્યાણજી – આણંદજી જેવી સીડી પૂરી સાંભળી શકાય તેટલી ફુરસદ બચે છે!
(૧૨) આપણે તો બસંતી ચોલા પહેરેલા ક્રાંતિના ભેખધારી દેશવાસી. માટે નિયમને જોઈને આપણને સાક્ષાત યમરાજને જોવા જેટલો પરસેવો છૂટે! ગાંધીજીના અંતેવાસી તરીકે એમનો ચહેરો છાપેલી નોટનો વપરાશ કરતા એમની કાનૂનભંગની ચળવળ આપણે પડતી કેમ મૂકી શકીએ? વી.આર. ગ્લોબલ સિટિઝન, આપણે તો ટેલિપથીથી દુનિયાના ખૂણે-ખાંચરે જઈ શકતા યોગીઓનો દેશ! આપણા કાન બે જ હેતુ માટે બનાવાયા છે, ગોગલ્સ/ ચશ્માની દાંડી ટેકવવા અને મોબાઈલ કે એના ઈયરપ્લગ્સ ચોંટાડી રાખવા! માટે રોડ પર નહિ જોવાનું આગળ પાછળના હોર્ન કે બ્લિન્ક  થતી લાઈટ્સ પર ધ્યાન નહિ આપવાનું સાઈડ કે લેનની ફિકર નહિ કરવાની. આ બધી દુન્યવી જંજાળ છે, એ માયાથી મુક્ત થઈ મોબાઈલ પર વાતો કરવામાં તલ્લીન થવાનું. એક સાથે બે કામ કરી શકવાની ધ્યાનસિધ્ધિના પ્રયોગો કરવાના ભલે સેલફોન પરની વાત જેલના સેલની હવા ખવડાવે તેવા અકસ્માતો કરાવડાવે! ગાડીમાં પેટ્રોલને બદલે આલ્કોહોલ ભર્યુ હોય એમ ડામાડોળ થાય ત્યારે સમજવું કે કાં મોબાઇલ પર વાત ચાલુ છે, કાં છોકરી કાર ચલાવે છે!
*  * *
રોજેરોજ ભારતમાં દર ત્રણ મિનિટે એક નાગરિક રોડ એક્સિડન્ટમાં મરે છે! મૈં નહિ કહેતા, સરકારને કહા હૈ! આ આંકડો દુનિયાભરમાં સરટોચની હરોળમાં આવે તેવો તો છે જ. પણ એ ય દોઢ વર્ષ જૂનો છે. નવો તો આથી યે ભયાનક હોઈ શકે છે! જસ્ટ થિંક, ૩ મિનિટે એક  માણસ અકાળ મૃત્યુને ભેટે એટલે? આ ભારતની રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો સત્તાવાર રિપોર્ટ છે! એ મુજબ કુલ ૪.૯૭ લાખ રોડ અકસ્માતો ભારતમાં ૨૦૧૧ના વર્ષમાં થયા હતા. આ આંકડો વળી ૨૦૧૦ કરતા નજીવા પ્રમાણમાં (૧,૯૪૫) ઓછો હતો, પણ એને લીધે મૃત્યુઆંકમાં પાછલા વર્ષમાં ય ૭,૦૦૦નો ઉછાળો આવતા ૧,૪૩,૪૯૫ મત્યુ નોંધાયા હતા!
આ વાત નોંધાયેલા અકસ્માતોની છે. બીજા તો જુદા! અને જે નોંધાયેલા છે, એમાંથી પણ ૭૭.૫% ડ્રાઈવિંગના ફોલ્ટને લીધે થયા છે! સરકારને ય આવો રિપોર્ટ પ્રગટ કરતી વખતે શરમ અને અક્કલ બંને જેવું હોય તો પહેલા ડ્રાઈવિંગ લાયસન્સ આપતા આરટીઓ તળિયાઝાટક જવાબતલબ કરવા જોઈએ! જેમને વાહન ચલાવતા નથી આવડતું, નિયમો કે શિસ્તની ભાન નથી એમને લાયસન્સ જ કેવી રીતે મળ્યું? મુંબઈ, દિલ્હી, બેંગાલુરૃ, ઈન્દોર, ભોપાલ જેવા દેશનાં ચોમેરના શહેરો આ અકસ્માતોમાં અવ્વલ છે! અને આ અકસ્માતોના અડધાથી વધુ યાને ૫૩.૫% ગ્રામીણ વિસ્તારોમાં છે! આપણા ગોકુળિયા કહેવાતા ગામડાઓમાં હજુ શિક્ષણ, અનુશાસનથી ગમારગીરી સુધારણાની કેટલી જરૃર છે, એનો વધુ એક પુરાવો! ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોથી મૃત્યુઆંક પણ ૬૩.૫% છે!
વેલ, રેશ ડ્રાઈવિંગ આજકાલ રેગ્યુલર ન્યુઝપીસ બને છે, ત્યારે કહેવા જેવું તો બધું હળવા હૈયે આગળના ડર્ટી ડઝન દેશી ડ્રાઈવિંગ રૃલ્સમાં કહી દીધું છે. પણ આ ટ્રાફિક ટેરર અંગે પ્રજા કે સરકાર કોઈને કશી પડી હોય એવું છેલ્લા ૫ વર્ષમાં એકલા ગુજરાતમાં જ ત્રણ લાખ કિમીની મુસાફરી વ્યાખ્યાનો માટે કર્યાના જાતઅનુભવ પછી લાગતું નથી! કોઈ પણ પરદેશીને પગ મૂકતાવેંત નજરે ચડીને આપણી આબરૃની હલકી હરાજી કરે એવી બે બાબતો ગંદકી અને ટ્રાફિક સેન્સ અંગે આપણા પેટનું પાણી બરફ બની થીજી ગયું છે! એવું નથી કે દરેક વખતે દરેક અકસ્માત મોટી કે મોંઘી ગાડીવાળાનો જ બધો વાંક હોય. જો એનો ફોલ્ટ સ્પીડ હોય તો મનફાવે તેમ ટર્ન મારી, અચાનક અકસ્માતી આંચકો આપનારા રેઢિયાળ વાહનચાલકો પણ વધી પડયા છે. રસ્તા પર મનફાવે તેમ ચાલતા રાહદારીઓ અને સૌથી વધુ અકસ્માતો કરાવતા ગાય – કૂતરા અને એમના પ્રેમીઓ જાહેર ઢોરવાડો મૂકીને નિર્દોષોનો જીવ લઈ લે છે! ટ્રિપલ સવારીનો કે ખીચોખીચ રીક્ષાનો નજારો કોમન છે. વાહન અને ટ્રાફિક વધ્યા છે, એની સેન્સ નહિ! જાહેર ધર્મસ્થાનકો રોડ પર ટ્રાફિક કરે ત્યાં તંત્ર મૌન રહે છે. સ્ટંટમેનની અદાથી (જેમાંના અમુક તો લાઈનબોય હોય છે!) દાધારંગા જુવાનિયા બેફામ વાહનો ચલાવે ત્યારે પોલિસ તમાશો જોયા કરે છે! સ્કૂલ-કોલેજો છૂટે ત્યારે સૂર્યમાળાનું જ્ઞાાન ભણેલા સ્ટુડન્ટસને પેપરમાં પૂછાતું ન હોઇને ટ્રાફિક સેન્સ ઝીરો થઇ જાય છે. સીટબેલ્ટ બરાબર, પણ આ વિષુવવૃત્તીય દેશમાં ૪૮ ડિગ્રી ગરમી છતાં ફિલ્ટર ફિલ્મ જોવા ઉભી રહેતી કે નંબર પ્લેટના સ્ટીકરનો ફોલ્ટ કાઢતા ટ્રાફિક પુલિસ નજર સામે કોઇ રેશ ડ્રાઇવિંગ કરે કે અંદરોઅંદર રેસ લગાવે, કોઇ પાણા જેવો માણસ ગાયો- ભેંસો- ઘેટાં- બકરાના ટોળા લઇને નફકરી અદામાં ચાલ્યો જાય કે કોઇ મોબાઇલ પર વાત કરતાં કરતાં અવળો ઓવરટેઇક કરે એના પર ધાક બેસાડવામાં સાક્ષીભાવે સ્થિતપ્રજ્ઞા બની જાય છે! દંડનો કોઇ ડર નથી રહેતો, લાયસન્સની વેલ્યૂ પછી ટિસ્યુ પેપર જેટલી છે, કારણ કે અમુક વર્ગ એના વિના ય એનો પ્રદૂષણ ઓકતો કકળાટિયો છકડો કોઇને સાઇડ આપ્યા વિના ચલાવવાનો જ છે. શોર્ટ કટ શોધવા આપણી રાષ્ટ્રીય આદત છે!
ઇગો. આપણામાં પશ્ચિમ જેવી રાતના એકાંતની ટ્રાફિક સેન્સ ધોળે દહાડે પણ દાયકાઓથી આવતી નથી, કારણ કે અભિમાનને લીધે બીજાને માન દેવામાં આપણને મરચાં લાગે છે. સવાલ સ્પીડ નથી, મુદ્દો છે તમે જે ઝડપે જાવ એના પર કન્ટ્રોલ કરવાની ત્રેવડનો!
વેલ, ભગવાન છે એનો શ્રધ્ધાથી યે મોટો પુરાવો, આપણે ત્યાં રોજ રોડ પરથી હેમખેમ પાછા ફરીએ ત્યારે જ આપોઆપ મળી જાય છે!
ફાસ્ટ ફોરવર્ડ
”અમુક અડબંગ કે અવળચંડા જાય છે ગાડીમાં (ડ્રાઈવિંગ કરીને), પણ આવે છે છાપામાં (અકસ્માત મૃત્યુની તસવીર બનીને!)”
(મિત્રસારથી ગોપાલ ખેતિયા)

Courtesy: Jay Vasavada

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: