Skip to content

રખડતી ગાયોનો ઉકેલ: ગુજરાત ગૌપ્રતિપાલક યોજના

31/08/2013

I also find many problems related to cows roaming around in almost all the cities. I found this article as a very good humor with some real thinking for us. Kind of a wake up call as we are considering cow as our mother and put it on the roads to roam and harass people!!!!

Please wake up guys!!!!

ક્યારેક ફક્ત ભાવનગર ‘ગાય,ગાંડા અને ગાંઠિયા’ના શહેર તરીકે પ્રખ્યાત હતું. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં, ખાસ કરીને ચોમાસામાં, મહાનગર અમદાવાદ સહિત ઘણાં શહેર-નગરના જાહેર રસ્તા ગાયોથી છલકાઇ ઉઠે છે. કોઇ પરદેશી આ દૃશ્ય જુએ તો એને એવું લાગે કે આટલી ગાયો આવી ક્યાંથી? ઇન્ડિયામાં ગાયોનો વરસાદ પડે છે કે શું? ભાષાશાસ્ત્રીઓ ‘રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ’ની જેમ ‘રેઇનિંગ કાઉઝ’ જેવો પ્રયોગ પણ નીપજાવી શકે.
ભારતમાં દરેક ‘પવિત્ર ગાય’ની હોય એવી જ દશા અસલી ગાયોની છે. તેમના વિશે સૌ કોઇ આદર વ્યક્ત કરે છે, પણ તેમની પરવા કોઇ કરતું નથી. સામા પક્ષે ગાયો પણ ગાય જેવી વર્તણૂંક કરવાને બદલે નેતાની લાલ બત્તીવાળી ગાડીની જેમ ભૂરાંટી હોય છે. એ જ્યાં ઊભી હોય ત્યાંથી તેને કોઇ હટાવી શકે નહીં અને રસ્તા પર ચાલે ત્યારે એને માટે સૌ કોઇએ જગ્યા કરી આપવી પડે. ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ ફિલ્મમાં દરિયામાંથી રસ્તો કાઢતા મોઝેસ જેવી દિવ્ય શક્તિ ગુજરાતી-ભારતીય ગાયો માટે સહજ છે. એ જ્યાંથી નીકળે ત્યાંથી મેદની બે ભાગમાં વહેંચાઇ જાય છે અને ગાય માટે રસ્તો થઇ જાય છે.
ભાજપમાં નરેન્દ્ર મોદી સિવાયના પણ નેતાઓ હતા એ જમાનામાં- એટલે કે વર્ષો પહેલાં, ગુજરાતમાં કેશુભાઇ પટેલની ભાજપી સરકાર હતી. એ વખતે ગાંધીનગરમાં રહેતા મંત્રીઓએ બંગલામાં ગાય રાખવી એ મતલબની હિલચાલ થઇ હતી. ઘણીખરી સરકારી યોજનાઓની જેમ ગાય પાળવાનો મામલો પણ નક્કર અમલ વિના અકાળે આથમી ગયો. બાકી, ગુજરાતના જાહેર જીવનમાં ક્રાંતિ સર્જાઇ હોત. મોદીયુગ પહેલાંના ગુજરાતમાં મંત્રીઓનું કંઇક મહત્ત્વ હતું. લોકો તેમને ઉદ્ઘાટન કે ભાષણ માટે બોલાવતા હતા. અત્યારની માફક તેમનું ‘સીબીઆઇ-કરણ’ (‘પોપટીકરણ’) થયું ન હતું.
ગુજરાતના મંત્રીઓએ એક-એક ગાય પાળી હોત તો ઘણા સમારંભોમાં તે પોતાની જગ્યાએ, પીઠે લાલ બત્તી લગાડેલી પોતાની ગાયને મોકલી શક્યા હોત. મોટા ભાગના યજમાનોને આમ પણ લાલ બત્તીવાળી ગાડીમાં બેઠેલા જણ કરતાં લાલ બત્તીવાળી ગાડીનો જ વધારે મોહ હોય છે. ગાયોના સશક્તિકરણ બદલ ગુજરાતનો ચોમેર જયજયકાર થયો હોત અને ‘ગુજરાત મોડેલ’ની દેશભરમાં ચર્ચા થતી હોત. પરંતુ કેશુભાઇ એ તક ચૂકી ગયા અને વર્તમાન મુખ્ય મંત્રી આ રાષ્ટ્રમાં પોતાના સિવાય કોઇ ‘પવિત્ર ગાય’ હોય એવું સ્વીકારતા નથી. એટલે યોગ્ય તકોના અભાવે ગુજરાતી ગાયો રસ્તા પર આવી ગઇ છે.
માણસોની જેમ ગાયોનાં અખબાર ચાલતાં હોત તો તેમાં ‘સરકારી ઉપેક્ષાના વિરોધમાં સેંકડો ગાયો રસ્તા પર ઉતરી આવી’ એવાં મથાળાં છપાતાં હોત. કેટલાક સમાજશાસ્ત્રીઓનો મત છે કે ગાયો છાપાંનાં કાગળિયાં ખાઇને એવી ખાઇબદેલી થઇ ગઇ છે કે ટ્રાફિક પોલીસ સહિત કોઇને ગાંઠતી નથી.(‘ટ્રાફિક પોલીસને ન ગાંઠવામાં ગાયને પશુ તરીકે માફી મળી શકે છે, પણ અમદાવાદના વાહનચાલકોનું શું?’ એવો સવાલ અહીં અપ્રસ્તુત છે.)
રસ્તા પર આવેલી ગાયોથી ત્રસ્ત મનુષ્યોના સંમેલનમાં થયેલી કાલ્પનિક ચર્ચાનો વાસ્તવિક અહેવાલ
***
સંચાલક ઃ આપણે શહેરમાં ફરતી ગાયોની સમસ્યા વિશે…
ગોપાલક ઃ એક મિનિટ. ચર્ચાની શરૃઆત કરતાં પહેલાં જ તમે કેવી રીતે ધારી લીધું કે ફરતી ગાયો એ સમસ્યા છે? આ તો અન્યાય છે. અહીં વાત કરવાનો કોઇ અર્થ નથી. (ઉભા થઇ જાય છે.)
મોટરચાલક ઃ એ ભાઇ, પહેલાં સાંસદ હતા કે શું? આમ ઘડીકમાં શું ઊભા થઇ જાવ છો? હજી વાત તો શરૃ થવા દો.
ટ્રાફિક પોલીસ ઃ આપણી વાતનો મુદ્દો છે રસ્તા પર હરતીફરતી, ચરતી, ક્યારેક ડરતી અને મોટે ભાગે ડરાવતી ગાયો.
સ્કુટરચાલક ઃ ગાયોએ તો રસ્તા પરનું ડ્રાઇવિંગ દુષ્કર કરી નાખ્યું છે.
રિક્ષાચાલક ઃ એ ભાઇ, આટલી મહેનત પછી પેદા કરેલી અમારી ક્રેડિટ શું કામ છીનવી લો છો?
મોટરચાલક ઃ ખરું કહું? રસ્તા પરની ગાયો તો ખરેખર ન્યુસન્સ છે.
ગોપાલક ઃ તમે તમારી માને ન્યુસન્સ કહો છો?
મોટરચાલક ઃ ના અને મારી માને હું રખડતી પણ નથી મૂકતો.
રાહદારી ઃ અમારામાંથી ઘણાને ગાય જોઇને માતાનું સ્મરણ થઇ આવે છે. એ લોકો પોકારી ઉઠે છે,’ઓ મા! ગાય (આવી).’
બિઝનેસમેન ઃ રસ્તા પરની ગાયોનું પ્રાઇવેટાઇઝેશન થઇ શકે છે. તમે કહેતા હો તો હું અમારા બૉસને વાત કરું. ભારતભરમાં કોઇ પણ પક્ષનાં રખડતાં ગાય-બળદને અંકુશમાં રાખવાની તેમને સરસ ફાવટ છે.
રાહદારી ઃ પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ? એટલે ખાનગીમાં જે સોદાબાજી થાય છે તે?
બિઝનેસમેન ઃ ના ભાઇ ના. એવું નહીં. ખાનગીકરણ એટલે એ ગાયો કંપનીની માલિકીની થઇ જાય.
રાહદારી ઃ પણ એથી અમને શું ફાયદો થશે? તેનાથી રસ્તા પરની ગાયો હટી જશે? ચાલવાની જગ્યા થશે? રસ્તા પોદળાથી ખરડાતા અટકી જશે?
બિઝનેસમેન ઃ ચિંતા શું કામ કરો છો? માત્ર તમને જ નહીં, સ્કૂટરચાલક, રિક્ષાચાલક અને મોટરચાલકને પણ ફાયદો થઇ શકે છે.
મોટરચાલક ઃ કેવી રીતે?
બિઝનેસમેન ઃ અત્યારે ગાય આડી ઉતરે તો તમે બધા શું કરો છો?
મોટરચાલક ઃ હોર્ન મારું છું. તેમ છતાં ન ખસે તો, (ચહેરો ઉતરેલો કરીને, ધીમા અવાજે) ગાડીમાંથી ઉતરીને નજીક જઇને ‘હડે હડે’ કરી આવું કે પૂછડું આમળી આવું છું.
સ્કૂટરચાલક ઃ હું તો સ્હેજ સ્કૂટર અડકાડી દઉં. વિફરેલી ગાય એકાદ ગોબો પાડશે તો બારસો-પંદરસોની ઉઠશે, એવી ચિંતા ગાડીવાળાને હોય. અમે શું કામ એવી ફિકર રાખીએ?
રિક્ષાચાલક ઃ અમે તો ગાયના પૂંછડા આગળથી શાર્પ લેફ્ટ ટર્ન લઇને તેના માથા આગળથી શાર્પ રાઇટ ટર્ન મારીએ, એટલે અમને ગાય નડે નહીં. આ બે ટર્ન મારતી વખતે અમે બીજા ઘણાને નડીએ, પણ એ તો એમનો વિષય છે. જરા જોઇ-સાચવીને ચલાવે, બીજું શું?
રાહદારી ઃ આમ તો મને ગાય નડે જ નહીં, પણ આ વાહનચાલકો ઘોંચપરોણા કરે એટલે કંટાળેલી ગાય અમારા રસ્તામાં ધસી આવે અને ગોથે ચડાવે. એ વખતે અમારે ગોથાથી બચવા સિવાય બીજું કશું કરવાનું હોતું જ નથી.
બિઝનેસમેન ઃ ખાનગીકરણ થયા પછી દરેક ગાયને એક ડિજિટલ કોડ અને એક સ્ટેટ-ઓફ-ધ આર્ટ ટેકનોલોજી ધરાવતી એક ચીપથી સજ્જ કરવામાં આવશે. ત્યાર પછી ગાય વચ્ચે આવે એટલે દરેકે સામે ઉભેલી ગાયના શરીર પર ચીતરેલો તેનો ડિજિટલ કોડનંબર પોતાના મોબાઇલ પરથી ડાયલ કરવાનો. એ સાથે જ ગાયના શરીરમાં હળવો આંચકો લાગશે અને ગાય તેની જગ્યાએથી ખસી જશે.
મોટરચાલક ઃ વેરી ગુડ. આ મારો મોબાઇલ છે. ચીપ બહાર પડે ત્યારે મને જરા રીંગ કરી દેશો?
બિઝનેસમેન ઃ એટલું ખરું કે એ ગાય પર બીજી કંપનીના મોબાઇલની અસર નહીં થાય. પણ કોઇ કંપની ભારતભરની ગાયો માટે આટલી કાળજી રાખતી હોય તો એને થોડી મોનોપોલી રાખવાનો હક નથી?
ગોપાલક ઃ એ શેઠ, તમારી હોંશિયારી અહીં નહીં ચાલે. ગાયોનું ખાનગીકરણ કરતાં પહેલાં તમારે મારી સંસ્થાને વચ્ચે રાખીને ગોપાલકો સાથે વાત કરવી પડશે.
બિઝનેસમેન ઃ એ બધી પંચાતમાં કોણ પડે? આપણે સમરસ રીતે કામ કરવામાં માનીએ છીએ. આપણી પાસે બીજો પણ ઓપ્શન છે. ગાયોનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું છે? સરકાર એ ગાયોની કિંમતમાંથી ૫૧ ટકા કિંમત ચૂકવી દે.
રાહદારી ઃ એમાં અમને શું ફાયદો?
મોટરચાલક ઃ યુ મીન માઇન્ડેડ મીડલ ક્લાસ પીપલ. આ સિવાયનો બીજો કોઇ સવાલ શીખ્યા છો? શું ફાયદો, શું ફાયદો..સવાલ પૂછતાં તો શીખો. તમારે એમ પૂછવું જોઇએ કે ‘ડીસઇન્વેસ્ટમેન્ટની ડીટેઇલ કેવી રીતે વર્ક આઉટ થશે? એમાં અમારું કઇ ટાઇપનું કન્સીડરેશન હશે?’
ગોપાલક ઃ અમારી ગાયોનું શું થશે?
બિઝનેસમેન ઃ તમારી ગાયોની સરકાર ૫૧ ટકા કિંમત આપશે અને તેની દેખભાળ રાખવાનું તમને સોંપીને એનો પગાર આપશે.
ગોપાલક ઃ એમાં શું પૂછવાનું? ગાયોના રૃપિયા મળતા હોય અને તેમને રાખવાના પણ રૃપિયા મળતા હોય તો એનાથી રૃડું શું?
બિઝનેસમેન ઃ આ ગાયો જાહેર મિલકત ગણાશે એટલે મોટરચાલક, સ્કૂટરચાલક, રિક્ષાચાલક અને રાહદારી – એ સૌનો સૈદ્ધાંતિક રીતે  ગાયો પર સમાન અધિકાર રહેશે.
રાહદારી ઃ પણ એમાં અમને …અમારું કન્સીડરેશન શું?
બિઝનેસમેન ઃ ગાય ભલે સ્ટેટની પ્રોપર્ટી ગણાય, પણ તેના પોદળા જેવા સમૃદ્ધ ‘એનર્જી સોર્સ’ પર સૌનો સહિયારો હક રહેશે.
ટ્રાફિક પોલીસ ઃ પણ અમારી બબાલ તો વધી ને?
બિઝનેસમેન ઃ હોય કંઇ? ગાયો જાહેર મિલકત બની, એટલે તેના રક્ષણની જવાબદારી તમારી. ગાયોને નુકસાન પહોંચાડવાના કોઇ પણ પ્રયાસમાં તમે સ્થળ પર પાવતી ફાડી શકશો અને પાવતી ન ફાડવી હોય તો..
ટ્રાફિક પોલીસ ઃ ઓ.કે., ઓ.કે., સમજી ગયો.
બિઝનેસમેન ઃ આ યોજના આપણા મુખ્ય મંત્રી સમક્ષ રજૂ કરીશ તો મને ખાતરી છે કે એ ‘પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ’ની ‘ગૌપ્રતિપાલક  યોજના’ જેવા કોઇ નામે તેનું ભવ્ય લૉન્ચિંગ કરશે અને ભલું હશે તો વડાપ્રધાનપદ માટેના પ્રચારમાં પણ આ મુદ્દો વણી લેશે.
(બહાર ઊભેલી બે-ચાર ગાયોના ભાંભરવા સાથે મિટિંગ પૂરી થાય છે)

Courtesy: બોલ્યુંચાલ્યું માફ – ઉર્વીશ કોઠારી @ gujaratsamachar.com

Advertisements

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: