Skip to content

સત્યાગ્રહ – ધ ઓપેરા by ભવેન કચ્છી

02/10/2013

૧૯૭૯માં રોટેરડમ, નેધરલેન્ડના સાંસ્કૃતિક વિભાગને વિચાર સ્ફૂર્યો કે એવી કોઈ વિશ્વવિભૂતિને કેન્દ્રસ્થાને રાખીને આંતરરરાષ્ટ્રીય દરજ્જાનું અને વિશ્વના તમામ દેશોની પ્રજાને પ્રેરણાત્મક રીતે વર્તમાન અને ભવિષ્યમાં પણ સ્પર્શી શકે તેવું ઓપેરાનુ સર્જન કરીએ. સંગીત, નૃત્ય, સેટ્સ, પપેટ્રી, માઇમ, પ્રેઝન્ટેશન, સંકેતાત્મક વેશભૂષા, લેઝર લાઇટ્સથી માંડી તમામ નાટય પ્રયોગો ઓપેરામાં સામેલ હોય છે.

આ માટે મહાત્મા ગાંધીજીના ચરિત્ર અને જીવન સંદેશ પર પસંદગી ઉતરી. અમેરિકાના જગવિખ્યાત ઓપેરા કમ્પોઝર ફિલિપ ગ્લાસને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી. મજાની એ વાત હતી કે હાલ ૭૬ વર્ષના ફિલિપ ગ્લાસ ગાંધીજીથી એ હદે પ્રભાવિત રહ્યા છે કે ભારતમાં માત્ર અને માત્ર ગાંધીજી વિષે જાણવા જ તેમના આશ્રમો અને આઝાદીના સંગ્રામના સીમાચિહ્ન સમાન સ્થળોના આંદોલનો ઝીલવા, નજરે જોવાની અલૌકિક અનુભૂતિ મેળવવા માટે તે ૧૯૭૯ સુધીમાં જ આઠેક વખત આવી ગયા હતા. ફિલિપ ગ્લાસ આજે પણ ગાંધીઅન વિચારધારાનો પ્રચાર- પ્રસાર તો કરે જ પણ પોતે નખશીખ ગાંધીજીને અનુસરે છે.

રોટેરડમની પેનલે તો ફિલિપ ગ્લાસને તેમની ‘ઓપેરા’ના કમ્પોઝર- નિર્દેશક તરીકેની ખ્યાતિને જોતાં જ આ પ્રોજેક્ટ સોંપ્યો હતો પણ ગ્લાસે જ્યારે જાણ્યું કે ગાંધીજી પર ઓપેરા તૈયાર કરવાની તેને ઓફર મળી છે ત્યારે તેણે માન્યું કે કદાચ ગાંધી ભક્તિ બદલ કુદરતે તેને આપેલી આ ભેટ છે. તેને એ વખતે એવો વિચાર પણ આવ્યો કે અત્યાર સુધીના તેણે નિર્માણ કરેલ આઠ ઓપેરા બાદ અમેરિકા અને યુરોપની કલા- સંસ્કૃતિ ફલક પર તે જીનિયસ મનાય છે છતાં તેને કેમ ક્યારેય મહાત્મા ગાંધી પર ઓપેરા બનાવવાનો વિચાર ન આવ્યો.

જાણે ગાંધીજીના જ દિવ્ય આશીર્વાદ મળ્યા હોય તેવા એહસાસ સાથે ફિલિપ ગ્લાસ અને તેની ટીમે ગાંધીજીના બહુમુખી પ્રદાનનો સંશોધનાત્મક રીતે અભ્યાસ કર્યો. ગ્લાસે તો ગાંધીજીનું મહત્તમ સાહિત્ય યુવાન વયથી જ દિલોદિમાગમાં ઉતારી લીધું હતું.

ફિલિપ ગ્લાસ એ નિષ્કર્ષ પર આવ્યા કે ગાંધીજીના બાળપણ, કિશોરાવસ્થા અને સાઉથ આફ્રિકામાં તેમને રેલ્વે સ્ટેશન પર હડસેલી દેવામાં આવ્યા તે પછી વિશ્વને સત્યાગ્રહના સિદ્ધાંતની ભેટ આપતી જે અહિંસક લડત તેમણે સાઉથ આફ્રિકામાં આદરી ત્યારે જ ગાંધીજીનો ખરા અર્થમાં જન્મ અને ધ્યેય આકાર પામી ચૂક્યા હતા. તે પછી તેણે આ જ વિચારધારા સાથે ભારત આવીને આઝાદીનો સંગ્રામ છેડયો હતો.

ફિલિપ ગ્લાસે આથી જ તેના ઓપેરામાં ૧૯૧૪ સુધીના ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખ્યા કેમ કે, ‘રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી’.

તેમણે આ ઓપેરાનું નામ પણ ‘સત્યાગ્રહ’ એવું રાખ્યું. તેમણે ઓપેરાના નિર્દેશનમાં જીનિયસ મનાતા મેકડરમોટ એન્ડ ક્રાઉચની ટીમને સાંકળી. તેઓએ ત્રણ અંકનું બે વીસ- વીસ મિનિટના ઇન્ટરવલ સાથે ચાર કલાકનું ઓપેરા તૈયાર કર્યું.

નિર્દેશનની કમાલ જુઓ. પ્રથમ અંકમાં ગાંધીજીના બાળપણ અને કિશોરાવસ્થામાં લીઓ ટોલ્સટોયનો પ્રેરણા પ્રભાવ હોઈ ટોલ્સટોયને હાઇલાઇટ કરીને ગાંધીજીની યુવાવસ્થા સુધીની પ્રતિભાને ઉપસાવી.

બીજા અંકમાં રવીન્દ્રનાથ ટાગોરને કેન્દ્રસ્થાને રાખીને તેઓ જાણે સૂત્રધાર હોય તેમ ગાંધીજીનો સાઉથ આફ્રિકામાં  રંગભેદના અપમાનજનક અનુભવ, માનવ હક્કનું પાશવી ઉલ્લંઘન થતું જોઈને હૃદયનું દ્રવી ઉઠવું, પોલીસના માર સહન કરતા નીતિનો વિરોધ કરવો, જનસમર્થન મેળવવું અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ના પ્રારંભથી માંડી ૫૦૦૦ અશ્વેતો અને એશિયનોની કૂચને ટ્રાન્સવાલ સુધી લઈ જવી તેવી ઘટનાઓને સ્ટેજ પર ખડી કરાઈ છે.

ફિલિપ ગ્લાસે ગાંધીજીનો ૧૯૧૪ સુધીનો સમયગાળો ટાગોરની નજરે બતાવ્યો છે તેનું એક કારણ એ છે કે ટાગોર અને ગાંધીજી વચ્ચે ઘણા મુદ્દે મતભેદ પ્રવર્તતો હતો. ટાગોરે સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર માટેના વિશ્વ પ્રવાસોમાં ગાંધીજી અંગે વિશ્વ શ્રોતાઓના પ્રશ્નોનું તત્ત્વજ્ઞાાન સાથે નિરાકરણ કર્યું હતું. રેટિંયા અંગેના  જક્કી વિચારો અંગે તેમને મતભેદ જરૃર હતો પણ સત્યાગ્રહના તેમજ અહિંસાના ખ્યાલથી ટાગોર પ્રભાવિત હતા. બીજુ કારણ એ પણ છે કે નોબેલ પ્રાઇઝ વિજેતા ટાગોરની વૈશ્વિક સ્તરે પહેચાન છે. ટાગોર- ગાંધીજીના સંવાદોને ઓપેરામાં રજૂ કરીને ફિલિપ ગ્લાસે ૧૯૧૪ સુધી અને તે પછીના સમયગાળામાં ગાંધી- ટાગોરની મુલાકાતોમાંથી નિપજતા ગાંધી વિચારો ગાંધીની નજરે બતાવવાની કડી ફિલિપ ગ્લાસે જોડી દીધી છે.

ત્રીજા અંકમાં ‘માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની નજરે ગાંધીજી’ તેવી થીમ સાથે ગાંધીજીની આઝાદી સુધીની લડતનું તત્ત્વજ્ઞાાન રજૂ કર્યું છે. માર્ટિન કિંગે ગાંધીજીની જ પ્રેરણા લઈને  અહિંસા શસ્ત્ર ધારણ કરીને અમેરિકામાં અશ્વેતોને સમાન હક્ક અપાવતી ઐતિહાસિક લડત પાર પાડી હતી તેને ઓપેરાના ત્રીજા અને છેલ્લાં અંકમાં હૃદયસ્પર્શી રીતે રજૂ કરાઈ છે.

ગાંધીજી તેમના નિધન પછી પણ વિશ્વને અહિંસક લડતનો, સત્યાગ્રહનો માર્ગ ચીંધતા ગયા. તે માર્ગ ગુલામ- શાસક પ્રણાલિ વખતે જ નહીં પણ, લોકશાહી દેશમાં પણ સત્તાધીશો સામે એટલો જ કારગત નીવડે છે તેવું માર્ટિન લ્યુથર કિંગે પુરવાર કરી બતાવ્યું.

ફિલિપ ગ્લાસ મેસેજ પણ આપે છે કે ૨૦મી સદીના આ મહામાનવનો મેસેજ, મૂલ્યો અને જીવન દ્રષ્ટિ, જીવન પદ્ધતિ આગામી સમયમાં માનવ જગતની ઉપાધિઓમાં જડીબુટ્ટી તરીકે પૂરવાર થઈ છે.

ફિલિપ ગ્લાસને ગાંધીજી અંગેના સંશોધનાત્મક ખેડાણ દરમ્યાન એ પણ સમજાયું  કે ગાંધીજી પર બાળપણથી જીવનભર ભગવદ્ ગીતાનો પથદર્શક અને મનોબળ કેળવવા માટેનો પ્રભાવ રહ્યો છે.
ઓપેરામાં તેમણ બેકગ્રાઉન્ડમાં વખતોવખત અને ગાંધીજીની નિર્ણાયક પળો વખતના દ્રશ્યોમાં સંસ્કૃત ભાષામાં જ ગીતાના અધ્યાયને વિશ્વની ઓડિયન્સ સમક્ષ રજૂ કર્યા છે. ગ્લાસ માને છે કે વિશ્વની કોઈ પણ પ્રાચીન કૃતિઓને તેમના મૂળરૃપમાં જ રજૂ કરવી જોઈએ. પ્રેક્ષકોએ તેમનો મર્મ જાણવા વિવેચકો પાસેથી અને પ્રેક્ષકને જે ભાષા આવડતી હોય તે ભાષાના ઉપલબ્ધ સંદર્ભ ગ્રંથમાંથી સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો.

ગાંધીજીનું પાત્ર ઓપેરા જગતના આદરણીય કલાકાર રિચાર્ડ ક્રોફ્ટે ભજવીને ચાર ચાંદ લગાવી દીધા છે. જો કે તે ગાંધીજી જેવા સુકલકડી નથી આમ છતાં ગાંધીજીના મિજાજને ભવ્ય સ્ટેજ પર સાંગોપાંગ ઉતારે છે. કુલ ૧૦૦ જેટલા કલાકારો સાઉથ આફ્રિકાના ભારતીય અને બ્રિટિશરોના સ્વાગમાં છે. માર્ટિન લ્યુથર કિંગના ત્રીજા અંકમાં અશ્વેત એક્સ્ટ્રાઓ હોય તે સ્વાભાવિક છે. આ ઓપેરાના નિર્માણમાં પડદા પર કે પડદા પાછળ એક પણ ભારતીયની મદદ નથી લેવાઈ.

ઓપેરા નિહાળવું તે નાટક કે ફિલ્મ કરતા જુદો જ અને અદ્વિતીય અનુભવ કહી શકાય. અગાઉ જણાવ્યું તેમ તે દ્રશ્ય-શ્રાવ્ય જગતના ઇતિહાસથી વર્તમાન સુધીની તમામ શૈલીનું સંયોજન હોઈ શકે. કમ્પોઝિંગ એ તેનો આત્મા છે. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન આ લખનારને ‘વેસ્ટસાઇડ સ્ટોરી’નું પ્રખ્યાત ઓપેરા જોવાની તક સાંપડી હતી, તેની ટિકિટ ૪૦થી ૧૦૦ પાઉન્ડ હોઈ શકે. સાંજીંદાઓ અને કમ્પોઝરને  સ્ટેજની નીચે જ આપણે જોઈએ શકે. તેમાં એક મ્યુઝિકલ સોંગ્સ, વિશ્વ શ્રેષ્ઠ કવિઓની કૃતિ ઓપેરાની વાર્તા પ્રમાણે સ્ક્રિપ્ટમાં હોય છે. કોસ્ચયુમ તેનું હૃદય છે. સ્ટેજ વિશાળ જોઈએ લાઇટીંગ્સ, સાઉન્ડનો કસબ અલ્ટીમેટ હોવો અનિવાર્ય છે. ઓપેરા સેક્સપિયરની કૃતિઓ, ઐતિહાસિક ગાથાઓ અને વિશ્વના મહાન ચરિત્રોને નજરમાં રાખીને બને છે. તેને જોવા આવનાર પ્રેક્ષક વર્ગ ઉચ્ચ શૈક્ષણિક, સુસંસ્કૃત, કલા- સંગીતના વિવિધ પાસાઓને પારખી- નાણી શકે તેવો હોય છે. બૌદ્ધિક, ક્રીમ, ઇલીટ, રીફાઇન્ડ અને સ્ટેટસ સભર હોઈ સુપરરીચ પ્રેક્ષકોને જુઓ તો પણ પૈસા વસુલ થઈ જાય.

અગાઉ જણાવ્યું તેમ ઓપેરામાં કઠપૂતળીની ટેકનિકથી માનવ કદના ચહેરા-મહોરાઓ, લેસર લાઇટથી મેદની, સ્પેશ્યલ ઇફેક્ટ્સથી યુદ્ધ, આંદોલનો, કુદરતી આપત્તિ વગેરે ખડું કરાય છે. તમે અલગ દુનિયામાં જ સરકી જાવ તેની ગેરંટી. અમેરિકામાં બ્રોડ-વે ઓપેરા માટે જાણીતું છે.

૧૯૮૦માં સત્યાગ્રહ ઓપેરાનો નેધરલેન્ડમાં પ્રિમિયર યોજાયો હતો ત્યાર પછી ૧૯૮૧માં ન્યુયોર્કથી લેવ્ગિટનના આર્ટપાર્કમાં અને તે જ વર્ષે સ્ટુટગર્લમાં શો થયા.

ઇંગ્લેન્ડમાં બાથ સ્પા યુનિવર્સિટી અને ફ્રોમ કોમ્યુનિટી કોલેજના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૭માં તેનું મંચન થયું. ન્યુયોર્કમાં મેટ્રો પોલિટનમાં ૨૦૦૭, ૨૦૧૦ અને ૨૦૧૧માં આ ઓપેરાના અને તે જ રીતે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં લંડનમાં સત્યાગ્રહના શો યોજાવાના છે જેનું બુકિંગ પુર જોશથી ચાલુ છે.

આજે તો ફિલિપ ગ્લાસ ૭૬ વર્ષના છે પણ સત્યાગ્રહ ઓપરા વખતે તેઓ જાતે જ કમ્પોઝ કન્ડક્ટ કરવા થિયેટર પહોંચી જાય છે. ગાંધીજીની હરતીફરતી એન્સાયક્લોપીડીયા પણ તેમને કહી શકાય. તેઓ કહે છે કે ગાંધીજીએ મૌલિક અભિગમ સાથે સત્યાગ્રહ શબ્દ અને પદ્ધતિની વિશ્વને અણમોલ ભેટ આપીછે. ‘ઇન્ડિયન ઓપિનિયન’ પત્રિકા શરુ કરીને તેઓએ વિશ્વને મિડિયાના પ્રભાવનો રાહ બતાવ્યો હતો. ગાંધીજીએ આહાર-વિહારનું અને અર્થતંત્રનું આગવું વિજ્ઞાન પણ વિકસાવ્યું હતું. નેતૃત્વ અને મોટિવેશનના વિશ્વના તમામ લેકર્ચર્સ અને થિયરીમાં ગાંધી વિચારધારા જ છે. વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ ગાંધીજીમાંથી મળી આવે છે. અહીં આ કોલમમાં ગયા વર્ષે ગાંધી જયંતિ વખતે ભોજનમાં વિશ્વસ્તરે ‘ગાંધી થાળી’ના વધતા ક્રેઝ પર લખ્યું હતું. ગાંધીજીના વૈશ્વિક પ્રભાવની રીતે ફિલિપ ગ્લાસ એમ્બેસેડર સમાન છે.

કાશ્મીરમાં ઝુબીન મહેતાની કોન્સર્ટ ભલે રખાય પણ સત્યાગ્રહ ઓપેરાને ભારતમાં યોજવાનું કેમ કોઈ વિચારતું નથી? અમેરિકા, યુરોપમાં તેના શૉનું આગામી વર્ષ માટે બુકિંગ થતું જાય છે.

ફિલિપ ગ્લાસ અને તેની ટીમને ગાંધીવંદના કરવા બદલ આપણે વંદન પાઠવવા જ રહ્યા. યુ ટયુબ પર આ ઓપેરાને તમે જોઈ શકો છો.

Courtesy: વિવિધા – ભવેન કચ્છી @ gujaratsamachar.com

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: