Skip to content

હિન્દુહૃદય સમ્રાટ હિન્દુહિતરક્ષક ગાંધીજી ! by જય વસાવડા

02/10/2013

‘હું પોતાને સનાતની હિન્દુ કહેવડાવું છું, કારણ કે હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. આ માન્યતાને લીધે મારે શાસ્ત્રને નામે ચાલતી બધી વસ્તુઓને પ્રમાણભૂત માનવી જોઇએ એવું નથી. નીતિના મૂળ તત્ત્વોથી વિપરીત હોય, એ બધાનો હું ત્યાગ કરૃં છું. વહેવારની ભાષામાં કહીએ તો જે ઈશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને તથા મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે, અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમવ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, એ હિંદુ છે.”

”હિંદુ ધર્મનું એ સદ્ભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એમાં કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. જો કોઈ મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે, તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને ન પણ માનતો હોય છતાં એ પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિન્દુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતઃપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ પણ આપણો થાક ઉતરી જતા તુરંત જ, હિંદુ ધર્મ કદાચ પહેલા કદી ન જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઉઠશે. અને ખરેખર તેથી જ હિન્દુ ધર્મ બધાં ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એના સિધ્ધાંતો સર્વગ્રાહી છે.”

”હિન્દુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતી ઓટ થયા કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૃપે તે એક પણ વૃક્ષરૃપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે, તેને વસંત છે ને પાનખર છે, તેને શરદ અને ઉષ્ણવ (ઉનાળો) છે. વર્ષાથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારું શાસ્ત્રો છે અને નથી. ગીતા સર્વમાન્ય છે, પણ ગીતા માર્ગદર્શક છે. હિંદુ ધર્મ ગંગાનો પ્રવાહ છે. મૂળમાં તે સ્વચ્છ છે, માર્ગમાં તેને મેલ પણ ચડે છે, છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે, તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૃપ પકડે, અને છતાં તેમાં એકતા રહેલી છે. રૃઢિ એ ધર્મ નથી. રૃઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે. હિંદુ ધર્મની શુધ્ધતાનો આધાર હિંદુધર્મીની તપશ્ચર્યા પર રહે છે.”

શાસ્ત્રોમાં વૃદ્ધિ થયા જ કરે છે. વેદ, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણ ઇતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્ભવ્યા પણ પ્રસંગ આવ્યે તે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે છે. તે તે ગ્રંથો શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો, એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞા કરતા તેથી આજે કરીએ ? એક વેળા બાળ કન્યાનું દાન કરતાં એટલે આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો, આજે તેની પ્રજાને તિરસ્કૃત ગણીએ ?

હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાાન અનંત છે, સત્યની મર્યાદા કોઇએ શોધી નથી. આત્માની શક્તિની નવી નવી શોધો થયા જ કરે છે, ને થયા કરશે. અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યે જઈશું. સત્ય તો એક જ છે, પણ તેને સર્વાંશે પણ કોણ જોઈ શક્યું છે ? જે વેદના નામે આજે ઓળખાય છે એ તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે, તેનો ય અર્થ સંપૂર્ણતાથી કોણ જાણે છે ?

આટલી બધી જંજાળ હોવાથી આપણા ઋષિઓએ એક મોટી વાત શીખવી. ‘યથા પિંડે, તથા બ્રહ્માંડે.’ બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે. પોતાનું પૃથક્કરણ શક્ય છે. તેથી પોતાને ઓળખ્યો, એટલે જગતને ઓળખ્યું. પણ પોતાને ઓળખવામાં પ્રયત્નની આવશ્યકતા છે. પ્રયત્ન પણ નિર્મળ જોઇએ. નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અસંભવિત છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઇશ્વરપ્રસાદ ન જ મળે, તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો, તેથી ભાગવતાકારે દ્વાદશમંત્ર શીખવ્યો, જેને એ જળ હૃદયથી જપતા આવડે, એ સનાતની હિંદુ છે. બાકી બધું તો અખાની ભાષામાં ‘અંધારો કૂવો’ છે.

”જેમ પશ્ચિમના લોકોએ દુન્યવી વસ્તુઓને વિશે અદ્ભૂત શોધો કરી છે, તેમ હિંદુ ધર્મે ધર્મના, મનોવૃત્તિના, આત્માના ક્ષેત્રમાં એથી યે અદ્ભૂત શોધો કરી છે. પણ એ ભવ્ય અને સૂક્ષ્મ શોધોને જોવા સારું આપણ ી પાસે ચક્ષુ નથી. હિંદુ ધર્મમાં એવું કંઇક સત્વ છે, જેણે તેને આજ સુધી જીવતો રાખ્યો છે. દુનિયામાં ચોમેર નજર નાખી જુઓ. રોમ ક્યાં છે ? ગ્રીસ ક્યાં છે ? પછી ભારતવર્ષ તરફ આંખને વાળો. અહીંના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો કોઈ તપાસી જાય અને પછી આસપાસ નજર નાખે તો તેને કહેવું જ પડે.” ”હા, અહીંયા પ્રાચીન ભારતવર્ષ હજી જીવતું દેખાય છે.” કોઈ કોઈ જગ્યાએ ઉકરડા વળ્યા છે, એ સાચું, પણ ઉકરડાઓની નીચે મહામૂલ્યવાન રત્નો દટાયેલા પડયા છે.

એણે જગતને આપેલી અનેક ભેટોમાં મૂક જીવસૃષ્ટિ સાથે મનુષ્યના અભેદની કલ્પના એક અદ્વિતીય વસ્તુ છે. મારે મન ગૌપૂજા એ ભવ્ય વિચાર છે, એને (અન્ય સજીવ સૃષ્ટિ માટે) વ્યાપક કરી શકાય એમ છે. ધર્માંતરની આધુનિક ઘેલછામાંથી હિન્દુ ધર્મ મુક્ત રહ્યો છે, એ પણ મારે મન કીમતી વસ્તુ છે. હિંદુ ધર્મને પ્રચારની જરૃર નથી. તે કહે છે ‘શુદ્ધ જીવન ગાળો.’ મારું કર્તવ્ય, તમારું કર્તવ્ય માત્ર શુદ્ધ જીવન ગાળવાનું છે. એની અસર કાળચક્ર પર રહી જશે. હિન્દુ ધર્મ મરણપ્રાય અથવા મરી ગયેલો ધર્મ નથી.”

* * *

રીડર બિરાદર આજની તારીખ, ટાઇટલ અને તસવીર પરથી અંદાજ આવી ગયો હશે કે આ અત્યાર સુધી જે વાંચ્યુ એ લખાણ મોનહદાસ કરમચંદ ઉર્ફે મહાત્મા ગાંધીનું છે. અને એ ય આરંભના પેરેગ્રાફસ ૧૭ ઓક્ટોબર ૧૯૨૬ના છે, પછીના ૨૪ એપ્રિલ ૧૯૨૪, પછી ૭ ફેબુ્રઆરી ૧૯૨૬નાં પેરેગ્રાફસ છે, અને છેવટના બધા ૧૮૦ ડિસેમ્બર, ૧૯૨૭ના છે ! મતલબ, ઓલમોસ્ટ એક સદી અગાઉ કોઈ ઇન્ટરનેટ કે ટેકનોલોજી વિના એક ફોરેન ભણીને વકીલ થનાર અને પછી પારિવારિક જવાબદારી અને જાહેરજીવનની જવાબદારીઓમાં સતત વ્યસ્ત માણસના અભ્યાસ અને અનુભૂતિનું આ ઉંડાણ છે. વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગદળ કે ભારત સ્વાભિમાન વોટએવરના અત્યારે ગપ્પાબાજીમાં કૂદકકૂદક થતાં ભાંગફોડિયા, અને બરાડિયાધમાલિયા ખડ્ડુસ ઘેટાંછાપ હિન્દુત્વપ્રેમીઓની સાથે વાત કરવા જાવ તો હિંદુ ધર્મ વિશે ગોખેલા પોપટપાઠ સિવાય આવી કોઈ આંતરિક સમજણની કલ્પના પણ થઈ શકે ખરી ? બે બદામના ગામના ઉતાર જેવા મવાલી અને સંકુચિત સ્વાર્થી દંભીઓએ હિન્દુત્વનો ઠેકો લઈ લીધો હોય, ત્યાં આવી અપેક્ષા જ વ્યર્થ છે. મોતીના હાર ગળામાં લટકાવવાથી કાગડા હંસ બનતા નથી.

હિન્દુ તત્ત્વચિંતનમાં હંમેશા કહેવાયું છે કે મોહ અને દ્વેષ માણસને આંધળોભીંત કરી મૂકે છે. એમાંથી જ ક્રોધ અને પરાજય જન્મે છે. આકર્ષણ કે અણગમો પ્રાકૃતિક છે, એને સાહજીક અનુભવીને, એનો આનંદ કે દુઃખ ભોગવીને યાત્રા ચાલુ રાખી શકાય છે – પણ એ બધું ક્ષણિક છે મોહ અને દ્વેષ-ગ્રીડ એન્ડ હેટ્રેડ – કાયમી બને ત્યાં સ્વયંવિનાશક વિસ્ફોટ પેદા કરે છે. આત્મગૌરવ સમકક્ષ અસ્મિતા શબ્દને પણ એટલે જ આપણા મનીષીઓએ પાંચ કલેશ-ડાર્ક વર્ડસમાં સ્થાન આપ્યું છે !

આરએસએસ જેવી રાષ્ટ્રપ્રેમી સંસ્થાને પણ આ નડતરનું ગ્રહણ જન્મજાત લાગેલું છે. પ્રાચીનતા અને હિન્દુત્વ પ્રત્યેનો મોહ અને વિધર્મીઓ (મુખ્યત્વે મુસ્લીમો) અને પશ્ચિમી સભ્યતા પ્રત્યેનો દ્વેષ. એના ઉગ્ર વળગણને લીધે મિત્ર કોણ અને શત્રુ કોણ એનો ભેદ એમને સમજાતો નથી – એટલે ભારતીય સંસ્કૃતિના સમર્થકો-શુભેચ્છકો-સર્જકોને સર્વાંગી રીતે ઓળખ્યા વિના એ ઘણીવાર દુશ્મન ઠેરવી દે છે – જેનો અનુભવ મોટા પાયે એમ.એફ.હુસેન જેવા રામાયણ-મહાભારત-ગ્રામ્યજીવનના અઠંગ પરેખંદા ચિત્રકાર અને નાના પાયે શાહરૃખ જેવા એકટરને થઈ ચૂક્યો છે. પણ એ કાચી અને કપટી ગેરસમજનો સૌથી મોટો ભોગ બન્યા હોય તો ગાંધીજી !

ગાંધીજી પ્રત્યેનો સનાનતી વેરભાવ (ઘણા સંઘ પ્રેરિત દેશભક્તિ-આઝાદીના કાર્યક્રમોના બેનરમાં શહીદો-ક્રાંતિકારીઓના ફોટા સાથે ગાંધીજીનો ફોટો સુદ્ધાં હોતો નથી !) સંઘને સદાય નડતો રહ્યો છે. આજના સ્યુડો સેક્યુલરિઝમને પડકારતી અને જગત જેમની વાતો પર ભરોસો મૂકે તેવા સૌથી મોટા અસલી સર્વસમાવેશક હિન્દુત્વના બ્રાન્ડ એમ્બેસેડરને પોતાની મૂર્ખાઈ અને લઘુદ્રષ્ટિને લીધે સંઘ હંમેશા માટે ગુમાવી ચૂક્યું છે, અને મૂળ કોંગ્રેસ કે ગાંધીજીના સનાનત ભારતના વિચારો કે ગોરક્ષા-ગીતા જેવા એજેન્ડા સાથે સ્નાનસૂતકનો સંબંધ ના હોય એવી વર્તમાન સરકારોને એમણે ગાંધીજી તાસક પર ભેટમાં ધરી દીધા છે. (વાજપેયી હોય કે અડવાણી કે મોદી-અંતે તો પાછા ગાંધીજીની સદ્ભાવનાનું જ શરણું આ પ્લુરાલિસ્ટિક યાને બહુમતવાદી દેશમાં આગળ વધવા માટે લેવું જ પડે છે !) આજનું બનાવટી અને તકલાદી સેક્યુલરિઝમ અને એના નામે ચાલતા અખિલેશો-આઝમખાનો જેવાઓને રાજકીય થાબડભાણાનો નકાબ ચીરતી ગાંધીજી જેવી ધારદાર તલવારને સમજ્યા વિના જ ગાળો આપીને હિન્દુત્વપ્રેમીઓએ ફગાવીને કાટ ખાઈ ગયેલી બૂઠ્ઠી બનાવી છે.

જરા વિચારો, આજે હિન્દુહિતરક્ષક તરીકે રમખાણો ફેલાવનારા, પ્રાંતવાદી ઝેર ફેલાવી વિભાજન તરફ દોરનારા કે બંધારણને તોડીને વ્યક્તિગત ફાયદો મેળવનારા ક્રોમ પ્લેટેડ ઠાકરેઓ પૂજાય છે, અને રિયલ ગોલ્ડ જેવા ગાંધીજીને હિન્દુત્વના નામે નવી પેઢી ખાસડાં મારે છે ! મોટા ભાગના કોઈ પોતાના સ્વતંત્ર વાંચન કે અભ્યાસના અભાવે એવો ભ્રમ પાળીને બેઠા છે કે ભારતના ભાગલા ગાંધીજીએ કરાવ્યા હતા, માટે મુસ્લીમ તરફી અને હિન્દુવિરોધી ગાંધીજી થયા. પ્રેકટિકલી, ભાગલાનો નિર્ણય તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરદારે સ્વીકાર્યો હતો, અને ‘હું એકલો પડી ગયો’ જેવી હૈયાવરાળ કાઢીને ગાંધીજીએ એનો વિરોધ કર્યો હતો. પણ વોટ્સએપમાં આવતા અફવાના મેસેજીઝ પણ ફોરવર્ડ કર્યા કરતી પ્રજાને ઇતિહાસ વાંચવો જ નથી હોતો.

૧૯૪૦માં ગાંધીજીએ કહેલું ”ભાગલાની વાત જ હડહડતું જૂઠાણું છે. હિંદુ ધર્મ અને ઇસ્લામ બે પરસ્પર વિરોધી-સંસ્કૃતિઓ અને સિદ્ધાંતો રજૂ કરે છે, એ કલ્પના સામે જ મારો આખો અંતરાત્મા બળવો કરી ઉઠે છે. આવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું, એ મારે મન ઇશ્વરનો ઇન્કાર કર્યા બરોબર છે. કારણ કે, હું અંતરાત્માની સાક્ષીએ માનું છું કે જે કુરાનનો ઇશ્વર છે, તે જ ગીતાનો પણ ઇશ્વર છે, અને આપણે સૌ ગમે તે નામે ઓળખાતા હોઈએ પણ એક જ ઇશ્વરના સંતાનો છીએ.”

ઇનફેકટ, બ્રિટિશરોએ ભારત મુસ્લીમો પાસેથી લીધું એટલે મુસ્લીમ લીગને સોંપવું એવી ઝીણાની માંગનો ગાંધીજીએ સ્પષ્ટપણે ‘આ દેશ બધી કોમનો છે, એમાં કોઈ એક કોમના આધિપત્ય પર સંમતિની મહોર ન મારું.’ એમ કહી વિરોધ કરેલો. ‘સરેરાશ મુસલમાન ગુંડો છે, અને સરેરાશ હિન્દુ કાયર છે’ એવું ત્યારનું રાજકીય અને સામાજીક સત્ય ‘વોટબેન્ક’ની પરવા વિના કહેનાર બાપુએ આગોતરી ચેતવણી પણ આપેલી – ”પાકિસ્તાન એટલે ફક્ત મુસલમાનો માટેનો મુલક એવો તેનો અર્થ થતો હોય, તો એ ઝેર વહેતો મુલક બની જશે. મારા સ્વપ્નનું હિંદ તો પ્રેમની સરિતાઓથી સિંચન પામતો મુલક છે !”

એકચ્યુઅલી, પરોક્ષ રીતે ભારતના ભાગલા માટે જો ગાંધીજીને ભારતના ભાગલા માટે જવાબદાર માનો તો પણ એમાં એમના હિન્દુત્વપ્રેમને સ્વીકારવો પડે તેમ છે. ગાંધીજી મૂર્તિપૂજા, મંદિર, ભજન, પ્રાર્થના અને અવતારી ઇશ્વરોના પૂજક એવા આસ્તિક હતા અને આધુનિક મિજાજના જીન્નાહને આવા ‘પછાતપણા’ની એલર્જી હતી, જે પછી ગાંધીજી તો તક મળે દેશને સનાતની હિન્દુ રાષ્ટ્રમાં (એવું નામ આપ્યા વિના, પોતાનો ઝોક પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ તરફ હોઇને) ફેરવી નાખશે એવો ભય પણ હતો ! આજે ઝીણી ફોડકી ચોળાઇને નાસૂર બને એવા રામજન્મભૂમિ વિવાદમાં ગાંધીજીનો સ્માર્ટ પોલિટિકલ જવાબ એ જ હતો કે ”બીજા ધર્મના જે સ્થાન પર પાછળથી અન્ય ધર્મીઓનો કબજો હોય, એ સુલેહ અને સુમેળના પ્રતીક તરીકે એમણે સામે ચાલીને મૂળ ધર્મોને પ્રેમથી સોંપવા.” આમાં મુસ્લીમ કટ્ટરવાદીઓના જ હાથ હેઠા પડયા હોત ને ? હિન્દુઓનો તો ક્યાં આવો કોઈ કબજો હતો ?

ગાંધીજી કહેતા: પુનર્જન્મ મારે માટે માત્ર સિદ્ધાંત નથી, પણ મારે માટે તો એ રોજ સૂર્ય ઊગે છે એટલી સ્પષ્ટ હકીકત છે..શરીરને માટે ખોરાક આવશ્યક છે, તેમ જ આત્માને માટે પ્રાર્થના આવશ્યક છે..આ જગતમાં મેળવવા જેવું જે કંઈ મેળવ્યું છે, તે શ્રદ્ધા અને પ્રાર્થનાના આધારે મળેલું છે. પૂજાનો સમય જીવનનો અમૂલ્ય સમય છે. એ પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે તેથી આપણે વિવેકથી વિનમ્ર થઈ, ઈશ્વરની સત્તા વિના એક તરણું સરખું પણ હાલતું નથી, એ વસ્તુનું જ્ઞાાન મેળવીએ. આપણે તો માત્ર એ મહાપ્રજાપતિના હાથમાં માટીરૃપ છે, એવું ભાન મેળવીએ…કોઈ મનુષ્ય કે સમાજ ધર્મરહિત રહી શકતા નથી. હા, કેટલાંક માણસો એવા પડયા છે, જે બુદ્ધિનો પ્રયોગ કરીને કહે છે કે અમારે ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી પણ એ તો કોઈ માણસ શ્વાચ્છેશ્વાસ લેતો છતાં કહે કે મને થાક નથી એના જેવું છે !

ગીતાના અધ્યાયના શ્લોકો અને રામધૂન પછી રોજેરોજ પોતાના આશ્રમમાં ભજનો ગવડાવતા ગાંધીજી પ્રાર્થના ન હોત તો હું ગાંડો થઈ ગયો હોત એવું માની સતત પોતાના ભૂલો અને દોષોનું પ્રાયશ્ચિત કરી આત્માનું પ્યુરિફિકેશન કરતા રહેતા. મંદિરને એ માણસના દિલમાં રહેલી અદ્રશ્ય છે, તેને જોવાની ઝંખના અને તાલાવેલીથી નિર્માણ થયેલા ધામ ગણતા. બકૌલ બાપુ, ”ગમે તેમ પણ આપણને એવું કંઇક જોઇએ છે, જેનો આપણે સ્પર્શ કરી શકીએ, જેને આપણે નરી આંખે જોઇ શકીએ, જેની આગળ આપણે પગે પડી શકીએ. પછી ભલે એ વસ્તુ કોઈ ગ્રંથ હોય કે એકાદ પથ્થરનું ખાલી મકાન હોય કે અનેક મૂર્તિઓથી ભરેલું પથ્થરનું મકાન હોય. આ મંદિરો વહેમના ઘર છે, એવો ભાવ મનમાં રાખીને તમે ત્યાં ન જતા, મનમાં શ્રદ્ધા રાખીને મંદિરોમાં જશો….સંશયવાદીઓ ભલે કહે કે આ બધી તો કેવળ કલ્પના છે, મને એ કબૂલ કરતા શરમ નથી આવતી કે કલ્પના એ જીવનમાં ભારે પ્રબળ તત્ત્વ છે….”

ઈશ્વર સર્વ સ્થળે હોય તો મૂર્તિમાં ય હોય એવું કહેનાર ગાંધીજીએ એમ પણ લખેલું કે, ”આપણા દેશને પવિત્ર કરનારા એ હજારો મંદિરોનું રક્ષણ કરવાની શક્તિ મારામાં હોય એમ હું ઇચ્છું છું.” મારા મંદિરો અને મારી મૂર્તિઓ પ્રત્યે તેઓ સંપૂર્ણ સહિષ્ણુતા રાખે એ ધારણા મુસલમાનો સાથેની મારી મૈત્રીની પાછળ છે. જે ધર્માંધતા પોતાના દેવ સિવાય બીજા કોઈ પણ દેવની પૂજામાં કશો ધર્મ જોઈ શકતી નથી, તે ધર્માંધતામાં પરિણમતી મૂર્તિપૂજાને હું તોડનારો છું…મૂર્તિને બુતના અર્થમાં લઈએ તો હું મૂર્તિપૂજક છું, મૂર્તિને ધ્યાન કરવાના કે માન આપવાના કે સ્મરણ કરવાના સાધન અર્થે લઈએ તો હું મૂર્તિપૂજક છું. મૂર્તિ એટલે આકૃતિ માત્ર એટલો જ અર્થ નથી. જેઓ એક પુસ્તકની પણ આંધળી પૂજા કરે, એ મૂર્તિપૂજક એટલે બૂતપરસ્ત છે.

ગાંધીજી દુર્લભ એવા અસલી હિંદુ હતા. એટલે બાવાડમ, સંપ્રદાયવાદ, શાસ્ત્રના નામે જૂનવાણી પરંપરા જ ચલાવ્યા કરવાનો આગ્રહ, અસ્પૃશ્યતા અને વર્ગભેદ, સ્ત્રી કે શૂદ્રને સેકન્ડરી સિટિઝન ગણવાની સમાજવ્યવસ્થા, પંડિતો અને ગુરૃઓની જૂના ગ્રંથોના શબ્દેશબ્દ પકડીને લોકોને ડરાવી ટોળા ભેગા કરવાની બેવકૂફી અને બદમાશી, હિન્દુત્વના નામે અન્યની આસ્થા પર આતંક ફેલાવવાનું અભિમાન-આ બધાના આજીવન પ્રખર વિરોધી એવા સુધારાવાદી આસ્તિક રહ્યા. એમની શ્રદ્ધા નીડરતા, આત્મવિશ્વાસ, નીતિ, પ્રામાણિકતા, ઉદારતા પેદા કરનારી હતી, હિન્દુહિત એટલે બીજા ધર્મો કરતા પોતાને શ્રેષ્ઠ માનવો એવો ભાવ એમના હૃદયમાં નહોતો. એટલે અભણ પ્રજાને મૂરખ બનાવતી મિથ્યાભિમાની વાતો ન કહેતા હોઈને એમને વિવેકાનંદ જેવા સંતનો દરજ્જો ન મળ્યો, પણ એમની આધ્યાત્મિકતા પારદર્શકતાના હિન્દુ માપદંડે વધુ ચડિયાતી હતી. હિન્દુત્વ અંધશ્રદ્ધા કે કર્મકાંડ કે નિષ્ક્રિય પલાયનથી પેદા થતી આક્રમક નારાબાજી કે ધાર્મિક લાગણીના નામે ચાલતી છેતરામણી દાદાગીરી એમણે ગણ્યું નહોતું, હિન્દુના નામે એને નબળાઇઓ ન ચલાવી લેવાની ગાંધીજીમાં પડકારવૃત્તિ હતી, એમણે જ કહેલું, ”મંદિરો અને મઠોની સંપત્તિનો શો ઉપયોગ થાય છે ? એ વહેમ અને જુલમના શસ્ત્રો નથી ? આ મઠોના અધિપતિઓ અઢળક ધનનાં માલિક હોઇને રાજામહારાજાની પેઠે રહે છે, અને જ્યારે બહાર નીકળે છે, ત્યારે એમની જોડે પાલખી, મોટરો, હાથી, ઊંટ અને ચેલાઓનો મોટો રસાલો હોય છે, તે લઈને તેઓ ગરીબ ગામડા અને કસબાઓ પર લગા ઉઘરાવવા માટે તીડની પેઠે ઉતરી પડે છે. આ મઠોમાં ભેગી કરેલી સંપત્તિને વાર્ષિક લાગા મળી અબજો રૃપિયા હોવા જોઇએ, ક્યાંયે એનો રીતસર હિસાબ નથી રખાતો, છતાં આ બેહૂદી લૂંટની જબરજસ્ત પદ્ધતિને હજુ ઘણાખરા બુદ્ધિશાળી લોકનેતાઓ ટેકો આપ્યા કરે છે. જાણે એના વિશે શંકા ઉઠાવવાથી હિંદુ સમાજ રસાતાળ જવાનો હોય. હિંદુ દેવો શું એટલે ખાઉધરા છે કે એમને દર વરસે આટલા બધા પૈસા જોઇએને છતાં એ આપનાર વિશે તેઓ પૂરેપૂરી ઉપેક્ષા કરે ? હિંદુસ્તાનના ગામડા એ જગતની ગંદામાં ગંદી, નિસ્તેજ અને રસકસ વિનાની જગ્યાઓ છે. તેને માટે હિંદુ ધર્મે શું કર્યું છે ? કંઇ નહિ ! પશ્ચિમના યાંત્રિક સુધારાને હોંશે હોંશે વધાવી લઇએ, પણ હિંદુઓના હાથમાં તે પણ મુંબઈની ચાલો જેવી ભૂંડી વસ્તુ બની જાય છે. હિંદુ ધર્મને ઘણા જલદ ઇલાજની જરૃર છે !”

ખ્રિસ્તી માનવસેવા અને મુસ્લીમ ઇશ્વરશ્રદ્ધાને હિંદુુ દંભથી ચડિયાતી ગણતા ગાંધીજીએ હિંદુ ધર્મ વિશે ઉંડું ચિંતન કર્યું. એમના ઇશાવાસ્યઉપનિષદ કે ગીતા પરના ભાષ્યો આજે પણ ટ્રેન્ડસેટર બન્યા, જેની પ્રેરણાથી અઢળક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રતિભાઓએ પોતાના જીવનના અર્થ મેળવ્યા. અમુક વાતે … ગાંધીજીએ હિન્દુ વારસા મુજબ પોતાની વાત આખરી નથી ગણાવી. આટલા લાંબા લેખમાં ય ગાંધીજીનું હિન્દુહૃદય પૂરું સમાવાયું નથી. એ માટે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના બૂકસ્ટોરમાં જઈ ૬૦ રૃપિયામાં ‘ધર્મને સજો,’જેવી સાત પુસ્તકો-ખરીદીને આરંભ કરવો જોઇએ. હા, ગાંધીજીને અહિંસા-સાદાઇ-બ્રહ્મચર્યનું વળગણ હતું, પણ એમના વિચારોના ઇન્કારની બારી ખુલ્લી હતી !

હાડોહાડ હિન્દુમય ગાંધીજીનો અંત એક હિન્દુની જ ગોળીથી આવ્યો એવી ઝનૂની ભૂલ આજે ય એમની સાથે અન્યાય કરીને આપણે કરીશું ! મહાત્મા પોતાના અસ્વીકારની છૂટ આપતા ગયા છે, આપણે એમનું જે સારું છે એ ગ્રહણ કરવા જેટલા હિન્દુ ન થઈએ ?

ઝિંગ થિંગ:

”જો આંધળાપણે પોતાના ધર્મને વળગી ન રહેવું હોય, પણ ખરેખરી નિષ્ઠા કેળવવી હોય, તો પોતાના ધર્મમાં રહેલી ઉણપોનું તીવ્ર ભાન હોવું જ જોઇએ. અને એ ઉણપો દૂર કરવાના સાચા ઉપાયો વિશેની ઉત્કટતા પણ તેટલી જ હોવી જોઇએ. હું જે કંઈ હિન્દુ રહ્યો છું, તે કંઈ એની અનેક સુંદરતાઓ જાણ્યા વગર ન રહી શકત, પણ એ સુંદરતાઓ મારા જ ધર્મમાં છે, બીજા ધર્મમાં નથી એમ જોવા હું નથી બેસતો. અને તેથી જ બીજા ધર્મોનું જ્યારે હું અવલોકન કરું છું ત્યારે દોષ શોધનાર ટીકાકાર તરીકે નહિ, પણ ભક્તની દ્રષ્ટિથી, બીજા ધર્મોમાં પણ મારા ધર્મ જેવી જ સુંદરતાઓ જોવાની આશાએ અને મારા ધર્મમાં નથી એવી સુંદરતા બીજાના ધર્મમાં જડી આવે તો એ મારા ધર્મમાં દાખલ કરવાના હેતુએ જ !” (ગાંધીજી, હરિજનબંધુ, ૧૩-૮-૧૯૩૩)

Courtesy: અનાવૃત – જય વસાવડા @ gujaratsmachar.com

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: