Skip to content

સમય જ બળવાન છે… લલિત મોદી, તેંડુલકરથી માંડી સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સને પણ તેનો પરચો મળ્યો by ભવેન કચ્છી

09/10/2013

આઇ.પી.એલ.ના પ્રણેતા અને જેણે ક્રિકેટ બોર્ડ, ક્રિકેટરોથી માંડી ઓફિસિયલ્સને કરોડોની કમાણી કરાવી આપતું ફોર્મેટ આપ્યું તેવા માર્કેટિંગ અનેે બ્રાન્ડીંગ ડ્રીમ મરચંટ લલિત મોદી પર ભારતીય ક્રિકેટ બોર્ડે જ સ્પેશ્યલ જનરલ મિટિંગ બોલાવીને ૨૭-૦ મતોથી આજીવન બાન મૂક્યો ત્યારે લલિત મોદીએ ભગ્ન હૃદયે કહ્યું હતું કે મેં આઇપીએલ ક્રિકેટની સ્વપ્નસૃષ્ટિને સાકાર કરી. ક્રિકેટમાં ઇંગ્લીશ ફૂટબોલ લીગની જેમ કોર્પોરેટ જાયન્ટસને આકર્ષવા ક્રિકેટ બોર્ડને અને ક્રિકેટ સાથે સંકળાયેલા તમામને માલામાલ કર્યા પણ તે જ ક્રિકેટ બોર્ડે અને તેના મળતિયાઓએ આઇપીએલનો ફંડા જાણી લીધો પછી મારી જોડે જ પગલુંછણીયા કરતાં પણ ખરાબ વર્તન કરીને દૂધમાંથી માખી ફેંકતા હોય તેમ કાઢી મૂક્યો.
નવાઈની વાત એ છે કે, લલિત મોદીનો દબદબો આઇસીસીના સુપર બોસ કરતાં પણ વધુ હતો. ભારતના જ નહીં તમામ દેશોના બોર્ડ, ક્રિકેટરો, મિડિયા, કોર્પોરેટ જગત અને સેલિબ્રિટીઓ લલિત મોદીના હાથ નીચેના નોકર હોય તેમ કદમબોશી કરતા હતા. લલિત મોદી મેદાનમં ચાર્ટર્ડ વિમાનમા ઉતરતા. તે પછી શ્રીનિવાસન તેની આર્થિક અને અઠંગ રાજકારણી જેવી કૂટનીતિ ખેલીને લલિત મોદીને નબળા સમય અને ગેરરીતિઓનો આબાદ ફાયદો ઉઠાવીને બોર્ડના તમામ એસોસીએશનો, વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો, કોમેન્ટેટરો, મિડિયાને તેના પક્ષમાં કરી લીધા. વિચારો, સમય અને માણસનું દિમાગ કેટલી હદે  વેચાઈ કે બદલાઈ જાય છે.
શ્રીનિવાસનની યોજનામાં સામેલ થતા લલિત મોદીની હકાલ પટ્ટી કરવા ૨૯-૦ મત પડયા બોર્ડના એક સભ્યએ પણ શ્રીનિવાસનના મોદી વિરુદ્ધના ઠરાવમાં હાથ ઉંચો કરીને ના કહ્યું કે, આઇ.પી.એલ. અને બોર્ડની કરોડો આવક લલિત મોદીની બ્રેઇન પ્રોડક્ટને આભારી છે. મજાની વાત તો એ છે કે શ્રીનિવાસન સામે તો નરી આંખે દેખાય તેવી ગેરરીતિ અને મેચ ફિક્સીંગના આરોપ છે છતાં તેના બે જ દિવસ પછી જ ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં કોર્ટની હોદ્દો સ્વીકારી ના શકે તેવી સ્પષ્ટ તાકીદ ેહોવા છતાં બોર્ડના સભ્યોને મતદાન જ ન કરવું પડે તે હદે શ્રીનિવાસનને ક્લીન ચીટ આપી બિનહરીફ વિજેતા જાહેર કર્યા. તેઓ પ્રમુખ તરીકે કોર્ટના ચુકાદા પછી જ બિરાજમાન થઈ શકશે ત્યાં સુધી બી.સી.સી.આઇ પ્રમુખ વગરની રહેશે તો પણ ભારતના વર્તમાન કે ભૂતપૂર્વ ક્રિકેટરો પણ તેઓને કરોડમાં આળોટતા કરનાર મોદીની તરફેણમાં કે શ્રીનિવાસનની વિરુદ્ધમાં હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. રવિ શાસ્ત્રીએ લલિત મોદીની પગચંપી જ બાકી રાખી હતી તેણે જાહેર ફંક્શનમાં હદ થઈ જાય તેવી કોમેન્ટ કરી કે, શ્રીનિવાસનનું ભારતીય ક્રિકેટમાં સીમાચિન્હરૃપ પ્રદાન છે તેની જગ્યાએ હોઉં તો હું પણ રાજીનામું ના આપું.
લલિત મોદી પણ કંઈ દૂધથી ધોયેલા નથી. સમયની થાપટ અને તકવાદીઓની  ચીલઝડપ તે જ તમામ પ્રણેતાઓની નિયતી હોય છે. કદાચ આ જ પ્રકૃતિ છે. વાચક મિત્રો, આપણને લલિત મોદી કે શ્રીનિવાસનની વાત તો તાજી ઘટના હોઈ ટેકો લીધી છે. ‘સ્પિકિંગ ટ્રી’ કોલમમાં જાણીતા મોટીવેટર અંશુલ ચતુર્વેદીએ  જણાવ્યું છે કે  ‘ટાઇમ ઇઝ ધ કિંગ, આમ જ થાય, થતું રહ્યું છે અનેહજુ સનાતન સત્યની જેમ થશે’ તેના પર પ્રકાશ ફેંકતા તેણે એવો આત્મબોધ આપ્યો છે કે , ”ખરેખર જે કોઈ એમ કહે છે કે જુઓે ને મારી જોડે મારા સાથીઓ કે દુનિયાએ કેવો દગો કર્યો મેં તેને (કે તેઓને) પા પા પગલી પાડતા શીખવાડયું, જીવન દ્રષ્ટિ પૂરી પાડી, ખરાબ સંજોગોમાં આર્થિક મદદ કરી. તેને આત્મઘાતી સ્થિતિમાંથી બેઠો કર્યો. ગામઠી શૈલીમાં કહીએ તો તેને લેંઘાનું નાડુ બાંધતા પણ શીખવાડેલું અને હવે પાંખો આવતા જ ઉડી ગયો. ઉડી ગયો તે તો ઠીક પણ સૌથી પહેલાં મારી પાંખો કાપી નાખી. મને રઝળતો કરી દીધો મને છેહ દીધો. મારું સ્થાન- સ્વપ્ન હવે તેણે ઝૂંટવી લીધું.” વગેરે.
લલિત મોદીનો ક્રિકેટ બોર્ડના સભ્યો, ક્રિકેટરો, ફ્રેન્ચાઇઝીઓથી માડી બધા માટે આવો નિઃસાસો કાયમ રહેવાનો.
આમ તો પ્રાચીન યુગથી આવા અગણિત ઉદાહરણો જોવા મળશે વધુ કેટલાક તાજા પ્રસંગો લઈએ તો ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી પર મહોર લાગવા સાથે જ અડવાણીએ પણ લલિત મોદી જેવો જ આઘાત અનુભવ્યો કે ભાજપની કોઈ નોંધ નહોતું લેતું ત્યારથી પરસેવો અને લોહી રેડીને તેને એક રાષ્ટ્રીય સબળ પક્ષ તરીકે પ્રસ્થાપિત કર્યો. આ જ મોદીને બીમાંથી વટવૃક્ષ જેવું બનાવવા તેનુ સિંચન કર્યું, તેને વિપરીત અને ગાદી જાય તેવા સંજોગોમાં બચાવ કરીને મુખ્ય પ્રધાન તરીકે જારી રાખતી ભૂમિકા ભજવી હતી અને હવે જ્યારે મંડપને સુશોભિત રીતે શણગાર્યો છે ત્યારે વરરાજા તરીકે મારી જગાએ મારી જોડે વાત કરીને ધન્યતા અનુભવતો હતો તે શિષ્ય વરમાળા પહેરે છે ? તે માટે પણ જે સૌના બાળોતિયા સાફકરતો હતો તેવા ચેલાઓએ બહુમતીથી મારો એકડો કાઢી નાખ્યો ?
ખરેખર તો લલિત મોદી કે અડવાણીનું આ અજ્ઞાાન જ કહેવાય. ધીરી બાપુડિયા, મુઝ બીતી તુજ બીતશે કહેવત જાહેર જીવનાં પ્રવેશેલ તમામે યાદ રાખવા જેવી છે.
તમે કલ્પના કરી શકો કે જેણે એપલ કંપનીને બ્રાન્ડ અને તેની પ્રોડક્ટને ખરા અર્થમાં વનમેન શૉની જેમ વિશ્વમાં ધજા પતાકા લહેરાવ્યા તે એપલે જ તેના સ્થાપક સ્ટીવ જોબ્સની કંપનીમાંથી હકાલપટ્ટી કરી હતી. ફરી તેઓએ જહેમત બાદ કંપનીમાં પગરવ કર્યો હતો.
અત્યારે સ્ટીવ જોબ્સ જેવા જ ૨૧મી સદીમાં વિશ્વને લઈ જવામાં જેનું યોગદાન છે તેવા લેજન્ડરી બિલ ગેટ્સ હવે માઇક્રોસોફ્ટમાંથી હટી જવું જોઈએ તેવી માગ કંપનીના રોકાણકારોમાં પ્રબળ બની રહી છે. તેઓનું કહેવું છે કે હવેના જમાનામાં ગેટ્સ નવી પેઢીને ગેજેટ્સ કે પ્રોગ્રામ આપી શકે તેવા સક્ષમ નથી. ગેટ્સ લલિત મોદી કે અડવાણી જેવી ફરિયાદ નથી કરતા.
થોડા ભૂતકાળમાં જઈએ તો બ્રિટનના પ્રમુખ ચર્ચિલનો વિશ્વ ફલક પર કેવો પ્રભાવ હતો તે બધા જાણે છે. ચર્ચિલે બ્રિટનનો મિજાજ અને ગૌરવ ઘડયું તેમ કહીએ તો સ્હેજ પણ અતિશયોક્તિ ન કહેવાય. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનનો દબદબો અને જુસ્સો ચર્ચિલના નેતૃત્વને આભારી હતો. તેના સુવાક્યો અમર થઈ ગયા. પ્રચંડ મેદની જમા કરવા ચર્ચિલની હાજરી પૂરતી હતી. આ જ ચર્ચિલ બીજા વિશ્વયુદ્ધ પછી રાજનીતિમાં કટ ટુ સાઇઝ થઈ ગયા હતા. ચૂંટણીમાં પણ તેમને ભારે જાકારો મળેલો.
એમ તો આપણા આઝાદીના ઇતિહાસમાં ગાંધીજીનો આદર જળવાયો છે. બાકી તેમના અંતિમ વર્ષોમાં, ભારતની આઝાદીના કાઉન્ટડાઉન દૂરથી દેખાતા હતા ત્યારે જ ગાંધીજીને પણ સાથીદારોએ ‘સાઇડ ટ્રેક’ કરીને  મુત્સદ્દીગીરીથી નજરઅંદાજ કર્યા જ હતા.
કદાચ ગાંધીજી વધુ જીવ્યા હોત તો  તેઓનો આદર રહ્યો હોત કે કેમ તે પણ પ્રશ્ન છે. ગાંધીજી પોતે પણ આ વેદના અનુભવતા હતા.
એવું કહી શકાય કે, તમે તમારી ભૂતકાળની પ્રતિષ્ઠા કે પ્રભાવના જોરે હંમેશા ટકી ના શકો.
લલિત મોદીએ કોઈને ફેંકી દીધો હશે અને તેણે બીજાનું સ્થાન લીધું હશે. હવે આજે શ્રીનિવાસન છે અને કાલે તેનો વારો આવશે.
માની લો કે, ગંદી રાજનીતિ ન ખેલાય તો પણ જૂની પેઢીની વ્યક્તિએ બદલાતા સમયને સ્વીકારીને પોતાના પર જ્ઞાાન લાધવું જોઈએ. જેમ કે, શું અડવાણી નવી પેઢીના મતદારો જોડે કનેક્ટ થઈ શકે ખરા ? કાર્યકરોમાં તેમના નામકરણથી ઊર્જા સંચાર થાય ખરી ? માત્ર પક્ષને વટવૃક્ષ બનાવવાના સાક્ષી અને શ્રમિક રહ્યા એટલે જ તેમને વડાપ્રધાન બનાવાય ? શું તેમણે એટલા માટે જ તે જ લક્ષ્ય સાથે આ ભાજપ યજ્ઞા આરંભ્યો હતો ?
તેંડુલકર પણ અત્યારે આવું જ લાગણીનું શોષણ કરી રહ્યો છે. તેંડુલકર મહાન લેજન્ડ છે એમાં બેમત નથી પણ તેના ભૂતકાળના પ્રદાના જોરે પોતે એમ વટ કે સાથ કહેતો ફરે કે ‘મારી ઇચ્છા થશે ત્યારે નિવૃત્તિ લઈશ બોર્ડ કે બાહ્ય દબાણવશ નહી થાઉં’ તેંડુલકર તેના આગવા ફોર્મમાં હોત તો તેને આમ કહેાનો હક્ક છે પણ બે વર્ષમાં માંડ એકાદ સદી ફટકારી શક્યો છે. તેની સરિયામ નિષ્ફળતાથી બધા વાકેફ છે. જો પોતાના કંગાળ ફોર્મથી સેહવાગ, ગંભીર બહાર રહેતા હોય તો તે કઈ રીતે ટીમ ગેમમાં અંગત રીતે ધરાર ટીમમાં રહેવાનો દાવો કરી શકે ? અત્યારે તેંડુલકર એવું માને છે કે તેને નિવૃત્તિ માટે દબાણનું વાતાવરણ સર્જી બોર્ડ, મિડિયા અને ચાહકોનો એક વર્ગ તેના પ્રદાનને ‘થેંકલેસ’ બનીને ભૂલી રહ્યા છે પણ ખરેખર સમજવાનું તેણે છે કે તેનો સમય હવે પૂરો થઈ ગયો છે. ધોની અને કોહલી નવા હીરો છે અને તમે એટલે તો પ્રદાન નહોતા કરતા રહેતા કે ભવિષ્યમાં હોદ્દો, નામના કે સ્થાન ટકાવી રાખવા માટે એ પ્રકારની સોદાબાજી કરો.
રાજનીતિ કે કોઈ પણ પરફોર્મિંગ ફિલ્ડમાં પેઢી દર પેઢી આઇકોન બદલાતા જ રહેવાના. અમિતાભ બચ્ચન હવે રણબીર કપુરના રોલની અપેક્ષા ના રાખે. ધારો કે તેવા નખરા કરવા જાય તો ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ તેનું ઉદાહરણ છે.
એક-બે દાયકા પહેલાના બહોળો વાચક વર્ગ ધરાવનાર લેકોની કૃતિઓ અને નિર્માતાઓની ફિલ્મોને આજે સાવ ઠંડો પ્રતિસાદ પણ મળે. તેમાં કોઈએ નિરાશ થવાની જરૃર નથી. રિમેક, ફ્યુઝનનો એટલે તો જન્મ થયો. સમય સમય બલવાન છે. તમામ ક્ષેત્રોમાં એક જમાનાના માંધાતાઓ પ્રત્યેક બદલાતી જતી પેઢીના માનસપટથી જોજનો દૂર થતા જાય છે. હા, દસ્તાવેજી બુલંદ હોઈ શકે પણ તે રીસર્ચ, રેફરન્સ સુધી જ સીમીત રહે છે.
…અને છેલ્લે મોટિવેટરે આપેલું ચોટદાર ઉદાહરણ ઃ ‘ચક દે ઇન્ડિયા’માં અશક્યમાથી શક્ય બનાવનાર હોકી કોચ કબીરખાન (શાહરૃખખાન) જેવી ભારતની ટીમ ચેમ્પિયન બને છે અને ઉજવણીના ફોટાઓ મિડિયા ખેંચવા માટે પડાપડી કરે છે ત્યારે તે ગુ્રપ ફોટા વખતે હોતો જ નથી. કેમ ? કેમ કે તેણે ટીમને ચેમ્પિયન બનાવવાનું લક્ષ્ય જ સેવેલું. તેણે આ સ્વપ્ન એટલે નહોતું સેવ્યું કે તેની વાહવાહ થાય. મિડિયા દસ્તાવેજ- ઇતિહાસમાં તેનું નામ અંક્તિ અને રોશન થાય. તેણે તો માત્ર તેની જાતને સિદ્ધ કરવા સાવ નિષ્પ્રાણ, નિસ્તેજ, દિશાહિન ટીમને વિજેતા બનાવવાનો પડકાર ઝીલ્યો હતો તે પુરો થયો બસ…
આપણે પણ આ જ જ્ઞાાન મેળવવાનું છે કે યાત્રા મંઝિલ મળતા શરતી કે કિંમત વસુલ કરતી ન બની જવી જોઈએ.
* * ** * *
”કેટ કેટલા વરસ ?
છીપે ના કેમ આ જૂની તરસ ?
તન- મનની માયાના તોલે મનના અશ્વ હઠીલા
પહાડ ઉપરથી ઢળે ધોધ, ના મળે લગીરે બોધ
કોની રાહમાં બેસી રહ્યા પીળું પરાણ ?
કેટકેટલા વરસ !
છીપે ના કેમ હજી તરસ
કેટકેટલા વરસ !”
કવિ રમણ વાઘેલાની ‘જિજિવિષાનું ગીત’ કાવ્યની કેટલીક પંક્તિઓનો માનવે મર્મ પામવાનો છે.

Courtesy: વિવિધા – ભવેન કચ્છી@GujaratSamachar.com

From → Self Help

2 Comments
 1. Khub j saras ane mann ni vat kahi che tame…..i am reading first time… but like it….Minesh Shah, Dubai, UAE

  Like

  • Thank you very much dear.
   but this is not my own writing it is one of the article from Gujarat Samachar, Daily News Paper of Gujarat.

   Like

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: