Skip to content

નોબેલ પ્રાઈઝના નકશામાં ભારત ન કશામાં by ભવેન કચ્છી

13/10/2013

This is really a big issue for the development of India. because we are very very very much backward in terms of innovation and if we don’t take this issue seriously it will create a huge problem for us in future!!!!!

think about this……….

આ૫ણે ત્યાં દેવાલય અને શૌચાલયનો વિવાદ ચાલતો હતો ત્યારે અમેરિકા, યુરોપીય દેશો અને ચીન તેમના દેશનાં અપેક્ષીત નોબેલ પ્રાઈઝના લક્ષ્યાંક પાર પડયા કે નહીં તેની તંદુરસ્ત તુલનામાં ગળાડુબ હતા. આ વખતે સ્ટેમ સેલ, ગોડ પાર્ટિકલ્સના ઐતિહાસિક સંશોધનની આગેકૂચ બદલ મેડિસિન અને ફિઝિક્સના નોબેલ પ્રાઈઝ જાહેર થયા. બરાબર આ જ અરસામાં બ્રિટનની કંપનીએ મેલેરિયાની રસી બે વર્ષ સુધીમાં પ્રાયોગિક ધોરણે બની જશે તેવી અભૂતપૂર્વ જાહેરાત કરી છે.
આપણા કોઈ નેતાઓ ભારતની યુવા પેઢીને નોબેલ પ્રાઈઝ જીતવા જેવું માનવજગતમાં પ્રદાન કરો તેવી હાકલ કેમ નથી કરતા?
રાહુલ ગાંધી હજુ દલીત રાજનીતિના જ નિવેદનો કરે છે તો મોદી યુવાઓને ગાંધી પરિવારવાદને ખતમ કરવા પાનો ચઢાવે છે. આપણુ માનસ અને કલ્ચર પણ જાણે કરપ્ટ થઈ ગયું છે. આપણે રાજનીતિ, ફિલ્મ, સમસ્યાઓ, ધર્મથી માંડી શ્રૃંગાર રસ અને ગુનાખોરીની લૂઝ ટોક જ કરીએ છીએ.
આપણને ભારતમાં નોબેલ પ્રાઈઝ કક્ષાના શોધ-સંશોધન કેમ નથી થતા, તેના માટે નાગરિક-કોર્પોરેટ-સરકાર કઈ રીતે સંકલન સાધી શકે તેની ચર્ચા ક્યારેય છેડવાની ઈચ્છા નથી થતી.
અમુક અપવાદોને બાદ કરતા વિશ્વમાં ‘મેઈડ ઈન ઈન્ડિયા’ની કોઈ પ્રોડક્ટ ધૂમ મચાવતી હોય તેવું ચીન જેવું સ્વપ્ન કેમ ખોંખારીને જાહેરમાં કોઇ નથી સેવતુ.
વિદેશમાં વસતા ભારતીયોની સિધ્ધીથી આપણે સૌ વાકેફ છીએ. આના પરથી એ જ પુરવાર થાય છે કે આપણી પ્રજામાં ભરપુર ક્ષમતા અને ટેલેન્ટ છે પણ તે પૂરવાર કરવા, પાંગરવા માટેનું વાતાવરણ ભારતમાં નથી.
ભારતમાં મની માઈન્ડેડ વાયરસ છે જે ડેન્ગ્યુ કરતા ખતરનાક છે. ડેન્ગ્યુ તો સિઝનલ છે.
ભારતના ટેલેન્ટેડ ડોક્ટરો કોર્પોરેટ હોસ્પિટલોના ધંધામાં પડી ગયા છે. વિદેશીઓ જે દવા, મશીનો કે સર્જરીની શોધ કરે તેનો તેવો ઇંતેજાર કરે છે અને પછી હવે આ દવા કે સર્જરી આપણે ત્યાં પણ ઉપલબ્ધ છે તેનો પ્રચાર કરી ધંધો આગળ ધપાવે છે. તેવું જ સાહિત્ય, શિક્ષણમાં ધંધાદારીકરણ હદ વટાવી રહ્યું છે. વિદેશમાં પણ એવું જ છે છતાં ત્યાં જુદા જુદા ક્ષેત્રોમાં સમાંતરપણે એવા વ્યવસાયીઓ, વિદ્યાર્થીઓ છે જેમને કંઈક વિશિષ્ટ પ્રદાન કરવું છે. વિશ્વ પ્રણેતા બનવું છે. અમેરિકા, યુરોપિય દેશોની લીડરશીપ, શિક્ષણ પધ્ધતિ, શિક્ષકો (ફેકલ્ટી)ની ગુણવત્તા સંશોધન માટેના લાઈબ્રેરી, દસ્તાવેજો, લેબ જેવા સોર્સનું આપણે નિરિક્ષણ કરવું જોઈએ. વિદેશી કોર્પોરેટ જાયન્ટ્સ અને હસ્તીઓ નિઃસ્વાર્થ તેમની અબજોની સંપત્તિમાં શિક્ષણ, જ્ઞાાન અને સંશોધન માટે દાન આપે છે. ભારતની એકપણ યુનિવર્સિટી વિશ્વની ટોચની ૨૦૦ યુનિવર્સિટીમાં સ્થાન નથી ધરાવતી તે જાણો છો? વિશ્વની ટોચની યુનિવર્સિટીઓની સ્થાપનાની પાછળ પણ માનવજગત માટે ઉદાહરણીય પૂરવાર થાય તેવી સત્ય સ્ટોરી છે. આપણા કોર્પોરેટ હસ્તી કે શ્રીમંત ભલે યુનિવર્સિટી, કોલેજ કે ઈવન બાલમંદિર પણ સમાજને ભેટ ના આપે પણ માની લો કે કોઈ ભાવિ જીનિયસ બની શકે તેવો વિદ્યાર્થી તેની પાસે આવે તો નોંધપાત્ર રકમનો ચેક તેને માટે લખવા તૈયાર છે ખરા? વિદેશના કોર્પોરેટ શ્રીમંતોએ તેમના દેશ અને અન્ય વ્યવસાયીઓની ટીકા કરવાની જગાએ પોતે સદ્ભાવનાનાં દીપ પ્રગટાવ્યા છે. આપણી કોર્પોરેટ હસ્તીઓએ સ્થાપેલી શૈક્ષણિક સંસ્થા સમાજ પ્રત્યેના ઋણ માટે નહીં પણ ધંધાના વિસ્તૃતિકરણ કે ડાઈવર્સિફિકેશન માટેની છે. નોબેલ પ્રાઈઝ કમિટિના સેક્રેટરી જનરલ ગોરાન હાન્સોને ભારતમાં સ્વકેન્દ્રી મની માઈન્ડેડનેસ જ પ્રવર્તે છે અને સર્જનાત્મક, સંશોધન માટેની જવાબદારી આપણા સીવાય બીજા બધાની છે તેવા માનસને આડકતરી રીતે જવાબદાર ઠેરવતા કહ્યું છે કે જે રીતે વિશ્વમાં ભારત આર્થિક તાકાત બની રહ્યું છે તે જોતા ભારતને હવેના વર્ષોમાં નોબેલ પ્રાઈઝ મળવા જોઈએ. ભારતીયોની વિદેશમાં તમામ ક્ષેત્રોમાં અસાધારણ પ્રતિભા પૂરવાર થઈ ચૂકી છે. તેમણે બાયોમેડિકલ સંશોધનો અને રીસર્ચ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ગવર્નન્સ પર ભાર મૂક્યો હતો. ઘણા આર્થિક સધ્ધરતાની ફરિયાદ કરતા હોય છે. પણ, હાન્સોનના જણાવ્યા પ્રમાણે જો તમારો પ્રોજેક્ટ નવતર અને સંગીન હોય તો તેને વિશ્વભરમાંથી ફંડ મળી જ જતું હોય છે. હવે તો બે કે વધુ દેશના સંશોધકો સંયુક્ત રીતે પ્રોજેક્ટ હાથ ધરતા હોય છે. તમારી બૌધ્ધિક ભાગીદારી જ હોવી જરૃરી છે.
નોબેલ પ્રાઈઝ કમિટિના પ્રભાવી મેમ્બર જાન-ઈન્ગે હેન્ટરે ભારતના સંદર્ભમાં એવો મત પ્રગટ કર્યો કે સરકાર, કોર્પોરેટ અને કલ્ચરનું પીઠબળ તો મહત્ત્વનું છે જ, પણ અંતે તો નોબેલ પ્રાઈઝ કોઈ વ્યક્તિ મેળવતી હોય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ તેની વસ્તીના ૬૫ ટકા યુવાધન ધરાવતો દેશ છે. ભારતના યુવાનોમાં નોબેલ પ્રાઈઝ જીતવાનું સ્વપ્ન આરોપીત થવું જોઈએ.
હેન્ટરે એમ પણ સુચન કર્યું કે ભારતે અમેરિકા અને જર્મનીના રીસર્ચ બેકગ્રાઉન્ડ અને વિજ્ઞાાન સંસ્થાઓ કઈ રીતે ચાલે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. ભારત સરકારે અને શ્રીમંતોએ રીસર્ચ પાછળ રોકાણ કરવાની જરૃર છે.
ભારત ધંધાદારી, સ્વકેન્દ્રી અને મની માઈન્ડેડ છે તેવું થોમસન રોઈટર્સે તેના અભ્યાસ દ્વારા પૂરવાર કર્યું છે. ચીન અને ભારત જો હાલ એશિયાની અને ભાવિ વિશ્વની આર્થિક તાકાત મનાતા હોય તો ભારતના શરમજનક સંશોધન પ્રદાનને પણ જાણી લો. વિશ્વમાં કુલ જે પણ સંશોધન થાય છે તેમાં ભારતનું યોગદાન ૩.૫ ટકા જ છે. વિશ્વના મેડિકલ કે ક્લીનિકલ સંશોધનોમાં ભારતનું પ્રદાન ૧.૯ ટકા, મનોચિકિત્સા સંદર્ભના સંશોધનમાં ૦.૫ ટકા, ન્યુરોસાયન્સમાં ૧.૪ ટકા, રોગ પ્રતિકાર શક્તિ અંગેના ઈમ્યુનોલોજી સંશોધનમાં ૧.૮ ટકા, મોલેક્યુલર બાયોલોજીમાં ૨.૧ અને પર્યાવરણ સંબંધી વિશ્વના કુલ સંશોધનમાં ભારતનું ૩.૫ ટકા જ પ્રદાન છે. સ્વ. રામાનુજમ જેવા જીનિયસ ગણિત શાસ્ત્રીના ભારતનું વિશ્વના ગણિતના સંશોધનોમાં માત્ર ૨ ટકા જ યોગદાન છે. જે આંક ચીનનો ૧૭ ટકા છે.
મટિરિયલ સાયન્સના રીસર્ચમાં ભારતનો હિસ્સો ૬.૪ ટકા છે. ચીનનો ૧૯૯૬માં આ અંક ૫ ટકા હતો આજે ૨૬ ટકા થઈ ગયો છે.
જોવાનું એ છે કે વિદેશમાં યોજાતી ગણિતની ઓલિમ્પિયાડ, સ્પેલિંગની સ્પર્ધા કે સ્કુલ-કોલેજની ટોપર્સમાં મુળ ભારતીયો વિદેશમાં ધૂમ મચાવે છે. મિસ અમેરિકા પણ એક ભારતીય યુવતી બની શકે છે. ઓબામાની અંગત પોલિટિકલ ટીમમાં નિતિવિષયક નિર્ણય લેનારા ભારતીય છે. અમેરિકાની સર્વોચ્ચ કોર્ટમાં ટોચના જજ પણ ભારતીય છે. બ્લેક બેરી કંપની ખરીદવા માંગતા પ્રેમ વત્સ હોય કે વિશ્વને સાઉન્ડની સૂરાવલી ભેટ આપનાર સ્વ. બોસ ભારતીય છે. સુનિતા વિલિયમ્સને પણ ઉમેરી દો. આવી તો લાંબી યાદી બનાવી શકાય.
અમેરિકા ૩૪૪ નોબેલ પ્રાઈઝ વિજેતા સાથે વિશ્વમાં મોખરે છે. બ્રિટનને ૧૧૯, જર્મનીને ૧૦૪, ફ્રાંસને ૬૫, સ્વીડનને ૩૦, સ્વીત્ઝર્લેન્ડને ફાળે ૨૬, રશિયાને ૨૭, પોલેન્ડને ૧૬, નેધરલેન્ડને ૧૯, જાપાનને ૨૦, ઓસ્ટ્રીયાને ૧૯, ઈટાલીને ૨૦, ઈઝરાયેલને ૧૦, આયર્લેન્ડને ૯, હંગેરીને ૧૨, ડેન્માર્કને ૧૪, ચીનને ૮, વેલ્જીયમને ૧૨, ઓસ્ટ્રેલિયાને ૧૩ નોબેલ પ્રાઈઝ મળ્યા છે. આમાંના ઘણા દેશો તો આપણા રાજ્ય જેવડા કે તેનાથી નાના છે.
ભારતને સાત નોબેલ પ્રાઈઝ જ મળ્યા છે. જેમાંથી વેંકટરમન (કેમેસ્ટ્રી, ૨૦૦૯), હરગોવિંદ ખુરાના (ફીઝીયોલોજી, ૧૯૬૮), સુબ્રમણ્યમ ચંદ્રશેખર (ફિઝિક્સ, ૧૯૮૩) તો અમેરિકામાં સ્થાયી થયા અને કર્મયજ્ઞા ત્યાં જ સંપન્ન કર્યો છે. આ ઉપરાંત અમર્ત્યસેન (અર્થશાસ્ત્ર, ૧૯૯૮), મધર ટેરેસા (તેઓનો જન્મ મેસેડોનિયામાં થયો હતો. ૧૯૭૯માં શાંતિનું નોબેલ મળેલું) છે.
આઝાદી પૂર્વે ટાગોરને ૧૯૧૩માં (સાહિત્ય) અને સી.વી. રમનને (ફિઝિક્સ) ૧૯૩૦માં એવોર્ડ મળ્યો હતો.
આમ ખરા અર્થમાં ભારતમાં રહીને ભારતથી જ નોબેલ મેળવનાર આઝાદી પછી એકપણ વિજ્ઞાાની આપણે વિશ્વને ભેટ નથી આપ્યો. હા, ગાંધીજીને નોબેલ નથી મળ્યું તેનો પશ્ચાતાપ વર્તમાન નોબેલ કમિટિને પણ છે. અલબત્ત, આજની આપણી ચિંતા શોધ-સંશોધનના સંદર્ભમાં વિશેષ છે. માની લો કે નોબેલ પ્રાઈઝ આપણો આખરી માપદંડ ના હોય તો પણ આપણા વિદ્યાર્થીઓ કોઈપણ વિષયમાં કન્સેપ્ટ સાથે અભ્યાસ નથી કરતા તે હકીકત છે. આપણી સીસ્ટમ પહેલાં પગાર કેટલો? ઘરનું ઘર, મજ્જાની લાઈફ, પૈસા થકી કમ્ફર્ટ તે જ પ્રગતિ તેવી થઈ ગઈ છે. કોઈપણ શોખ, અભ્યાસ, રસનું કામ લેતા પહેલા ”આપણને આમાં શું મળશે?” તે ગણતરીથી જ તેનું ખાતમુહૂર્તનું ભાવિ રહે છે. દુનિયા સંશોધન કરે અને આપણે ઉપભોગ કરીએ તેવી મેન્ટાલીટી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું તેઓ જે રીજેક્ટ કરવા મથામણ કરી રહ્યા છે તેને આપણે ગૌરવપૂર્વ અપનાવી લીધુ, પણ તેઓની તાકાત, મહાન બનાવતી ખાસિયતોના ગુણગાન ગાઈને જ અટકી જઈએ છીએ.
‘ગોડ પાર્ટિકલ’નું સંશોધન કરનાર વિજ્ઞાાની હિગ્સ ૮૪ વર્ષના છે અને તેના સાથી એન્ગલર્ટ ૮૧ વર્ષના છે. તેઓએ છેક ૧૯૬૪થી આ વિચારબીજ પર સંશોધનનો યજ્ઞા પ્રારંભ્યો હતો. એટલે કે તે વખતે બંનેની વય અનુક્રમે ૩૫ અને ૩૧ વર્ષની હતી. શું કોઈ ઋષિ તપ કરે તેને જ તપ કહેવાય? આ વિજ્ઞાાનીઓને કર્મના ફળ અને મોક્ષના તત્ત્વજ્ઞાાનની જ કદાચ ખબર નથી. આવા સંશોધનો માટે અબજોનું ફંડ એક જ ચેકથી આપી દેતા વિદેશી શ્રીમંતો ‘અનાસક્તિ’ સદેહે-વિદેહી જેવું ભારેખમ તત્ત્વજ્ઞાાન પણ નથી જાણતા. આપણે ભક્તિ અને જ્ઞાાનયોગથી અટકીને કર્મયોગમાં પ્રવેશતા જ નથી.

Courtesy: હોરાઈઝન – ભવેન કચ્છી @ GujaratSamachar.com

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: