Skip to content

આ અબ લૌટ ચલે – by ભવેન કચ્છી

22/12/2013

અમેરિકામાં  વર્ષો વીતાવ્યા પછી ઢળતી ઉંમરે એક સ્નેહીએ બાકીનું જીવન ભારતમાં તેમના વતનમાં વીતાવવાનો નિર્ણય કર્યો. શરૃના દિવસો તો કુટુંબીઓ અને મિત્રોને મળીને તેનું હૈયુ લાગણીથી ભરાઈ આવ્યું. દિવાળી અને લગ્નોની રંગત માણતા તેઓ ભાવવિભોર બની ગયા. ‘ખુશ્બુ વતન કી’ અને ‘ઈસ્ટ ઔર વેસ્ટ ઈન્ડિયા ઈઝ ધ બેસ્ટ’ જેવો મિજાજ તેઓ ધારણ કરી બેઠા હતા. ”અમારા અમેરિકામાં તો બધા ડોલરના જ પૂજારી. માનવતા-સામાજિક સંબંધોનું મૂલ્ય જ કોઈ સમજતું નહીં હોઈ જીવનમાં ખાલીપો અને ડીપ્રેશન અનુભવાય. જ્યારે ઈન્ડિયામાં તો હૂંફ અને સપોર્ટ સિસ્ટમનો મહિમા દેખાય છે.”
મોટાભાગના એનઆરઆઈ બે-ત્રણ અઠવાડિયા આવતા હોઈ ભારતની રોજીંદી દુનિયામાં વણાયા પછીની હાડમારી અને હડધૂતાઈનો અનુભવ કરતા નથી હોતા. તેઓને મહેમાન જેવો દરજ્જો અને માન-પાન મળતા હોય છે. અહીંની બેંકો, ઓફિસ, ટ્રાન્સપોર્ટ, જાહેર સેવાની સિસ્ટમ જોડે કામ કરવાનો પ્રસંગ તો ખાસ બનતો નથી. ૧૫-૨૫ દિવસ આવતા હોઈ ઉત્સાહી સગા-સ્નેહી તેમને કારમાં બેસાડીને ફેરવે છે. તો ઘણા ભાડેથી ડ્રાઈવર સાથે કાર લઈ લેતા હોય છે. તહેવારો, પ્રસંગો વખતે જેટલી સહેલાઈથી અને સહજતાથી વિશાળ કુટુંબના ૧૦૦-૧૫૦ વ્યક્તિઓ ભેગા થઈ જાય છે તેમાં સામેલ થઈને એનઆરઆઈ લોગ (કમ્યુનિટિ) અમેરિકાની (વિદેશની) તેની જીંદગી જાણે એળે ગઈ તેમ નિઃસાસા સાથે જીવ બાળે છે. તેને હંમેશાં એવું થાય છે કે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાનો તેનો નિર્ણય મહામુર્ખામી નહોતી ને. ભગ્ન હૃદયે આંખોમાં અમેરિકા અને હૃદયમાં ભારતને સાથે તે પરત જાય છે.
પણ આપણે લેખની શરૃઆતમાં જે એનઆરઆઈ સ્નેહી ભારતમાં નિવૃત્ત જીવન વીતાવવા આકર્ષાયા છે તેની વાત કરવાની છે.
ભારત આવ્યા પછી શરૃનો એકાદ મહિનો તો અન્ય એનઆરઆઈ પ્રવાસી જેવો વીતાવ્યો. પણ તરત જ સમજાઈ ગયું કે આ તો હનીમૂન હતું. તે વિદેશમાં બેઠા ભારતની કલ્પના કરે છે તેના કરતાં તેમના વતનના (દેશ કે રાજ્યના) માણસો પૈસો કમાતા થયા હોઈ બદલાઈ ગયેલા લાગે છે. બધા ટેકનોલોજીથી સજ્જ વૈશ્વિક માનવી બની ગયા છે. વિદેશી બ્રાન્ડના કપડાં, ખાણી-પીણી અને શોપિંગ હવે ભારતના ગામડા માટે પણ કૌતુક નથી રહ્યું. અમેરિકામાં અમારા હાથમાંથી ડોલર ઝડપથી છૂટતો નથી. જ્યારે અહીં તો પર્સમાં રૃપિયાના બંડલો અને ક્રેડિટ કાર્ડનો પાવર અને છૂટો હાથ જોઈને એવું લાગે છે કે ”ઈન્ડિયા શાઈનિંગ” કે ”ઈન્ડિયા ચેન્જીંગ.”
અઢી દાયકા પહેલાં તો એનઆરઆઈને વિશિષ્ટ આદર અને પ્રભાવિત નજરે બધા જોતા. બધા કરતા તેઓ તેમના કપડાં, સ્ટાઈલ, ચામડીની ચમક અને ખાસ લઢણથી ગુજરાતી બોલતા હોઈ રોલો પાડતા હતા. હવે વિદેશ પ્રવાસ, પ્રવાસી કે એનઆરઆઈ આવો માન-મોભો નથી ધરાવતા. તે રીતે તેઓને મહત્વ ના મળતું હોઈ ‘અહમ્’ પણ ઘવાય છે.
અમારા સ્નેહીએ નિખાલસતાથી તેમની મનોસ્થિતિનો એકરાર કર્યો. હવે તો ભારતમાં જ સ્થાયી થવા આવી ગયા હતા. તેમણે અનુભવ્યું કે દિવાળીના તહેવાર અને તે પછીના લગ્ન પ્રસંગે છૂટા પડયે એકાદ મહિનો થયો તેને ખાસ કોઈ સ્નેહી-મિત્રોએ ફોન કરીને ખબર-અંતર નહોતા પૂછ્યા. આના કરતાં તો વિદેશમાં હતા ત્યારે વધુ ફોન, ફેસબુક અને ચેટ પર મળતા હતા. એપાર્ટમેન્ટમાં રહે પણ મોટાભાગના અન્ય રાજ્યોના નોકરિયાત દંપતી હોઈ સવારના ૯થી મોડી સાંજ સુધી તેમના ત્રણેક ફ્લોર વચ્ચે એકલા પોતે જ રહે. અખબારોમાં સિનિયર સિટિઝન પર બંગલામાં થતા જીવલેણ હુમલાઓ અને ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વાંચીને ફફડી જતા હતા. તેઓ એટલું પામી ગયા હતા કે અમેરિકાની જેમ જ સગા-પાડોશીની અપેક્ષા વગર સંકટ સમયે એમ્બ્યુલન્સ બોલાવવાનું કલ્ચર હવે ભારતમાં પણ ઘુસી ગયું છે.
ગુજરાતી કુટુંબો હોય તો પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં એકબીજાને પરિચય, હૂંફ, ઘરોબો નથી જ હોતો. બધા જ બીઝી. હા, લોઅર મિડલ કે મિડલ ક્લાસના રહેણાંક વિસ્તારોમાં, પોળોમાં હજુ પાડોશી અને આત્મિય ભાવ, વાટકી વ્યવહાર જળવાયો છે પણ, જેઓએ આર્થિક અને સામાજીક પ્રગતિ કરી છે તેઓમાં એક પ્રકારની આ સ્નેહીના મતે ‘એરોગન્સી’ આવી ગઈ છે. ”અમારી પાસે પૈસા છે. વગ છે. કોઈની જરૃર નથી.” જેવા મિથ્યાભિમાન અને કેફમાં આ વર્ગ રાચે છે. સરવાળે જેમ વિદેશમાં બધા ડીપ્રેશન, તનાવ અને મનોરોગી જેવા બની ગયા છે તે ચેપ હાથે કરીને ભારતમાં બધા અપનાવી રહ્યા છે. આ સ્નેહીએ જણાવ્યું કે ૧૦-૧૫ વર્ષ ખબર નહીં પડે પણ જ્યારે કુટુંબ, મિત્રો, સમાજ અને પૈસાથી જે નથી ખરીદી શકાતું તે તમે ગુમાવી દેશો ત્યારે પસ્તાશો. આપણા મુર્ખાઓને ખબર નથી કે તમે હાથે કરીને વિદેશી જેવો માનસિક સમાજ ઉભો કરી રહ્યા છો. આ એવી મૂડી છે જે ગુમાવ્યા પછી નહીં મળે.
હજુ તો આ લાગણીશીલ સ્નેહી સંબંધોના ભાગાકાર અને બાદબાકીનો હિસાબ કરવામાં જ વ્યસ્ત હતા. હવે ભારતના પ્રદુષિત હવા-પાણીએ તેનો રંગ બતાવ્યો. રૃ. ૭૦ લાખના એપાર્ટમેન્ટની આજુબાજુ તો ગામ હતું. વખતોવખત ઉભરાઈ જતી ટાંકી, ગટરો અને ગેટની બહાર જ કાદવ મિશ્રિત કચરા, એંઠવાડના ઢગલાઓ તો એ હદે કાયમી કે બધા એપાર્ટમેન્ટનું એડ્રેસ જ સહજતાથી કહેતા કે ”ઉકડરાની સામે!” મોર્નિંગ વૉક કરવા નીકળે તો કૂતરાઓ તેમની વૉકને રનમાં ફેરવી નાંખતા. ગાર્ડનની બહાર પણ ઉકરડા અને દુર્ગંધનો શ્વાસોચ્છવાસ લેવાના. મોર્નિંગ વૉક વખતે જ સફાઈ કર્મચારીઓનો ઝાડુ ફેરવવાનો સમય. અહીં બધા જન્મજાત ટેવાઈ ગયેલા તેથી કોઈને કંઈ અજુગતુ નહોતુ લાગતું પણ સાડા ત્રણ દાયકાથી અમેરિકામાં જ રહેતા હોઈ અમારા આ સ્નેહીને હવા-પાણી માફક ના આવ્યા. દૂધ પણ કેમિકલયુક્ત જણાયું. બિમારી વખતે હોસ્પિટલમાં સગા-સ્નેહીઓએ અમેરિકામાં બેઠા જે ભારતની કલ્પના કરતા હતા તેવો પ્રતિસાદ ના આપ્યો. એવું જ સૂચન થયું કે મદદ માટે બાઈ રાખી લેવાની. ડૉક્ટરો પણ પ્રોફેશનલ બની ગયા છે. અમે તો અમેરિકામાં પ્રત્યેક પ્રસંગે ગૌરવભેર કહેતા કે ”અમારા ભારતમાં તો આમ અને અમારા ભારતમાં તેમ”.
આ સ્નેહીને માટે સૌથી ટેન્શન સર્જતી બાબત અહીંનાં બેફામ, અતિ અમાનવિય, લાપરવાહ વાહન ચાલકો રહ્યા. વાહન ચલાવવાની હિંમત કરવી કે પગથી ચાલીને નીકળવાની તે તેઓ નક્કી નહોતા કરી શકતા. ફૂટપાથ જ ના હોય તેવો આ દેશ છે તેવી ખબર તેને માત્ર બે-ચાર અઠવાડિયા ફરવા આવતા ત્યારે નહોતી પડી. ઝિબ્રા ક્રોસિંગ છે પણ તેને કોઈ વાહન ચાલકો ગણકારતા જ નહીં હોઈ તમારે મોતના ખેલની રમત રમતા હો તેમ ઝડપથી આવતા-જતા વાહનો વચ્ચેથી નીકળતા જવાનું. વિદેશમાં વસેલાઓને તો ચાલતા જ ના આવડે. અચાનક કોઈ જમણી બાજુથી મોટરબાઈક નીકળે તો ડાબી બાજુથી રીક્ષા પસાર થઈ જાય. સામે જ કાર કે સળિયા ભરેલી ટ્રક અચાનક આવીને ઊભી હોય. વાહનો અથડાયા હોઈ ઝઘડાને કારણે ટ્રાફિક જામ થઈ જતો જોયો. ચાલવાની જગ્યાએ કદાચ કારમાં વધુ સલામત રહેવાય તેમ માનીને પ્રૌઢ સ્નેહીએ કારમાં બહાર નીકળવાનું નક્કી કર્યું.
હજુ ત્રણેક કિલોમીટર કાર હંકારી હશે ત્યાં અચાનક છાતીના બે બટન ખુલ્લા રાખીને મોટરબાઈક ચલાવતો છોકરો રોંગ સાઈડમાં સામે જ ‘હેડ ઓન’ આવીને વળાંક લઈને રસ્તો કરવા ગયો અને માંડ બચ્યો. થોડો સ્લિપ થયો તે દરમ્યાન આ એનઆરઆઈ સ્નેહીએ કારમાં બેઠા થોડા ગુસ્સા અને આક્રોશ સાથે એવા પ્રતિભાવ આપ્યા કે ”તું તો મરીશ પણ મને પણ મારીશ.” પેલા ટપોરી જેવા છોકરાએ કારના પારદર્શક કાચમાંથી તેના પપ્પા કરતા પણ મોટી વયના એનઆરઆઈ સ્નેહીને કંઈક બબડતા જોયા, તે સાથે જ પેલો બાઈકચાલક ટર્ન લઈને પાછો આવ્યો. ફરી કારની આગળ બાઈક ઉભી રાખીને નીચે ઉતર્યો. કારના કાચ પર મુક્કા લગાવીને બારી ખોલાવી, અંદર હાથ નાંખી એનઆરઆઈ પ્રોઢ સ્નેહીને કોલરથી ખેંચીને ધક્કો મારતા કહ્યું કે ”શું બોલે છે? નીચે ઉતર બાઈકને નુકસાન થયું છે તે આપ. તને તો ફટકારવાનો છે. એક ફોન કરીશને તો પંદર જણા આવી જઇ. ધોઈ કાઢશે.”
એનઆરઆઈ પ્રોઢ રડી પડયા. તેમનું બી.પી. વધી ગયું. તેમણે માફી માંગી. ટ્રાફિક જામ થતા પેલો મગજ ફરેલ બાઈક સવાર જાણે ઉપકાર કરતો હોય તેમ ગાળો ભાંડતો ચાલ્યો ગયો.
એનઆરઆઈ સ્નેહીએ માંડ સ્વસ્થતા મેળવીને થોડી મિનિટો પછી કાર માંડ મળેલ જગા પર પાર્ક કરીને તરત જ તેના પુત્રને અમેરિકામાં ફોન કર્યો.
ધૂ્રજતા અને રડમશ અવાજે તેણે કહ્યું કે ”બેટા, તું કહેતો હતો તે સાચું પડયું કે પપ્પા એકાદ મહિનાથી વધુ તમે ઈન્ડિયામાં ના રહી શકો. મારી અને તારી મમ્મીની અમેરિકા પરત આવવાની ટિકિટ બુક કરાવી દે. અમે અમેરિકા જ બાકીની જીંદગી વીતાવીશું.”
સ્નેહીએ જતા પહેલા જણાવ્યું કે તમને ખબર છે કે ”અમેરિકામાં સિનિયર સિટિઝનને કઈ હદે માન અપાય છે. તમે રસ્તો ક્રોસ કરવા ઉભા હો તો ગમે તેવી સ્પીડમાં પસાર થતો ટ્રાફિક ઉભો રહી જાય અને તેમાં બેઠેલ કાર ચાલક તમારી સામે વાત્સલ્યભરી નજરે જોઈને તમને રસ્તો પસાર કરવાનો નમ્ર ઇશારો કરે. બાળકોને પણ આવું જ પ્રાધાન્ય મળે. આ રીતે વાત વાતમાં અપશબ્દો, હાથ ઉપાડવા કે અપમાનીત કરવાની તો કલ્પના જ ના થઈ શકે.”
જાહેર સેવા, બેંકો, એરપોર્ટ કે અન્ય ઓફિસોમાં પણ કર્મચારી તમારું કામ સસ્મિત ગણતરીની મિનિટોમાં પૂરુ કરી દે. તેઓ આંખો મેળવીને પ્રેમપૂર્વક જરૃરી હોય તો પ્રક્રિયા સમજાવે. ભારતનું જમા પાસું લાગણીસભરતા અને હૂંફ હતી તેમાં આઘાતજનક પાણી ઓસરી રહ્યા છે. પ્રદુષણ, નાગરિક સૌજન્યતાનું લેવલ ઘણું જ કથળ્યું છે. હાથમાં પૈસા આવી જવાથી, વિદેશી કંપનીઓની ફ્રેન્ચાઈઝીઓ કે મોલ કલ્ચર ઉભુ થવાથી વિકસિત થયા ના કહેવાઈએ. માનવ ગૌરવ જ માપદંડ હોવો જોઈએ.
આપણા વિદેશમાં સ્થાયી થયેલાઓ ભારતમાં સ્થાયી થવા આવે અને હતાશ થઈને ફરી વિદેશમાં જ જવા મજબૂર થાય તે કેવું? આને પણ આમ જોવા જઈએ તો ”આ અબ લૌટ ચલે” જ કહેવાય ને?

Courtesy: હોરાઈઝન – ભવેન કચ્છી @ gujaratsamachar.com

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: