Skip to content

રાજકારણનું કેજરી-કરણઃ ગાંડી કૂકરી, ચતુર ચોપાટ! by જય વસાવડા

20/02/2014

for your information, Jay Vasavada is one the fan of Mr. Narendra Modi. My point of view about this whole issue is that kejriwal may be wrong of he may become a true Indian politician in short period but whatever he is doing now days are very different politics and we as a country need this type of politics now. because he is doing something which leads to corruption free country and it is very much-needed now.

Now enjoy the following article which was published in Gujarat Samachar’s Shatdal on date:19/02/2014.

રેડ હોટ ચિલી પાર્લામેન્ટ.
સમજદાર સિનેપત્રકાર રાજા સેનનું આ સંસદમાં તેલંગાણા વિવાદમાં મરચાં ઉડયા પછીનું તાજાતરીન સ્ટેટમેન્ટ હતું. એકબાજુથી જે અંગે ભારતમાં આઝાદી પછીના પ્રથમ દસકામાં ઉપવાસથી પહેલવહેલું મોત થયું હોય એટલી જૂની અલગ રાજયની માંગણીથી ઉઠેલો ભડકો છે. જે દેશના સાંસદો ચાકુની જેમ માઇક ફેરવતા કે સ્પીકર પર મરચાં ઉડાડતાં મવાલીઓ હોય અને કરપ્શનના લીધે ઓલિમ્પિક એસોસિએશનની માન્યતા રદ થઇ જતાં, જેમાં ખેલાડીઓએ રાષ્ટ્રધ્વજ વિના વિન્ટર ઓલિમ્પિકમાં ચાલવું પડતું હોય, એ  દેશની સરકારો દેવયાની ખોબ્રાગડે જેવા કેસમાં વિદેશમાં આત્મસન્માનની વાત કરે, ત્યારે કોમેડી નાઇટ્સ વિથ કપિલનું પેલું લાફટર બેકગ્રાઉન્ડમાં સંભળાય છે!
અને આવા અફડાતફડીના અંધાધૂંધ માહોલમાં ‘આપ’ની સરકાર ગુમાવીને પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનલોકપાલ બિલના સૂતેલા મુદ્દાને ચીંટીયો ભરી, બેઠો કરીને રાજીનામું આપી દીધું છે. આ ઘટનાનું મહત્વ પહેલી (પેલી તેલંગાણા ધમાલવાળી) ઘટનાના સાથે મૂકશો તો સમજાશે. બ્લેક બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ સ્પોટ પહેલાં ઉઠીને ઉપસે એમ સ્તો!
પ્રાચીન ગ્રીસમાં થોડો સમય એક એવો રિવાજ પણ હતો કે જે નાગરિક નવા કાયદા માટે પ્રસ્તાવ લઇને નગરસભામાં આવે, એણે ગળામાં ફાંસીના ગાળિયા સાથે એક પાટિયા પર ઉભા રહી એ ઠરાવનો પ્રસ્તાવ મુકવાનો. કાયદો પસાર થાય તો ગાળિયો કાઢીને એને માનભેર નીચે ઉતારવાનો. જો કાયદો પસાર ન થાય (એવો બકવાસ કે બેજવાબદાર હોય) તો નીચેનું પાટિયું ખસેડી નાખવાનું અને સમાજની સમય- શકિત- સંપત્તિ વેડફવા બદલ એને સરાજાહેર લાશ બનીને લટકવું પડે! (છાશવારે અશ્લીલતા જેવા ફાલતુ લાગણીદુભાઉ મુદ્દે જાહેર હિતની અરજી કરનારા આંખોમાં સેન્સરની કાતર લઇને ફરતા સંસ્કૃતિ રખોપિયાઓ માટે અદાલતોએ આ નિયમ કરવા જેવો છે!)
કેજરીવાલે જાણીબૂઝીને આ શહીદી વહોરી છે. એટલા માટે નહિં કે એમણે લાવેલી દરખાસ્ત ફાલતુ છે. પણ એટલા માટે કે એ રિજેકટ કરનારા રાજકારણીઓ કેવા ફાલતુ છે, એનો આઘાત પ્રજામાં બરાબર પહોંચાડી શકાય!
પણ આપણા દેશમાં આપણી જ સલામતી માટે સીટબેલ્ટ બંધાવતા કે રીક્ષાના વધુ પેસેન્જર્સને ઉતારી મુકતા પોલીસવાળાઓ પબ્લિકને વિલન જેવા લાગે છે!

કોમન મેન.
આર. કે. લક્ષ્મણના કાર્ટૂનોની બહાર નીકળીને જુઓ તો મરચીના બી ગળી ગયાનો દાહ અંતરમાં ઉઠે અને માઇક્રોવેવ ઓવન જેવી ગુસ્સાની ગરમી આંખોમાં તગતગે એવો ઘાટ છે. આમ આદમીને કેરીના ગોટલાની માફક જ ચૂસવામાં આવે છે. મોટે ભાગે ટીવીમાં બેસીને ચર્ચા કરતાં વિદ્વાનો કે પ્રેસકાર્ડ લઇને છાપામાં લેખો લખતા લેખકો કે આરામથી પગ લંબાવી એ સાંભળીને ઘરમાં દિમાગી ખુજલી વલૂરતા દર્શકો- ભાવકો આ કોમનમેન કેટેગરીમાંથી બહાર આવી, વીઆઇપી થઇ જનારા હોય છે. એમની પ્રગતિથી ચકચકાટ ઝગારા મારતી વાતો એમની જ આસપાસના વિશ્વના મર્યાદિત અનુભવો પૂરતી છે. જેમ શહેરમાં રહેનારા સુંવાળા શ્રેષ્ઠીઓ કે એનઆરઆઇઓ સતત અંગ્રેજીના આક્રમણ અને ગુજરાતી ભાષા બચાવવાની રણહાકો લગાવ્યા કરે છે, અને મોટાભાગના ગુજરાતી ઓડિયન્સને આજે ય અંગ્રેજીમાં બોલો કે લખો તો ‘ટપ્પો જ પડતો નથી’ એ હકીકત નજરઅંદાજ થઇ જાય છે, એમ સ્તો!
રિયલ પિકચર ઇઝ ડર્ટી પિકચર! તમારી કોઇ ઓળખાણ ન હોય, વટ પાડવાનો કોઇ આધાર ન હોય, બહુ ભણતર કે ઘડતર ન મળ્યું હોય કે પૂરતા પૈસા ન હોય એવા કરોડો ‘કોમન હયુમન’ ગણાતા નર-નારીઓનો વિચાર કદી કર્યો છે? બાળમજૂરી વિરોધની સરકારી જાહેરાત જે અખબારોમાં આવે, એ સવારે નાખવા આવતા છોકરાંઓ જ બાળમજૂર હોય છે, એવો તીવ્ર અને તીખો વિરોધાભાસ છે!
આ દેશમાં કંઇ બધા જ લોકો બદમાશ કે ભિખારી નથી. હા, સંયુક્તપણે થોડા અંધશ્રદ્ધાળુ, શિસ્તહીન કે છેતરાઇ જતા ગમાર બેવકૂફો અને ઝટ અંજાઇ જતાં કાચી સમજણવાળા જરૃર છે. પણ લૂચ્ચાલફંગા પરોપજીવી ભૂખડીબારશ નથી. બહુ બહુ તો સતત સંઘર્ષને લીધે જરા સંકુચિત અને સ્વાર્થી છે. એ બધા આવડે તેવી મહેનતમજૂરી કરે છે. પરસેવો પાડે છે. નાની-નાની ચીજો વેંચે છે. ફકત જબાન પર છૂટા પૈસા ગણીને વગર કોમ્પ્યુટરાઇઝડ બિલે પાછા આપે છે. હા, તાલીમના અભાવે ઉત્તમ નાગરિક નથી, પણ નફફટ નાલાયક છે એવું ય નથી! આપણે પેલા સીનસપાટાવાળા રખડુ ગુંડાઓની વાત નથી કરતા, પણ ચોકીદાર જોઇને ગભરાઇ જતા દબ્બૂ દેશવાસીઓની વાત કરીએ છીએ.
આપણી સીસ્ટમની જંજાળમાં આ કોમન હયુમનનો કચ્ચરઘાણ રોજેરોજ નીકળી જતો હોય છે. કોઇ દોસ્ત મેસેજનો જવાબ ન આપે, ત્યાં આપણને માઠુ લાગી જતું હોય છે. પણ આ જનતાની એ જમાત છે, જેને ડગલે ને પગલે ઠોકરો મારવામાં આવે છે. જે બે છેડા ભેગા કરવાની ફિકરમાં પોતે વચ્ચેથી ફાટી જતા હોય છે. જેના રોજેરોજ કીડામકોડાની જેમ અપમાન થતાં હોય છે. જે પાવરફૂલ પીપલના બૂટની એડી નીચે ચંપાઇ જતી કાંકરીઓ બનીને ઘસાતાપીસાતા જીવે છે. જેના માટે પાછળ ગંદકી અને ગરીબીનું નરક છે, અને આગળ વધવા સામે લોખંડી પ્રતિબંધ છે!
કોઇ કરપ્શન કે કોન્ટેકટ વિના જે બાપડા લોકો સરકારી કે વહીવટી કચેરીઓમાં લાઇન લગાવી સ્લીપર ઘસતા ઠેબા ખાતાં હોય એ દ્રશ્ય જોયું તો હશે, પણ એ લાચારી, એ ઝુંઝલાહટ કદી અનુભવી છે ખરી? કોઇ એક કાગળ અચાનક માંગી બીજો મોંઘો ધક્કો ખવરાવે, કોઇ તો ઘૂરકિયું ભરવા પૂરતા પણ હાજર  જ ન હોય ટેબલ પર! દિવસો સુધી કામ તો ન જ થાય, મહીનાઓ સુધી સીધો  જવાબ જ ન મળે!
ટેરિફકલી ટ્રેજીક! સતત અવહેલના, ઉપેક્ષા, આક્રોશ વેઠતા આ કરોડો પ્રજાજનોની આપણને ઠાલું થૂંક ઉડાડવાના કાલાં કાઢવા સિવાય ખાસ કશી દરકાર નથી. એમને મોબાઇલના નવા મોડલની નહિં, બે ટંકના રોટલાની પહેલી ચિંતા છે! એ માંદા પડે ત્યારે ઉંદરિયામાં પૂરાતા ઉંદરોની જેમ હોસ્પિટલના પાંજરે એમને ગાભાગોદડાના ઢગલાની જેમ ઠુંસી દેવાય છે. કારણ કે, એમની પાસે પૈસા ફેંકીને અંગ્રેજી બોલવાનો શેઠિયાઓનો રૃઆબ કે રૃતબો નથી! જીવન એમના માટે ડાન્સ પાર્ટીની મજા નથી, પોલિટિકલ પાર્ટીઓએ લૂંટી લીધેલી સજા છે. એમના હક્કનું ખાવાનું કે રહેવાનું એમને કદી લાગવગ કે કાકલૂદી વિના મળતું નથી. રૃપિયા કમાવા માટે રૃપિયા આપવા પડે છે. બ્યુરોક્રસીનો અજગર એમને કમ્મરને તોડીને ગળી જાય છે. બીમાર પડયા પછી ખર્ચની ચિંતામાં એ લોકો રિપોર્ટ કરાવી શકતા નથી. ડિઝનીલેન્ડ ફરવા જવાનું તો છોડો, ખુદના સંતાનોને રમવા રમકડાં આપી શકતાં નથી. ઓફિસ હોય કે અદાલત- એમના માટે એક જ સંદેશ છે ઃ ધક્કા ખાવ, હેરાન થાવ.
એરકન્ડીશન્ડ થિએટર્સમાં બેસીને આઇસ્ક્રીમ કેક ખાતા ખાતા આ ગળે ન ઉતરે એવી કરૃણ અને કાતિલ સચ્ચાઇ છે. આ વર્ગ અમુક બ્રાન્ડેડ બિઝનેસમેન માટે તો ગ્રાહક પણ નથી. એની ભાજીમૂળા જેવી હસ્તીને કોઇ ગણકારતુ નથી. એ ઝુંપડીમાં રહે, રીક્ષા ચલાવે, ફેરી કરે, કે ખેતમજૂરી કરે- એનું ચૂંટણી સિવાય કોઇ અસ્તિત્વ નથી. એને નડતા ભ્રષ્ટાચાર બાબતે કોઇના ચરબીદાર પેટનું પાણી હલતું નથી. એને કનડતી આર્થિક મુસીબતોનો ઉકેલ અર્થશાસ્ત્રની સૂફિયાપટ્ટી શિખામણોમાં એને જડવાનો નથી. એને ભણવાનું આપો તો નોકરી નથી. કામ આપો, તો કુટુંબનું પૂરૃં થાય એટલું વળતર નથી. એ ગરમીમાં પરસેવો ઓઢીને સૂવે છે, એની ઓપન-એર છત હંમેશા ચોમાસામાં ચૂવે છે. ગેસ, પાણી, વીજળી, ટીવી, ફોન દરેક કનેકશન માટે કરપ્શન છે. સારી સ્કૂલની ફી એને પોસાતી નથી, એને પોસાય એ ફીમાં શિક્ષણ પોષાતું નથી. મનોરંજન મલ્ટીપ્લેકસમાં મોંઘુ થતું જાય છે, અને ગાડી તો છોડો રહેવા માટે એક પહોળા પગે સૂઇ શકાય એવી ઓરડી મેળવવામાં એની આંતરડી કંતાઇ જાય છે.
બીજીબાજુ દોલતના દરિયા ઠલવાઇ રહ્યા છે. કોર્પોરેટ કિંગ્સ પચી ન શકે એવા મલાઇદાર પગારો ઉડાડે છે. આઇપીએલમા ફિકસરોની જુગારી હરરાજી થાય છે. ખાલી અડધી કલાક બેસવા માટે ઇમ્પ્રેશન પાડવા એના એક દિવસના રોજ જેટલી કિંમતની અડધો કપ કોફી પીવાઇ જાય છે. ફેસબૂક- વોટસએપમાં પારકી પંચાતોના લુત્ફ ઉઠાવાય છે. ચડ્ડી પહેરેલા બોયફ્રેન્ડ- ગર્લફ્રેન્ડ ઇમ્પોર્ટેડ પરફયુમ છાંટી બાઇકવિહાર કરે છે. ગુરૃઓ ચેનલો પર ચબરાકીયા પીરસીને સ્પોન્સરશિપ ઉસેડે છે. શઠશેતાનો જમીન મકાનના દાદાગીરીથી સોદાઓ કરી ઔકાત વિના મિલ્કતો વધારતા જાય છે. નકામી ખાણીપીણી કે દેખાડાની ચીજોમાં સમાજની શરમે કે આકર્ષણના ધરમે રૃપિયા ખર્ચતા નહિં, ફેંકતા જાય છે!
કેપિટલ અને કંગાલીયત વચ્ચેના આ શાર્પ કોન્ટ્રાસ્ટના ક્રોસ એકશન પોઇન્ટ ઉર્ફે છેદનબિંદુ પરથી અરવિંદ કેજરીવાલ નામની ઘટના અને આમ આદમી પાર્ટીના તમાશાનો જન્મ થયો છે. જે વર્ગના છોકરા ખોવાઇ જાય, એની પણ ફરિયાદોની નાણાં વિના નોંધ ન લેવાતી હોય તેમના મનમાં વર્ષોથી  ધુંધવાટ છે. શોષણથી ઉભી થતી અકળામણ અને પજવણીથી ઉભી થતી પીડા છે.  પાડ માનો ગાંધી અને દેશી ધાર્મિક સંસ્કૃતિનો કે એ હથિયારો લઇ  આંતરવિગ્રહ કરતો નથી, પણ એને એની આવી હાલત કરનારા, એનો કોળિયો  ઝુંટવી જનારા અને પછી એને જ શાણપણનું શકોરૃં પકડાવનારા દંભી,  ભ્રષ્ટ, જૂઠાડા, હરામખોર અને નકટા નેતાઓ અને અધિકારીઓના ગાલ પર  રમરમાવીને જડબાના હાડકા હલાવી દે એવો તમાચો ઠોકવાનું બહુ મન થાય  છે. અને પડદા પરના અમિતાભ- સની- અજય- સલમાનની જેમ દબંગ થઇને એ  તમાચો મારનાર અરવિંદ કેજરીવાલ એ વર્ગનો આઇકોન છે. કારણ કે  અલ્ટીમેટલી ગમે તેટલી હિન્દુ- મુસ્લીમ- સેક્યુલર- શેરબજારની વાતો  કરો, એ બધા સપાટીના શણગાર છે. આપની વાત એના પેટ સાથે જોડાયેલી છે.  પેટમાં ભોજન નાખવા જેટલું ધન હશે તો કોમવાદ કે કલ્ચરની ચર્ચામાં મન   પરોવાશે!
આ પાયાનો મુદ્દે જેમને સમજાતો નથી, એ ઘનચક્કરો કેજરીવાલની પટ્ટી પાડવાના ઘેલા મોટા દેશભકત થઇને કાઢે છે. ફેસબૂકયા ભગવા ભોટવાશંકરો અક્કલમઠ્ઠા છે, અને સિકયોર લાગતી નરેન્દ્રભાઇની વિકાસ ફોર્મ્યુલાના સપનામાં કેજરીવાલની એન્ટીકરપ્શન ટાંકણી ભોંકાતા પેનિક થઇને ભૂંરાટા થઇ ગયા છે જેમ કોંગ્રેસીઓએ જે ભૂલ કરી સતત ટીકા કરી મોદીને પબ્લિકમાં પોપ્યુલર લીજેન્ડ બનાવી દીધા, એ જ ભૂલ ભાજપીઓ કરીને કેજરીવાલને સતત ચર્ચામાં રાખે છે.
પણ આ માણસની નોંધ લેવી જ પડે, એટલી છલાંગ તો એણે મારી જ છે. આ લેખની પ્રિકવલ સમા લેખમાં (આમ આદમી, ખાસ આદમી, બદમાશ આદમી)માં અગાઉ લખેલું એ  જ સ્ક્રિપ્ટ મુજબ નાટક ભજવાઇ રહ્યું છે. ફરક એટલો સમજવો પડે કે એ સ્ક્રિપ્ટ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની નથી. એ સ્ક્રિપ્ટ પ્રામાણિક પરફોર્મન્સ આપતો જેન્યુઇનલી પ્રોગ્રેસિવ વિરોધ પક્ષ ન બનીને ભાજપે અને દેશનું દેવાળું ફુંકીને પણ ઘર ભરવાની આસુરી કુમતિ ધરાવતી કોંગ્રેસ, બીએસપી, એસપી, એનસીપી, શિવસેના, ડીએમકે, એઆઇએડીએમકે, જનતા દળ, અકાલી દળ જેવી તમામ તકસાધુ રાજકીય પાર્ટીઓએ લખી છે. અરવિંદ કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ તો એની બહાર નીકળી સુપરસ્ટાર કેરેકટરમાં ફેરફાર કરી સ્ક્રિપ્ટ રાઇટરને નચાવે એમ નચાવી રહ્યા છે.
આ દેશમાં પાપ બધા રાજકારણીઓનાં જ નથી, કોર્પોરેટ શેઠિયાઓની પણ એમાં ઉચ્ચ અધિકારીઓ કે વકીલોથી વધુ ભાગીદારી છે. દેખાવ પૂરતો પણ એમના ગિરેબાનમાં કોઇનો હાથ જતો નથી. કેજરીવાલ સરકાર કોંગ્રેસ પાડવાની જ હતી, પણ સંસદમાં પ્રચાર કરવા દેશભરમાં ફરી શકાય એ માટે ખુદ રાજર્ષિ અરવિંદ ઓનેસ્ટાચાર્ય ખસી ગયા છે. અને એ પહેલાં કોર્પોરેટ કંપનીઓની સામે ય કડક હાથે કામ લેવાય એવી કામગીરીનું ઠાંસોઠાંસ ટિફિન એમણે તૈયાર રાખ્યું છે. કાશ્મીરી કે કોમ્યુનિસ્ટ કહીને ઉડાવવાથી પાયાના પ્રશ્નો હલ થતાં નથી. નો ડાઉટ, કેજરીવાલની વધુ પડતી ચીકણી સાદગી અને સ્વચ્છતા અત્યારે દેશને ભારે પડે એમ છે. પણ બતાવવા ખાતરે ય કશુંક કામ કરવાનો પ્રયત્ન કોઇ રાજકારણીઓ ન કરતા હોય ત્યારે એનું પરિબળ અગત્યનું છે. લોકોને મૂરખ બનાવે છે, એમ કહો તો ય સ્વીકારવું પડે કે આવી રીતે બીજા તો મૂરખ પણ કયાં બનાવે છે?
દરેક આઇકોનનો જન્મ એના સમયમાં બીજાઓએ કરેલી ભૂલો (રિમેમ્બર રાવણ, કંસ?) અને મદાંધ મહત્વાકાંક્ષાથી થતો હોય છે. ઇન્ડિયન પોલિટિકસમાં કેજરીવાલ હેઝ બોર્ન. હવે જોવાનું કે એમાંથી ગાંધીની જવાળા પ્રગટે છે કે વીપીસિંહની રાખ! પણ એ તણખો પ્રકાશવા અને દઝાડવા જેટલો તો છે જ! પબ્લિકને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતાં વેપારીઓ અને રાજકારણીઓના પાપે!
અને કેજરીવાલને આ વાતની ખબર પડી ગઇ છે. એટલે બંગલાનો માલિક ન બને, તો ય એ ચોકીદાર થઇ શકશે અને માલિક થનારની નીંદર ઉડાડી શકે છે!

ઝિંગ થિંગ
રાજકારણીઃ તમે મારા વિશે જૂઠ છાપવાનું બંધ કરો.
પત્રકારઃ પણ સાચું છાપવાનું શરૃ કરીશું તો તમને  જ ભારે પડશે!

Courtesy: અનાવૃત – – જય વસાવડા @ gujaratsamachar.com

Advertisements

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: