Skip to content

બે ભ્રામક આંક ૨૭૨+ & ૨૩૦૦૦+ by સુદર્શન ઉપાધ્યાય

06/04/2014

આજકાલ સર્વત્ર બે આંકડાની બોલબાલા છે. એક છે ૨૭૨+ અને બીજો છે ૨૩૦૦૦+. એક આંકડો ચૂંટણી બજાર સાથે જોડાયેલો છે તો બીજો શેરબજાર સાથે!! આંકડાના આ બંને પરપોટા ભ્રામક છે એમ સૌ જાણે છે છતાં આખો દેશ તેને ચ્યુઇંગમની જેમ ચગળ્યા કરે છે. આશ્ચર્ય તો એ છે કે આ બંને આંકડા ભ્રામક અને હવામાં ગોળીબાર સમાન છે. આ બંને આંકડા તેજીના સૂચક છે.
આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૨૨,૫૫૦ (૨-૪-૨૦૧૪) છે. શેરબજારના નિષ્ણાતો નાના રોકાણકારોને આકર્ષવા ૨૩,૦૦૦+ નો આંક બતાવી રહ્યા છે. રોકાણકારો જેમ મૂંઝાયેલા છે એમ દેશના મતદારો પણ ૨૭૨+ નો આંકડો જોઇને મૂંઝાયેલા છે.
આ બંને ક્ષેત્રની ખાસીયત એ છે કે તેના નિષ્ણાતો પ્રજાને છેતરે છે. તમે કોઇ શેરબજારના નિષ્ણાત સાથે વાત કરશો તો તે રોકાણકારોને એવું ફુલ-ગુલાબી ચિત્ર બતાવે કે તે સીધો જ ડીમેટ એકાઉન્ટ ખોલાવવા તૈયાર થઇ જાય!! રોજના હજાર-બે હજાર તો રમતાં-રમતાં કમાઇ શકાય છે એ સાંભળીને રોકાણકારો દિવા સપનાં જોવામાં લાગી જાય છે. ફીક્સ ડિપોઝીટનું નિશ્ચિત વળતર છોડીને તે રોજના હજાર – બે હજાર કમાવવા માટે મગજ કામે લગાડે છે. મહિનાના અંતે તેણે તોડેલી એક લાખની ડિપોઝીટ ૫૦ હજારની થઇ ગઇ હોય છે. હજારો લોકો શેરબજારમાં ઉછળતા સેન્સેક્સને જોઇને છેતરાયા છે. ભૂતકાળમાં ઘણાંએ લાખો ગુમાવ્યા છે અને ઘણાંના ચસકી ગયા છે. કેટલાંક કમાય છે પરંતુ અનેક પૈસા ગુમાવે છે.
શેરબજારની ભ્રામક તેજીમાં સામાન્ય રોકાણકાર ડૂબે છે અને વ્યૂહાત્મક રોકાણ કરનાર કમાય છે. પરંતુ તેજી વખતે વ્યૂહાત્મક રોકાણ કરવાની સૂઝ ખોવાઇ જતી હોય છે.
ભાજપનું પ્લાનીંગ ૨૭૨+ નું છે. ગઇકાલ સુધી ભાજપના નેતાઓ તેને વળગી રહ્યા છે. આ ૨૭૨+ જાદુઇ આંકડા સુધી પક્ષ કેવી રીતે પહોંચશે તે અંગેનું ગણિત ભાજપના કોઇપણ નેતા સમજાવી શકતા નથી. આ આખો પ્લાન આરએસએસનો છે. ચૂંટણી જંગમાં આરએસએસ બીગ બ્રધરની ભૂમિકામાં છે. ૨૭૨+ મળે તો અન્ય કોઇ પ્રાદેશિક પક્ષની દાઢીમાં હાથ નાખવો ના પડે એવો આશય છે પરંતુ ૨૭૨+ નો આંકડો એ ધોળે દિવસે જોવાતા સપનાં સમાન છે.
૨૭૨+ ની ભ્રમણામાં રાચતા ભાજપને તો એમ હતું કે ઉમેદવારોની પસંદગીના ડખા માત્ર કોંગ્રેસમાં જ છે. ભાજપમાં તો શિસ્ત અને સંગઠનની ભાવના છે. પરંતુ સૌથી પહેલી બબાલ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરતાં ભાજપ-આરએસએસના અગ્રણીઓ પણ ચોંકી ઊઠયા હતા. તેમની મનપસંદ બેઠક ભોપાલ હતી અને ભાજપ તેમને ગાંધીનગરથી લડાવવા ઈચ્છતું હતું. અડવાણી બેઠકના પ્રશ્ને નારાજ છે એવા બ્રેકીંગ ન્યુઝે ભાજપમાં રહેલી શિસ્તની ભ્રમણાને તોડી નાખી હતી.
અડવાણીને મનાવવાની કવાયત ચાલતી હતી ત્યાં જ ડૉ. મુરલી મનોહર જોષીએ ગણગણાટ શરૃ કર્યો હતો. ભાજપના નેતાઓ સમજી ગયા હતા કે બળવાખોરીના વાયરસ સીનિયર નેતાઓમાં પ્રસરી ગયા છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જશવંતસિંહે જ્યારે એમ કહ્યું કે હું તો અપક્ષમાં ઊભો રહીશ ત્યારે તો ભાજપનું શિસ્ત અને આરએસએસનાં સંગઠન અંગેની ભ્રમણા ભાંગીને ભુક્કો થઇ ગઇ હતી.
પોતાની પક્કડ પક્ષ પરથી છુટી ગઇ છે એ સમજીને અડવાણીએ પીછેહઠ કરી હતી જ્યારે જશવંતસિંહ આ બળવાખોરીના દાવાનળનો ભોગ બન્યા હતા. ભાજપમાં કોઇ નારાજગી નથી એમ કહેતા નેતાઓ મોં છુપાવવા લાગ્યા હતા.
જશવંતસિંહે અપક્ષ ઉમેદવારી કરીને એમ કહ્યું કે હું કંઇ જુનું ફર્નીચર નથી કે મને ગમે ત્યાં ઊંચકીને ગોઠવી દેવામાં આવે!! ભાજપમાં બધું વ્યવસ્થિત ચાલે છે ભ્રમણામાંથી આરએસએસ બહાર આવ્યું હતું. સંઘમાં નંબર-ટુના સ્થાન પર મનાતા ભૈયાજી જોષીએ એટલે જ સક્રિય થઇને લખવું પડયું કે ૨૭૨+ ના સ્વપ્નીલ આંકડા સુધી પહોંચવાની આડે જે નેતાઓ આવી રહ્યા છે તેમની સામે કડક હાથે કામ લેવાશે.
સંકેત સ્પષ્ટ છે કે જો ભાજપ ૨૭૨+ સાથે સરકાર રચશે કે કોઇના ટેકાથી સરકાર રચશે તો તેમાં લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોષીને કોઇ મહત્વનું સ્થાન નહીં મળે!! એક સમયે સંઘે જ નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે ૨૭૨+ થી સરકાર રચાય તો અડવાણીને રાષ્ટ્રપતિ અને મુરલી મનોહરને ઉપરાષ્ટ્રપતિ બનાવવા!!
જોકે બળવાખોરીના વાયરસનું ઉત્પતિ કેન્દ્ર અડવાણી બનતા સંઘે નવેસરથી પત્તાં ચીપવા શરૃ કર્યા છે. સીનિયરો બળવાખોર ના બની શકે એ ભ્રમણા ઉમેદવાર નક્કી કરતી વખતે જ તૂટી જતાં ભાજપવાળા ચેતી ગયા છે કેમ કે સત્તા આવે તો પ્રધાનપદાં જેવી મહત્વની વહેંચણી તો હજુ બાકી છે.
આ બંને ક્ષેત્રે કાળું નાણું (બ્લેક મની) ઠલવાય છે. રાજકારણમાં તો ચૂંટણી ટાણે કરોડો રૃપિયાનું કાળું નાણું ઠલવાય છે એવી જ રીતે શેરબજારનું છે. ચૂંટણી પંચની આચાર સંહિતા ગમે એટલી કડક હોય પણ તે આ કાળા નાણાના પ્રવાહને રોકી શકતું નથી એમ ‘સેબી’ના નિયમો ગમે એટલા કડક હોય પણ બે નંબરી નાણાની હેરાફેરીને અટકાવી શકતું નથી.
શેરબજારની તેજી અને સેન્સેક્સની ભ્રમણા બંને એક સાથે ચાલે છે. ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટમેન્ટ (એફઆઇઆઇ)ના જોરે કૂદતા બજારને ભારતના અર્થતંત્ર દ્વારા ઊભી થયેલી તેજી સાથે જોડી દેવામાં આવ્યું છે. એફઆઇઆઇને વિદેશના સંસ્થાકીય રોકાણો કહે છ. એફઆઇઆઇ વાળાને ભારત પર કોઇ પ્રેમ નથી. રશિયન માર્કેટમાં મંદી, ચીનનું નરમ અર્થતંત્ર; અમેરિકામાં તેજીના ડેટામાં ચડ-ઉતર, કટોકટીભર્યો યુરોઝોન જેવા મુદ્દાઓના કારણે એફઆઇઆઇ ભારતની દિશામાં આવી છે. ચૂંટણીના કારણે ભારતમાં ૩૦ હજાર કરોડ બજારમાં ફરતા થશે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે શેરબજારના નિષ્ણાતો બજાર ૨૦-૨૧ હજારની ફરતે અટવાયું ત્યારે મોં સીવીને બેઠા હતા પરંતુ જેવો એફઆઇઆઇનો ફ્લો વધતાં જ હવે તે ૨૪ હજાર સેન્સેક્સની આગાહી કરી રહ્યા છે પરંતુ આ નરી ભ્રમણા છે. ચૂંટણીઓ પછી એટલે કે ૧૫ મે પછી બજારમાંથી એફઆઇઆઇ પાછી ખેંચાશે એટલે બજાર ફરી કડડભૂસ થઇ જશે.
જોકે આ નિષ્ણાતો પાસે ભ્રમણાને જીવાડવાનો વધુ એક માર્ગ ખૂલ્યો છે. આ બજારોને હવે નરેન્દ્ર મોદીની જીત સાથે જોડી દેવા પ્રયાસ થાય છે. મોદી આવશે તો બજારોમાં તેજી આવશે એમ કહીને ભ્રમણાને ધૂણાવવામાં આવે છે પરંતુ કોઇ એ નથી વિચારતું કે નવી સરકારને જંગી ખાધ પર અને આર્થિક માંદલા તંત્ર પર બેસવાનું છે.
આજે જ્યારે સેન્સેક્સ ૨૨,૫૫૦ (૨-૪-૨૦૧૪) છે ત્યારે તેને શેરબજારની તેજી સાથે સરખાવવામાં આવે છે પરંતુ હકીકત તો એ છે કે ૮૦ ટકા કંપનીઓના શેરના ભાવો તો સેન્સેક્સ જ્યારે ૧૮,૦૦૦ હતો ત્યારે હતા એટલા જ છે. એટલે કે સેન્સેક્સ ઉછળ્યો પણ શેરોના ભાવોમાં કોઇ નોંધપાત્ર ઉછાળો થયો નથી. મધ્યમવર્ગનો રોકાણકાર ઉછળતો સેન્સેક્સ જોઇને સપનામાં રાચતો થઇ જાય છે પરંતુ તેજીની ભ્રમણા તેના મનમાં ઘૂસી ગઇ હોય છે. શેરબજારમાં રોકાણનો કોઇ નિષ્ણાત આવી સલાહ નહીં આપે કેમકે દરેકને પોતાનો દિવો બળતો રાખવાનો છે.
ભાજપની ૨૭૨+ ની ભ્રમણાનું ગણિત પણ સમજવા જેવું છે. આ ગણિત કોઇપણ વાચક સમજી શકે એવું છે. કુલ ૫૪૩ બેઠકોનો આ ખેલ છે. તે પૈકી ભાજપ ૨૭૨ થી વધુ બેઠકો મેળવીને સ્વતંત્ર સરકાર રચવા માગે છે. આ ૨૭૨ થી વધુ બેઠકો મેળવવાની ભ્રમણા અહીં સમાવાઇ છે.

લોકસભાની કુલ બેઠકો ૫૪૩
(૧) પશ્ચિમ બંગાળ ૪૨
(૨) ઓડીસા ૨૧
(૩) ઉત્તર-પૂર્વના રાજ્યો ૦૯
(૪) જમ્મુ-કાશ્મીર ૦૬
(૫) તમિળનાડુ ૩૯
(૬) કેરળ ૨૦
(૭) આંધ્રપ્રદેશ ૪૨
કુલ ૧૭૯

આનો અર્થ એ છે કે લોકસભાની કુલ બેઠકો ૫૪૩ માંથી ૧૭૯ બેઠકો બાદ કરવી પડે કેમકે ત્યાં ભાજપનો રાજકીય પ્રભાવ નથી. ૫૪૩ – ૧૭૯ = ૩૬૪. આ રીતે ૩૬૪ નો આંક આવ્યો. ભાજપ જે ૨૭૨+ નું સપનું જુવે છે તે તેણે ૩૬૪  બેઠકોમાંથી પાર પાડવાનું છે.
એટલે કે ૩૬૪ બેઠકોમાંથી ૨૭૨ થી વધુ બેઠકો મેળવવાની છે. ૩૬૪ માંથી ૨૭૨ બેઠક મેળવવી એટલે ૭૮ ટકા બેઠકો મેળવવી પડે!!
આ આંકડો પણ સિધ્ધ થઇ શકે છે. જો એક તરફી મતદાન થાય તો અને આ એક તરફી ત્યારે થાય કે જ્યારે સામા પક્ષે કોઇ મજબુત લોકો ના હોય ત્યારે!
અહીં જે ૧૭૯ બેઠકો બાદ કરી છે તેમાં શક્ય છે કે જમ્મુ-કાશ્મીર કે અન્ય કોઇ રાજ્યમાં ભાજપને પાંચેક બેઠકો મળી આવે પરંતુ તેનાથી કોઇ ખાસ્સો ફર્ક પડતો નથી!! ભાજપની કમનસીબી એ છે કે ઘણાં પ્રાદેશિક પક્ષો તેની સાથે બેસવા તૈયાર નથી તે તો ઠીક પણ તેના મત કાપી રહ્યા છે. આ સ્થિતિમાં ૨૭૨+ નો આંક ભ્રમણા ઊભી કરનારો છે. ભાજપની સામે સ્પર્ધા કરી રહેલા મુખ્ય પક્ષ કોંગ્રેસ કે અન્ય પ્રાદેશિક પક્ષો ટક્કર આપે એવા છે અને ચૂંટણી જંગના અનુભવી છે.
હા.., એટલું કહી શકાય કે મોદી વેવના બદલે મોદી સુનામી હોય તો  ૨૭૨+ શક્ય બની શકે છે. ૨૭૨+ અંગેનો ભ્રમ સમજાવવાનો આ પ્રયાસ છે પરંતુ એનો અર્થ એવો નથી કે ભાજપ સરકાર નહીં રચી શકે!! જ્યારે એનડીએ આખું મળીને ૨૭૨+ પર પહોંચી શકે એમ નથી ત્યારે એકલું ભાજપ ૨૭૨+ ની ભ્રમણામાં રાચે છે ત્યારે તેની પાછળનું ગણિત રાજકીય ભ્રમ ઊભો કરવાનું છે.
ઊંચુ ટાર્ગેટ રાખવું એ માર્કેટીંગનો નિયમ છે, ચમત્કારની અપેક્ષા રાખવી એ પણ રાજકીય માહોલમાં આવકાર્ય છે પરંતુ આગળ દર્શાવેલ બેઠકોના ગણિત પ્રમાણે ૩૬૪ માંથી ૨૭૨+ બેઠકો મેળવવી એ નરી ભ્રમણા છે.
શેરબજાર ૨૩૦૦૦+ ની ભ્રમણામાં રાચે છે એમ ભાજપ ૨૭૨+ ની ભ્રમણામાં રાચે છે. સપનાં જોવા સૌનો હક છે. ભાજપ વાળા લાંબો સમય કેન્દ્રીય સત્તા માટેનો વનવાસ ભોગવ્યા પછી વ્યૂહાત્મક રીતે સત્તાની દિશામાં આગળ વધી રહ્યા છે.
૨૩૦૦૦+ ની ભ્રમણામાંથી શેરબજારના રોકાણકારો અને ૨૭૨+ ની ભ્રમણા સપનોં કા સોદાગર સમાન છે.
ઑશો રજનીશે કહ્યું છે કે દરેક મનુષ્ય ઊંડી ભ્રમણા હેઠળ જીવે છે. જેમાં આશા, ભવિષ્ય અને આવતીકાલના સપનાંઓનો સમાવેશ થાય છે.

Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/talking-point4267

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: