Skip to content

જિંદગી મૌત ના બન જાયે સંભાલો યારો by ભવેન કચ્છી

20/06/2014

Really very interesting article…. It happens only in India!!!!!!

કુલુ- મનાલી ફરવા ગયેલા હૈદ્રાબાદની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમ્યાન એક નયનરમ્ય જગ્યા દેખાતા તેઓની બસ થંભાવી. તેમાંથી ઉતરીને ૩૦- ૩૨ વિદ્યાર્થીઓનું ગુ્રપ  બિયાસ નદીનું સામાન્ય સાંકડુ અને ધીમા પ્રવાહ સાથે વહી રહેલું વહેણ દૂરથી નિહાળી રહ્યું હતું. તે વહેણ સુધી જવા પણ ઘણા નાના- મોટા પથ્થરો પાર પાડવા પડે તેઓની આમ પણ પાણીની નજીક પહોંચવાની ઇચ્છા જ નહોતી. બહારના કાચા રસ્તાથી શરૃ થતી નદીના પટનો જે વિસ્તાર શરૃ થાય ત્યાં તરત જ આ વિદ્યાર્થીઓ મોટા ખડક જેવા પથ્થર પાસે ઉભા રહીને ગુ્રપ ફોટો ખેંચતા હતા ત્યાં જ તેઓના આઘાત અને અચંબા વચ્ચે અચાનક જાણે પલકવારમાં જ પૂર આવ્યું હોય તેમ ધસમસતું પાણી સમગ્ર નદીના પટને આવરી લેતું ફરી વળ્યું. વિદ્યાર્થીઓએ બચવા માટે રીતસરની દોટ જ લગાવી પણ માર્ગ પરના નાના મોટા પથ્થરો પર તો પાણી ફરી વળ્યું હતું. તેઓ ગબડયા. આવી બે- ત્રણ મિનિટમાં તો જાણે ડેમ ફાટયો હોય તેમ પાણીએ પ્રચંડ રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું. પાણીનો પ્રવાહ અને વેગ એટલો શક્તિશાળી હતો કે વિદ્યાર્થીઓ પાંદડાની જેમ તણાઈને આગળ વહી ગયા. ૨૪ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા બે- અઢી મિનિટ પહેલા પાડેલી તેઓની ગુ્રપ તસ્વીર જીવનનું આખરી સંભારણું બની રહ્યું. બચી ગયેલા વિદ્યાર્થીઓની તો નજર સામે બધું બન્યું હતું.તેઓને તો સ્વસ્થતા ધારણ કરતા બે દિવસ લાગ્યા. તેઓએ જણાવ્યું કે, ‘ટચ એન્ડ ગો’ની જેમ ઘટના બની ગઈ. અમારો રજ માત્ર પણ વાંક નહોતો. તમે ‘યુ ટયુબ’ પર નિહાળશો તો કંપી ઉઠશો કેટલી હદે નિશ્ચિંત હોઈએ તેવી સલામત જગ્યા પર હતા. નદીનું શાંત વહેણ પણ ઝરણા જેવું અને સાંકડુ જ હતું જે પણ અમારાથી ખાસ્સુ દૂર હતું. અમને તો સમજાયું જ નહીં કે આ રીતે અચાનક પાણી કઈ રીતે ધસી આવ્યું. અમે કાંઈ જ પ્રતિક્રિયા ન આપી શકીએ તેમ સ્તબ્ધ થઈ ગયા હતા. તસ્વીર ખેંચનારા વિદ્યાર્થીઓ જોડેજે આઠ દસનું ગુ્રપ હતું તે જ બચ્યા. નજર સામે જ બાકીના પર પ્રલયની કાળ ચાદર ફરી વળી હતી.
ઘટના સ્થળથી માત્ર દોઢ જ કિલોમીટર લાર્જી હાઇડ્રો ડેમ પરથી એન્જિનિયરે કોઈ પણ જાતની નદી કે કિનારા પરના રહીશો માટેની ચેતવણી કે સાયરન વગર ભારે બેદરકારી અને અધમ માનસિકતા બતાવતા એમ જ ડેમનું  પાણી નદીમાં ઠાલવતા દરવાજા ખોલી દીધા હતા. જ્યારે આ રીતે પાણી  છોડાય ત્યારે પાણી નદીના વિશાળ અને કિનારા નજીકના રસ્તા સુધી ફરી વળે અને એમાં પણ ઘટના સ્થળ ડેમના દરવાજાથી માંડ દોઢેક કિલોમીટર જ દૂર હોઈ તેનો ફોર્સ કલ્પી શકાય એમ છે. હિમાચલ પ્રદેશના ભ્રષ્ટ, કોંગ્રેસી મુખ્યપ્રધાન વીરભદ્રસિંઘે પણ પાશવી કોમેન્ટ કરતા વિદ્યાર્થીઓ જવાબદાર હોય તેમ કોમેન્ટ કરી કે ડેમના જવાબદાર એન્જિનિયરો અને ઓનડયુટી સ્ટાફની ભૂમિકાની તપાસ કરીશું. વિદ્યાર્થીઓએ સાવધાની રાખવાની જરૃર હતી.
ભારતભરમાંથી આવી બેદરકારી અને માનવ જીવ પ્રત્યે આ હદની નઘરોળતા પર ફીટકાર વરસ્યો. વેબસાઇટો તેમજ સોશ્યલ નેટવર્ક પર આ ઘટના ફરી વળતા વિશ્વભરમાંથી કોમેન્ટ વહેતી થઈ કે ‘ભારતમાં વ્યક્તિનુ આત્મસન્માન અને ગૌરવ તળિયે છે. વ્યક્તિની જિંદગીની તો કીડી મંકોડા જેટલી પણ નોંધ નથી લેવાતી.’
હિમાચલ પ્રદેશની હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરીને આ ઘટનાને અકસ્માત કે વિદ્યાર્થીઓની ભૂલ તરીકે નહીં જોવા અને ડેમના અધિકારીઓ, કર્મચારીઓની જવાબદારી પ્રત્યેની ઘોર લાપરવાહી અને ધૃણાસ્પદ અમાનવીય રીતે મોત થયું છે તેવી કલમો કેમ ના મૂકવી તેવી કડકાઈ બતાવી છે. સરકાર અને રિપોર્ટ મૂકવા તો તાકીદ કરાઈ છે અને સંબંધિત તમામ ્સ્ટાફને સસ્પેન્ડ કરાયા છે. મૃતકોના સ્વજનોને અમુક લાખ રૃપિયા આપવાની જાહેરાત થાય છે. આ તો તાજી ઘટના છે એટલે યાદ રહે પણ ભૂતકાળમાં અને આજે પણ રોજેરોજ તમારા ગામ કે શહેરમાં વ્યક્તિ કે વ્યક્તિ સમુહને પોતાના કોઈ જ કારણ વગર તંત્રની નિર્લજ્જ અને અધમ બેજવાબદારીનો ભોગ બનતા મૃત્યુને ભેટવું પડે છે. સમાજ સરકાર અને તંત્ર જાણે કંઈ જ બન્યું ન હોય તેમ અને તેનાથી વિશેષ તેમાંથી કોઈ જ બોધપાઠ લીધા વગર આ જ માનસિકતા સાથેનો વહીવટ આગળ ધપાવે છે.
* * *      * * *      * * *
બીજો એક પ્રસંગ લઈએ. થોડા અઠવાડિયાઓ પહેલાં રાજકોટના એક નિવૃત્ત અને ખૂબ જ સન્માનનીય પ્રોફેસર તેમની પુત્રવધૂ અને પૌત્રી સાથે બહારગામ તેના ભાઈને ઘેર જવા માટે સવારે સાતેકની આસપાસ નીકળ્યા, પુત્રવધૂ અને પૌત્રીને ઉભા રાખીને રીક્ષાને બોલાવવા થોડા આગળ વધ્યા એ વખતે એક ગાય કે જે શાંતિથી ઉભા હતી. તેણે આ નિવૃત્ત પ્રોફેસર ભાઈને જોયા તે સાથે જ તેનો પીછો કરતી હોય તેમ ધીમે પગલે ભાઈની નજીક આવવા માંડી ગુજરાત અને વિશેષ સૌરાષ્ટ્રમાં ગાયોનો રંજાડ અને રસ્તા પર, શેરી, ફળિયા અને બજારમાં બિન્ધાસ્ત ફરતી હોય તે નવું નથી. વર્ષોથી સૌરાષ્ટ્રમાં જ સ્થાયી થયેલા આ ભાઈને ગાયનું નજીક આવવું કંઈ નવું નહોતું. તેમણે ગાયને દૂર રહેવા હાથ લંબાવ્યો અને રીક્ષાને બોલાવવા ડગ માંડયા ત્યાં તો ગાયે અચાનક નજીક આવી જઈને રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું. શીંગડાની ઢીંક લગાડતા જ ભાઈ પડી ગયા. ગાય ત્યાંથી અટકી જ ના ગઈ, તે ભાઈ ઉભા જ ન થઈ શકે તે રીતે તેના પર પગ રાખીને તે ઉભી રહી ગઈ. ગાયે તેના પગની ખરીથી, શીંગડાથી, માથાથી ભાઈના પેટ, માથા પર એક પછી એક પ્રહાર કર્યા. આજુબાજુથી બધા ભેગા થઈ ગયા તેઓએ ગાયને લાકડી ફટકારી, પૂંછડું આમળ્યું, શક્ય એટલા પ્રયત્નો કર્યા. હોકારો- દેકારો મચ્યો પણ ગાય ચત્તાપાટ પડેલા ભાઈ પર પગ રાખીને જીવલેણ ઘા કરતી જ રહી.તેને હટાવવાના કોઈ પ્રયત્ન કામિયાબ ન નીવડયા . ભાઈ મૃત્યુ પામ્યા પછી જ તેના પરથી નીચે ઉતરી. રોષે ભરાયેલા રાહગીરોએ અને મૃતકના સગા- સ્નેહીઓ રાજકોટના મેયરને મળવા ગયા. અન્ય અધિકારીઓને પણ ફરિયાદ કરી. ફરી એ જ નફ્ફટાઈ, તંત્રએ કહ્યું કે આવી એકલદોકલ ઘટના તો બનતી રહે છે. બધાએ ગાય અને મૃતક વચ્ચે અગાઉના જન્મનો હિસાબ ચૂકતે થવાનો હશે તેમ મન મનાવી લીધું. અમદાવાદમાં પણ ગાયને રોટલી આપવા નજીક ગયેલા એક ભાઈને ગાયે પેટ પર જ જોરથી શીંગડા ભરાવીને ઉછાળતા તેમનું તત્કાળ મોત થયું હતુ. ભારતના શહેરો અને ગામડાઓમાં કૂતરાઓની ટોળકી કાર કે ટુ-વ્હીલર પાછળ ભસતા દોડે છે. એવી અનેક ઘટનાઓમાં વાહન ચાલકો કે રાહગીરો અકસ્માતમાં જાન ગુમાવે છે, ઘણાને  ફ્રેક્ચર થાય છે છતાં તંત્ર તમાશો જોતું રહે છે.
* * *    * * *   * * *
મોદીને લોકસભા ચૂંટણી જીતાડવામાં જુદી જુદી કેટલીયે વ્યૂહાત્મક ટીમોનું યોગદાન હતું જેમાં સોશ્યલ નેટવર્ક અને ટેકનોક્રેટની ટીમમાં ૩૭ વર્ષીય હિતેશ બારોટ પણ ખૂબ ચાહના પામેલા. તેમના પિતા સુરેન્દ્રભાઈ અમેરિકામાં રહે છે અને ચૂંટણીના સંદર્ભમાં જ ગુજરાતમાં આવ્યા હતા. પુત્રની સિદ્ધિથી તેઓ ગૌરવ અનુભવતા હતા .પુત્રએ પણ છેલ્લા મહિનાઓથી તનતોડ મહેનત કરી હતી. અમેરિકા સાથેના સંપર્કોનો હાઇટેક અનુભવ તેણે કામે લગાડયો હતો. ચૂંટણી પૂરી થઈ. મોદી જીતતા ચૂંટણી કાર્યરત તમામ ટેકનોક્રેટ, સોશ્યલ નેટવર્ક, સ્ટ્રેટેજી, સ્લોગન, એડવર્ટાઇઝીંગ ટીમે ઉજવણી કરી. મોદીના અભિનંદન મેળવ્યા. હિતેશભાઈ અને તેના પરિવારનું ગૌરવ એ રીતે બેવડાયું કે ઇતિહાસ સર્જવામાં તે નિમિત્ત બન્યો હતો. નોન રેસિડેન્ટ અમેરિકન અને ઇન્ડિયન તો ખરો જ મોદીની શપથવિધિમાં પણ તેને આમંત્રણ હતું. પણ મહિનાઓનો થાક હોઈ બ્રેક લેવા તે તેના બાળપણના દિવસોની યાદ તાજી કરવા વતન નર્મદાના ભાલોદ સ્થિત ઘરે ગયા. નદીમાં સ્નાન કરવાની ઇચ્છા થઈ. નદીમાં થોડા આગળ ગયા ત્યાં જ મગરોથી ઘેરાઈ ગયા. મગર જેમને જડબામાં લઈને નદીમાં દૂર ખેંચી ગયો, ઝપાઝપી પણ થઈ જ હશે. હિતેશની લાશ મહામહેનતે મળી આવી. મોદીની શપથવિધિ હેઠળ બધું પશ્ચાદમાં ધકેલાઈ ગયું. મોદીએ વડાપ્રધાનના કાર્યાલયથી દિલસોજી વ્યકત કરતો પત્ર પણ લખ્યો છે. પત્રમાં તેની સેવા અને કૂનેહ પણ બિરદાવી છે. ફરી તંત્રની બેદરકારીની જ વાત. જવાબદાર અધિકારીઓ જાણતા જ હતા કે આ વિસ્તારમાં હાલ મગરનો ઉપદ્રવ વધતો ગયો છે તે પછી પણ જુદા જુદા નર્મદાના ગામોમાં ગમખ્વાર ઘટનાઓ બની. હવે છેક તંત્રએ ‘મગરથી સાવધાન’ પ્રકારના બોર્ડ લગાવ્યા છે.
* * *     * * *     * * *
કુલુ જેવી કે રાજકોટના નિવૃત્ત પ્રોફેસરની ગાય અને હિતેનભાઈની મગર જોડેની જે કરૃણાંતિકા આપેલી છે તે તો તાજેતરની હોઈ પ્રતિકાત્મક રજૂ કરી છે.
પણ તમે જાતે જ વિસ્તૃત યાદી ઉમેરીને વિચારો કે આપણા જીવન અને જીવનું ભારતમાં મૂલ્ય શું ? હાઇ ટેન્શન વાયરો ખુલ્લા હોય અને તેને અડકતા મૃત્યુ થઈ જાય. ખુલ્લા બહારની તરફ લટકતા સળિયા આરપાર નીકળી જાય તેમ ટ્રક જોડેના અકસ્માત, માપ કરતા વધુ ઉંચાઈ અને અણીદાર ગોળાઈ ધરાવતા બમ્પ પર ટુ વ્હીલર ઉછળી પડે ને મોત પોકારે, રસ્તાની ધાર પર સંપૂર્ણ સલામતી સાથે ચાલતા હો અને વાહન ટક્કર લગાવે, રોંગ સાઇડ અને સ્પીડથી થતા જીવલેણ અકસ્માત તો  હવે ફકરાના સમાચાર બને છે. હોર્ડિંગ નિયમોના સરેઆમ ઉલ્લંઘન કરીને લગાવ્યા હોય અને તે પણ ભ્રષ્ટ મજબૂતાઈથી. જરા અમથો વંટોળ આવે અને હોર્ડિંગ્સ માથા પર પડે અને રસ્તા પર પલકવારમાં જ ઢેર થઈ જઈએ. ઘક્કામુક્કી થાય ત્યારે ખબર પડે કે રેલીંગ કે ફરતી દિવાલ જ નહોતી. લીફ્ટની કંપનીના કોન્ટ્રાક્ટ પ્રમાણે સર્વિસ ના કરે. રહીશોનું ગ્રાઉન્ડ ફ્લોરમાં પટકાતા મૃત્યુ થાય. જે રસ્તો ભયજનક અને ખીણ તરફ જતો હોય તેમાં રાત્રે વંચાય નહીં તેવા સાઇન બોર્ડ ના લગાવ્યા હોય કે ‘આ રસ્તે જવું નહીં.’ તેના કારણે ગયા વર્ષે વડોદરાનો યુવાન તેના મિત્રો જોડે પૂણેથી દક્ષિણ ભારતના માર્ગે  ફરવા જતા હતા ત્યારે આવા પાકા રસ્તા તરફ ગાડી હંકારી જતા સીધા ખીણમાં જ પટકાઈને મૃત્યુ પામ્યા હતા. માત્ર ભારતમાં જ મહદઅંશે બનતી આવી ઘટનાઓ અને તેમાં પણ તે પછી તંત્ર, સરકાર કાંઈ જ પ્રતિક્રિયા ન આપે, મૃત્યુના કે ઇજાના કારણોમાં ઉંડે ઉતરીને કોઈ જ પગલા નિયમનો ના લે તે ખૂબ જ હતાશાજનક બાબત છે. ભારતની પ્રજા સતત  અસલામતી અનુભવે છે. આથી જ પથ્થર એટલા દેવને પૂજે છે. અંધ શ્રદ્ધાની લપેટમાં પણ રહે છે. બળાત્કારની ઘટના બાદ જે હોબાળો મચાવાય છે તેના ૧૦ ટકા પણ શોરબકોર કે રજૂઆત નથી થતી. ભગવાનને ગમ્યું તે ખરું. આયુષ્ય નિશ્ચિત છે, ઋણાનુંબંધની વાત છે તેમ કહીને આપણે મન મનાવી લઈએ  છીએ  અકાળ આભ ફાટવાથી કુટુંબીઓને આવી સાંત્વના આપવી જ પડે. પણ સરકાર કે તંત્ર આવું કહીને જાડી ચામડી ધારણ કરે તે હરગીઝ ચલાવી ના લેવાય.
કોઈ પણ દેશે કેવી પ્રગતિ કરી છે તેનો માપદંડ તેમના નાગરિકોનું જીવન ધોરણ કટલું ગુણવત્તાસભર અને સમાજ તેમજ તંત્રની રીતે કેટલું મૂલ્યવાન છે તેના આધારે નક્કી થતું હોય છે. અમેરિકા કે યુરોપ અને ચીન જેવા દેશો તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પોશ ઇમારતોના લીધે નહીં પણ એક- એક નાગરિકના જીવનને જ નહી મૃત્યુને પણ કેવું ગૌરવ બક્ષે છે તેનાથી મહાન છે.
અને ભારતમાં ? સરહદ પરના સૈનિકોને સમર્પિત ‘સરફરોઝ’ ફિલ્મના ગીતની પંક્તિ ‘જિંદગી મૌત ન બન જાયે સંભાલો યારો’ દેશના એક એક નાગરિકને પણ લાગુ પડે તેમ છે. ઘરના રેઢિયાળ દુશ્મનો જ આપણને ‘સરફરોઝ’ બનાવી દે છે. ઘરના પરિવારજનો રાત્રે હેમખેમ પરત આવે ત્યારે ભગવાનનો આભાર માનવામાં આવે છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/vividha7011

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: