Skip to content

તમારા બાળક માટે સુંવાળો રસ્તો ના બનાવો, પણ બાળકને ગમે તે રસ્તા માટે મજબૂત બનાવો! by જય વસાવડા

30/07/2014

બ્રિટનના નોર્થ વેલ્સ પરગણાંમાં એકાદ એકર જેટલી જમીનમાં ‘ધ લેન્ડ’ નામનો એક વિશાળ થીમ પાર્ક પથરાયેલો છે. બાળકો માટે ખાસ બનાવાયેલો હોવા છતાં એ ડિઝનીલેન્ડ જેવો એમ્યુઝમેન્ટ કે એન્ટરટેઈનમેન્ટ માટેનો પાર્ક નથી. નાના બાળકો માટેનું એડવેન્ચર પ્લેગ્રાઉન્ડ છે. જેમાં પાણીનાં ધરા ઉપર ઝળુંબતું દોરડું બાંધેલું છે, અને બાળકો એ પકડીને સામે કાંઠે હીંચકા ખાવા જાય, ને ચૂકી જાય તો રીતસર પાણીમાં પટકાય છે ! કે પછી એ ભૂલકાંઓ જાતે જ આગ પેટાવી ફરતે ટોળે વળીને નાચે છે, અને કોઈ ફાયર એલાર્મ વાગતો નથી. જ્યાં એક જગ્યાએ ટાયરની એવી ડગડેરી બનાવવામાં આવે છે કે તળિયેના મોટા ટાયરથી શરુ કરી ટોચના નાના ટાયર પર બાળકો ચડી શકે છે. અને એમાં જો ડગલું ચૂકે તો નીચે લોન કે સેફટી નેટ નહિ, જમીન પરની ધૂળમાં રગદોળાય છે ! ત્યાં રંગબેરંગી રાઇડ્સ કે સ્ટફડ ટોયઝ નથી પણ ખડકો, વૃક્ષો અને આળોટવા માટેનો કાદવ છે! પાર્કમાં સુપરવાઈઝર્સ મર્યાદિત સંખ્યામાં છે, જેમને પ્લેવર્કર્સ કહેવાય છે. જે ખેલતાં બચ્ચાંઓને સતત ડિસ્ટર્બ કરતા નથી. એમને શરૃઆતમાં કેટલીક સૂચનાઓ સમજાવે છે. જેમ કે, આગના ફાયદા એ કે એ અજવાળું આપે, રાંધી દે, એની ફરતે દોસ્તો સાથે બેસીને અલકમલકની વાતો કરી શકાય. એમાંથી હૂંફ ને ઊર્જા મળે. એનો કેવો ઈતિહાસ છે. અને એના જોખમો-એ ઘ્યાન ના રાખો તો દઝાડી શકે. કશીક ચીજ સળગાવી શકે. હવે જાતે આગ સાથે કામ પાડતા શીખો ! કશીક ગંભીર ગફલત થાય કે અકસ્માત સર્જાય તો જ પ્લેવર્કર્સ દખલઅંદાજી કરે – જે ખાસ નોંધાઈ નથી હજુ સુધીમાં !
બ્રિટનમાં ૧૯૭૧માં ત્રીજા ધોરણમાં ભણતા ૮૦% બાળકો એકલા સ્કૂલે જતાં-આવતાં. ૧૯૯૦માં એ રેશિયો ફક્ત ૯% થઇ ગયો ! જેમ બહુ બધી જાગૃતિ આવતી ગઈ, એમ મા-બાપ બાળકો માટે ઓવરપ્રોટેકટિવ બનતા ગયા. વેસ્ટર્ન વર્લ્ડમાં મોટા થયા પછી ઘણી બધી આઝાદી છે, પણ નાના છોકરાં અમુક આપણે ત્યાં હજુ ઘણા વિસ્તારમાં સહજ ગણાય એમ શેરીમાં ઘરનાને ખબર પણ ના હોય એમ રમી શકતા હોય એવી સ્વતંત્રતા નથી. એક અમેરિકન શિક્ષિકા હાના રોઝિને પોતાના બ્લોગમાં એવું લખ્યું કે વર્ષો સુધી મેં ભણાવ્યું એમાં વધુ સુખી અને સફળ જિંદગી એ વિદ્યાર્થીઓ જીવી રહ્યા છે, જેમણે નિષ્ફળતાઓ સ્વીકારી અને પચાવી. જેમને પોતાની ગરબડો માટે જવાબદાર ઠેરવાયા અને ભૂલો સુધારવાની ચેલેન્જ જેમની સામે આવી !
એટલે જ જો ફ્રોસ્ટ નામના અમેરિકામાં વધુ પડતા સેફટી સ્ટાન્ડર્ડથી રમતની મજા વીંખી નાખતી ચુસ્ત ગાઈડલાઈન્સ સામે આંદોલન ચલાવનાર નિષ્ણાત કહે છે કે માપસરનાં જોખમનો સામનો કરતા શીખવું એ પણ બાળવિકાસની અગત્યની ચાવી છે ! રમતમાં થોડુંક સરપ્રાઈઝ હોય તો ફન આવે. બહુ બધી સાયન્ટિફિક સેફટી સારી નહિ ! સાચી વાત છે. બહુ સરળ સલામત કરી દેવાથી રમવાનું બોરિંગ થઇ જાય. માનવમન તો વિડીયો ગેમમાં પણ નવું ટફ લેવલ ઝંખતું હોય છે. બાળકને કદી કોઈ ઈજા જ ના થાય એવા આગ્રહોથી તો એ બાફેલા બટાકા જેવું નરમઘેંશ બને. જિંદગી તો મોટા થયા પછી શારીરિક જ નહિ, આથક, માનસિક, સામાજિક દરેક પ્રકારનાં જખ્મો આપવાની જ છે ! એની તૈયારીનો કોર્સ કોણ ભણાવશે ?
નોર્વેમાં એક રિસર્ચર-પ્રોફેસર યુવાન માતા છે- એલન સેન્ડસ્ટર. એમણે વળી ઈવોલ્યુશનરી એન્ગલથી ૨૦૧૧માં એક રિસર્ચ પેપર લખ્યું છે. એમના મત મુજબ કુદરતે જ માનવઘડતરનાં ભાગ રૃપે જોખમોની તાલીમ મૂકી છે. સેન્ડસ્ટરનાં કહેવા મુજબ આવા ૬ નેચરલ રિસ્કની બચપણથી પ્રમાણસર આદત પડવી જોઈએ. એક, ઊંચાઈનો ડર ઘર કરી જાય તો મોટા થયા પછી કાયમી બને છે. બે, છરી-કાતર-હથોડી જેવા ડેન્જરસ ટૂલ્સ સાથે કામ પાડવું. ત્રણ, આગ કે પાણીનો સામનો કરવાનો ડર ( માટે એની બાજુમાં પણ રમવાના અનુભવ લેવા જોઈએ).ચાર, રફટફ રમત થવાનો ડર ( જે દુર કરવા કુસ્તી કે બોક્સિંગ જેવી- ફાઈટના અનુભવે આક્રમકતા અને શરીરના અંગોનું ચુસ્ત કો-ઓર્ડીનેશન આવે), પાંચ, સ્પીડનો ડર જે મોટા થયા પછી વાહન ચલાવવામાં અવરોધક બને. અને છ, ખુદને એકલા ફેસ કરવાનો – જાત સાથે કોઈની મદદ વિના સંવાદ કરી નિર્ણય લેવા બાબતનો ડર!
આ છેલ્લી વાત બહુ ચર્ચાતી નથી, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી નક્કર પોલાદી દિમાગ અને અને પોતાના નિર્ણયોથી મળતા પરિણામોની જવાબદારીનું ભાન કેળવાય છે. બાળક માટે એકલા રહેવું એ થ્રિલિંગ એક્સપિરીયન્સ છે. ( ને મા-બાપ માટે એને એકલા છોડવું કિલિંગ એક્સપિરીયન્સ છે !) એક્ચ્યુઅલી, ચિલ્ડ્રન રિસ્ક સાથે રમીને સર્વાઈવ થવાના ઇન્સ્ટિન્કટ સાથે જ પેદા થતા હોય છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની ઉત્ક્રાંતિ માટે એ જરૃરી છે. માતા-પિતાની કાળજીભરી નજરોથી દૂર રહીને ક્યારેક ”ખોવાઈ” જવાનું અનુભવે, તો પોતાની અંદર ધરબાયેલી કેટલીક લાગણીઓની સાથે અનુભવથી કામ પાર પડતા શીખે.
અખબાર-ટીવીમાં હંમેશા બાળકના જાતીય શોષણ કે અજાણ્યા દ્વારા અપહરણના ચકચારી સમાચારો વાંચી જગતભરમાં ઘણા માતા-પિતા ફફડી ઉઠતા હોય છે, અને પોતાના બચ્ચાંઓને વધુ વહાલથી સુરક્ષિત રાખવા પ્રતિબંધો અને સલાહોથી ગૂંગળાવી નાખે છે. આવા ખેદજનક બનાવો અપવાદ હોય છે, નિયમ નહિ. રમવામાં અક્સમાત પહેલા થતા અને આટલી ટેકનોલોજીકલ પ્રગતિ પછી આજે પણ થાય તો છે. બધા જ અજાણ્યાઓ સાથે વાત કરવામાં સાવધ રહેતું બાળક જતે દહાડે કરિઅરમાં ઢીલુંઢફ ઇન્ટ્રોવર્ટ ( અંતર્મુખી) થઇ શકે. એને જાણીતાની કંપની સિવાય વાત કરવાની કદી કમ્ફર્ટ જ ના આવે. એમને પોતાના સ્વજનો જ બધું કન્ટ્રોલ કરે કે ઓર્ગેનાઈઝ કરે એની આદત થઇ જાય. ખરેખર તો, બાળકો સ્કૂલેથી એકબીજાની કંપનીમાં એકલા ચાલીને  (મરઘાં-બતકાંની જેમ વાહનમાં પૂરાઇને નહિ !)  આવે એની યે એક લિજ્જત હોય છે. અને તાલીમ પણ – દોસ્તો બનાવવાથી કૂતુહલ સુધીની ! હા, અપમૃત્યુ કે અપહરણના બનાવો બને છે – પણ એ વ્યક્તિગત વેદના છે, કોઈ રાષ્ટ્રીય રોગચાળો નથી !
આપણા મોટા ભાગના પેરન્ટસની એક કોમન કમ્પ્લેઇન હોય છે ઃ બચ્ચાંલોગ જલ્દી મેચ્યોર થાય છે. એનું એક કારણ એ પણ છે કે એમને મોટા થવાની બહુ જગ્યા મળતી નથી – એટલે મીડિયા અને મોબાઈલના રમકડાંથી રમતાં રમતાં એ મોટેરા/એડલ્ટસની નકલ કરવા લાગે છે. ( ડાન્સ શોમાં કમર ઉલાળતા ટાબરિયાંઓ આવા જ હોય છે ) ધીરે-ધીરે તબક્કાવાર મોટા થતા બાળકો રસ્તો પાર કરતા, વસ્તુઓ ખરીદતાં, કામ જાતે કરતાં શીખે છે. ઈન્ડીપેન્ડન્સ એન્ડ કોન્ફિડન્સ બિલ્ટ અપ થાય છે. આજે આ બધા સ્ટેપ્સ સ્કિપ થઇ જાય છે.
ન્યુઝીલેન્ડથી બોસ્ટન સુધીના ભૂગોળનાં સામસામા છેડે પણ એ પુરવાર થાય છે જ કે વધુ પડતા સ્વકેન્દ્રી, હતાશાથી પીડાતા કે બીજા પ્રત્યે અનુકંપા ના રાખનારા આજના ઘણા નાગરિકોના મુળિયા એમના બચપણમાં છે, જે પ્રેમ અને જોખમથી બરાબર સંતુલિત નાં હોય તો પરિપક્વ થતાં અટકી ગયેલા બાળકો જ પુખ્ત શરીરમાં રહે છે. એ એક્સપ્રેશન કે પેશનથી ભયભીત કન્ફયુઝ્ડ અને કલ્પનાશક્તિ કે મજાકમસ્તી વિનાના થાકેલા ઇન્સાનો ( ટૂંકમાં, ફેસબુક પરના મોટાભાગના આપણા ગુજરાતીઓ જેવા ! હીહીહી ) બને છે.
પરફેક્ટ ચિલ્ડ્રન હોતા નથી, પરફેક્ટ એન્વાયર્નમેન્ટ બનાવવાના પ્રયાસ થઇ શકે. ગ્રેવર તુલી અને જુલી સ્પિગ્લર નામના લેખકોએ તો અમેરિકામાં બૂક લખી છે ઃ ફિફ્ટી ડેન્જરસ થિંગ્સ યુ શૂડ લેટ યોર ચિલ્ડ્રન ડુ ! જેમ કે તંગ દોરડાં પર ચાલવું કે રેલ્વે ટ્રેક પર સિક્કો મૂકી એને ચપટો બનાવવાની મજા લેવી કે ઝાડ પર હીંચકા ખાવા કે તૂટેલા કાચ સાથે રમવું ! એટલીસ્ટ, એમાં ખંત અને મુકાબલાની આદત તો પડે જ, પણ શારીરિક શ્રમ મોબાઈલ-કોમ્યુટર-ટીવીને ચોંટેલી પેઢીમાં વધે !
પણ એથી યે વધુ અફ્લાતૂન લેખ આ વાતોના સમર્થનમાં કેરી કુબુઝિયાન કામ્પાકીઝ નામની અમેરિકન પત્રકારે લખ્યો છે ! દેશ-કપડાં-ભાષા બધું જ ફરી જાય તો ય માતૃત્વની ફિકર અને નવી પેઢીનો ઉછેર ફરતો નથી – એના પુરાવા સમો લેખ છે, સંતાનને બહુ બધા લાડ લડાવતા પેરન્ટસ કઈ દસ ભૂલો કરે છે એનો. એકદમ સચોટ સ્પષ્ટ સત્ય છે – લિસ્ટ આંખ માંડીને વાંચો !
***
દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે એમના સંતાનોનાં જીવનમાં કશું ખરાબ, અણગમતું થાય જ નહિ, એ કદી નિષ્ફળ જાય જ નહિ. પણ આ માત્ર ફેન્ટેસી છે, ફેક્ટ નથી. આપણે બધા જાણીએ છીએ કે જીંદગીમાં થોડા આંસુ, થોડી તકલીફ, થોડું ટેન્શન, થોડી હાર દરેકના ભાગે આવે જ છે. આવી મુશ્કેલીઓના મુકાબલાનો એક માત્ર માર્ગ છે, એને સ્વીકારી-સમજીને એનો મક્કમ સામનો કરવો. એમાંથી રસ્તો શોધવા પ્રયાસ કરવો.
પણ સંતાનોને પ્રેમ કરતા પેરન્ટસ સંતાનોના જીવનપથ પર કોઈ વિધ્ન ના આવે, એ માટે પ્રયાસો કરતા રહે છે. બચપણમાં તો બધા બચ્ચાં ક્યુટ લાગતા હોય છે. હેપી પણ હોય છે. પણ મોટા થયા પછી એના ટ્રબલ કે પ્રોબ્લેમ શરુ થાય છે. ઘણા યંગસ્ટર્સ કોઈ કારણ વિના કંટાળો અનુભવતા હોય છે. ડિપ્રેશનમાં સરી જાય છે, સંજોગોના પડકારોથી ગભરાય છે. એમાંના ઘણાંખરાનું બચપણ જાદુઈ હોય છે. પેરન્ટસનાં એકદમ ફ્રેન્ડલી કેરિંગમાં વીતેલું હોય છે. અને એ જ ગરબડ છે. બચપણમાં સંતાનને કોઈ પણ પ્રકારનું દુઃખ જોઈએ જ નહિ એવું માનતા મા-બાપ મોટા થયા પછી એવા સંતાનને સુખ જ નહિ મળે- એ ભૂલી જાય છે. એવું નહિ કે સંતાનો પર મુસીબતોના પહાડ ખડકી દેવા, કે એમને સતાવવા. પણ જરાક અગવડ, ઉચાટ, નિરાશા-નિષ્ફળતાનો એમને અનુભવ થવો જોઈએ. બધું આપણું ધાર્યું કે મનગમતું ના થાય એ જીરવવાની પ્રેક્ટિસ પડવી જોઈએ. લાઈફ પ્લેઝર છે નહિ, પણ એમાં પ્લેઝર શોધવાનો છે, અને એ શોધવા જતાં પેઈન સહન કરવાનું છે – એ વાસ્તવિકતા છે.
તો આટલું સમજાય તો એટલું પણ સમજાય કે બાળઉછેરમાં પેરન્ટસ કઈ બાબતમાં ગોથું ખાઈ ભૂલો કરે છે.
(૧) સંતાનોની ભક્તિ કરવા જેટલા લાડ કરવા ઃ ઘણી વખત આપણા ઘર અને મહોલ્લાનું વાતાવરણ જ આપણે બાળકેન્દ્રી બનાવી દેતા હોઈએ છીએ. એમની ખુશીમાં આપણી ખુશી જોઈ બધું એમનું મનપસંદ જ કરતા હોઈએ છીએ. કારણ કે એમાં આપણને ય ખુશી મળે, અને એમને તો બાદશાહી ટ્રીટમેન્ટ મળે, એ ગમવાની જ. પરંતુ પ્રેમ કરવો એનો અર્થ એ નથી કે એમને ભગવાન માની એમની આરાધના કરવી, સકળ સૃષ્ટિમાં એનાથી વધુ કશું છે જ નહિ એમ માનવું ! એમનામાં પોતાનું જ મહત્વ વધે એવા સ્વાર્થને બદલે ખુદનું મહત્વ ઘટાડી બીજા મુજબ જીવવાની સરળતા કેળવાય એ જરૃરી છે.
(૨) પોતાના બાળકોને પરફેક્ટ-શ્રેષ્ઠ માનવા ઃ ઘણા શિક્ષકોની એ સાચી ફરિયાદ છે કે, મા-બાપ પોતાના બાળકો વિષે સાચી ફરિયાદો પણ સાંભળવા તૈયાર નથી હોતા ! પોતાના સંતાનોના નેગેટિવ પોઈન્ટ્સ જોવામાં બધા ધૃતરાષ્ટ્રનાં વારસદારો થઇ જાય છે. પછી પ્રોબ્લેમ ચાઈલ્ડ ડેવિલ એડલ્ટ બની સમાજને પરેશાન કરે છે. બાળક નાનું હોય ત્યારે જ જો એમની ખામી સુધારવા કોશિશ કરો તો આસાનીથી કડવાશ વિના એની અમુક ખામીઓ સુધરી જાય. એ માટે એ તરફ ઘ્યાન દોરનારને વિલનને બદલે ગાઈડ માનવા જોઈએ.
(૩) સંતાનોના માઘ્યમથી પોતે જીવવું ઃ ચંદ્રકાંત બક્ષી કહેતા કે ગુજરાતી પેરન્ટસ પોતાના સંતાનોની ૮૦% જિંદગી એમના વતી જીવી દેતા હોય છે ! આજે આ વ્યાપ વઘ્યો છે. ચિલ્ડ્રન પર મા-બાપને ગર્વ હોય છે, એ સફળ થાય તો પોતે સફળ થયા હોય એવો આનંદ આવે છે, જે નેચરલ છે. પણ એમની જીંદગીમાં ઇન્વોલ્વમેન્ટનું વધુ પડતું ઇન્વેસ્ટમેન્ટ એ ખોટનો સોદો છે. આપણે બાળકોને આપણા એક્સટેન્શન માનીએ પછી એમાં આપણી જિંદગીનો સેકન્ડ ચાન્સ શોધતા હોઈએ છીએ. પછી એમના જીવનની ચોઈસીઝ પર અજાણતા જ આપણો અધિકાર આવી જાય છે. એમની ખુશીઓ અને આપણી ખુશીઓ ( કે પસંદ ) હંમેશા સરખી નહિ હોય એ સ્વીકારવું જોઈએ !
(૪) બાળકના પ્યારા મિત્ર બનવાની વધુ પડતી ખેવના રાખવી ઃ પેરન્ટસનું અને ટીચર્સનું કામ જ છે, ક્યારેક સખ્તાઈથી કામ લેવું. બાળકો થોડો સમય એમને ધિક્કારે કે ગુસ્સો કરે તો એનાથી વિચલિત થયા વિના એમના હિત ખાતર બે સાચી વાત કહેવાનું કે કોઈ કડક પગલાંથી સચ્ચાઈ અને શિસ્ત શીખવાડવાની છે. એ લાંબા ગાળે એમના માટે તાલીમ છે.આપણે બાળકો આપણા વખાણ કરે કે આપણને પ્રેમ કરે એ ખાતર આપણે આપણું ઈમોશનલ એક્સપ્લોઈટેશન પણ થવા દઈએ. એમાં એમની ‘લાઈક’ ગુમાવી દેવાની બીકે અમુક મા-બાપ પેસિવ થઇ જાય છે. પોતાની વાત કે ચોઈસ છુપાવી, શરણે થાય છે મિત્ર બનવા માટે. આ લવ નથી, એમની નજરમાં સારા દેખાવાની ભૂખ છે. સારા મા-બાપ દરેક વખતે સંતાનના આદર્શ મિત્ર ના જ બની શકે, એમણે ભૂલો બદલ એમને ટપારવા પડે, અને એમને બે કડવા વેણ કહેવા પણ પડે !
(૫) પેરન્ટિંગમાં હરીફાઈ કરવી ઃ જાણ્યે – અજાણ્યે મા-બાપ ત્રણ પ્રકારે સ્પર્ધાના રવાડે ચડે છે. કોમન એ છે કે બાળકો વચ્ચે સરખામણી કરીને એની બીજા સાથે સતત કમ્પેરિઝન કરીને એને છૂપાં દુશ્મન બનાવી દે છે. બીજું, બીજા પેરન્ટસ શું કરે છે, એ જોયા કરે છે. અને પોતાને એમના જેવા બનાવવા માટે અક્કલ વિનાની નકલ કર્યા કરે છે. ત્રીજું, અને સૌથી ખતરનાક ફેક્ટર, સંતાનો ખાતર ખુદ બીજા જોડે સ્પર્ધામાં ઝુકાવી દેવું એ છે. એને વકતૃત્વ સ્પર્ધાની સ્ક્રિપ્ટ રેડીમેઈડ અપાવો કે એને વધુ માર્ક્સ મળે એ માટે જાતે જ ચક્કર ચલાવો – આ બધું એના જ ભવિષ્ય માટે નુકસાનકારક છે. કશુંક જોઈતું હોય તો સંઘર્ષ કરી જાતે પરસેવો પાડવો પડે, અને એમાં કોઈ જેન્યુઈનલી આપણાથી વધુ સારા હોય જેના હાથે પરાજય વેઠવો પડે – આ બધું એમના વતી તમે જ સ્પર્ધામાં ઉતરી જાઓ તો એમને સમજાવાનું નથી. એ પાછળ ન પડી જાય એ માટે આપણે પાગલ થવાનો શોર્ટકટ શોર્ટસરકિટ નીવડે તેવો છે. સંતાનો ખાતર બીજા સાથે કારણ વગરના ઝગડા કે ઉપાધિ વહોરી લેવાથી બચવા જેવું છે.
(૬) શૈશવનું વિસ્મય ચૂકી જવું ઃ નાના બાળકો હોય એટલે ઘરમાં રોજ વાવાઝોડું આવે. ઢીંગલી બાથરૃમની ડોલમાં હોય, કે ચોકલેટ્સ પથારીમાં હોય ને ડીવીડી પર પેનના લીટા હોય ! ક્યારેક યુવા પેરન્ટસ એનાથી થાકે , કંટાળી જાય અને ગુસ્સો બાળકોને ધોકાવી એમના પર ઉતારે ! (અમુક શેતાનો તો રેસ્ટોરાંમાં પોતાનાથી ન સચવાતા સાવ નાના ભૂલકાંને રીતસર ખુદ શાંતિથી ખાઈ શકે એ માટે ધમારતા હોય એ નજરે જોયું છે !) પણ આ દિવસો ય માણવા જેવા હોય છે. ભવિષ્યમાં એ કેવા થશે ? એમના શોખ કે શ્રઘ્ધા કેવી હશે ? એમની શક્તિઓ એમને સાચી દિશામાં દોરે એટલા સમજદાર થશે ? આવી મીઠી મૂંઝવણ દરેક માતાપિતા અનુભવતા હોય છે.  અને એમને તેન્ડુલકર કે હની સિંઘ બનાવવાના અભરખામાં એમનું ખટમીઠું બચપણ એમની સાથે જીવવાનું ભૂલી જ જાય છે ! બાળકો નાના હોય ત્યારે એમની સાથે બહુ જ મજા પડે. એમને ઝટપટ મોટા કે મહાન બનાવી દેવાની ઉતાવળમાં દબાણ કરીને એ ગુમાવવી એટલે ભગવાનને કચરાટોપલીમાં ફેંકવા ! એમની સાથે મસ્તી કરવાની ઉંમરે એમની માસૂમિયત માણવાની હોય, એમને સફળતા માટે દોડાવવાના ના હોય. બચપણ મુક્ત રમત અને નવું નવું શીખવા-શોધવાના વિસ્મય માટે છે – એ ફરી એમને કે તમને જડવાનું નથી. એને સપનાઓના તાપમાં બાળી ન નખાય.
(૭) આપણને મળ્યું છે તે નહિ, આપણે ઇચ્છીએ છીએ તે બાળક ઉછેરવું ઃ પ્રેગ્નન્ટ હોય ત્યારેથી સંતાન કયા ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થશે એનો નકશો બનાવનારા પેરન્ટસનો આ જમાનો છે. અંદરખાનેથી એ પોતાનાથી વધુ મહાન પ્રતિભાવાન નીવડશે એવી લાલચોની ફેક્ટરી ધમધમે છે. એમના મેન્ટોર થઇ એમને બહુ બધું પાંડિત્ય ભણાવી દેવાની ખુજલી આવે છે. આપણું કામ આપણે નક્કી કરેલું બીબું બાળક પર પરાણે ડાબી દઈ એને રૃંધી નાખવાનું નથી. એમનામાં જે છુપાયેલું છે, એ સમજી એને સાચો રાહ મળે એ માટે સપોર્ટ કરવાનું છે. ફોર્સથી એમના પર આપણી અપેક્ષાના માસ્ક ચડાવવાથી એ દેવતા નહિ, દાનવ દેખાશે !
(૮) આપણી વાણી કરતાં વર્તન વધુ અસરકારક છે તે ભૂલવું ઃ સંતાનોને મોટી લાઈફ ફિલોસોફીઓનું ભાષણ આપનાર માતા-પિતા એ ભૂલી જાય છે કે એમના વર્ડ્સ કરતાં એમના એક્શન થાકી બાળક વધુ ગ્રહણ કરે છે. એમને ડહાપણના સીરપ પીવડાવવા કરતાં તમારામાં પારદર્શકતા રાખો. તમે લોકો અંદરોઅંદર ઝગડો, જૂઠું બોલો, નાની વાતમાં ગુસ્સો કે ખટપટ કરો, અજાણ્યા કે નબળા કે દોસ્તો સાથે જે વ્યવહાર કરો, રિજેકશન પર જે રિસ્પોન્સ આપો કે ભય અનુભવો એ બધું જ નોંધાતું હોય છે સંતાનોના સીસીટીવીમાં ! બાળકો વન્ડરફુલ બને એવું ઈચ્છો તો પહેલા ખુદ વન્ડરફુલ જીવન જીવી એમના માટે ઘરમાં જ ઉદાહરણ પૂરું પાડો !
(૯) બીજા બાળકો અને માતા-પિતા પર જજમેન્ટ લેવું ઃ કોઈની સાથે સહમત ન હો, એટલે એની પર્સનલ લાઈફના ન્યાયાધીશ બની જવાતું નથી. સમાજમાં બધા તત્વો સાથે જીવવાના. પાપી શેતાનો પણ અને ખુદાઈ ફિરસ્તાઓ પણ. આપણે ભૂલો કરીએ અને કોઈ બીજા ય કરતા હોય. આપણે ય બીજાની જરૃરિયાત પડે. દરેકને પોતાના કોઈ એવા સંજોગો પણ હોય જે આપણે જાણતા ના હોઈએ. આપણા બાળકોને કે પોતાને સારા ઠેરવી દેવા માટે વિવેચન કરી બીજા બાળકો કે મા-બાપને ખરાબ ચીતરી દેવા ફરજીયાત નથી.
(૧૦) ચારિત્ર્યઘડતર પર ઘ્યાન ના આપવું ઃ ચારિત્ર્ય એટલે માત્ર બ્રહ્મચર્ય નહિ. કેરેક્ટર એટલે ઇનર ફાઈબર. વફાદારી કે નૈતિકતાના ગુણ. સારી આદતો, બીજાની ક્વોલિટીને માન આપવાની ખેલદિલી, કોઈને ના નડવાનો વિવેક, પ્રમાણિક કાળજી કે હુંફાળી લાગણી ! શો કેસમાં કોઈ ટ્રોફી કે એવોર્ડ કરતાં પહેલા આ બાળકોના દિલમાં આવે એ જરૃરી છે. એમને માર્ક ઓછા આવે કે એમની સ્ટાઈલ બ્રાન્ડેડ ભલે ના હોય, એ ફ્રેન્ડસને ઉદારતાથી ટ્રીટ કરે કે પોતાની જાત વિષે વિચારે એ ય એક કસોટી છે. એમનામાં આત્મવિશ્વાસ અને નક્કરતા આવે એ ય અનિવાર્ય છે. બાળકોને પડતા જોવા કોઈ પેરન્ટને ગમે નહિ, પણ ક્યારેક એમાં વચ્ચે પડવું એમના હિતમાં ના હોય એમ પણ બને !
પ્રિય મમ્મી-પપ્પાઓ, દસ ભૂલ ના કરો તો બાળક માટે ભાવિ સ્મિત જરૃર કબૂલ કરશો !

ઝિંગ થિંગ
તમે તમારા બાળક માટે શું કર્યું તે નહિ, પણ એમને એમની જાત માટે શું કરતાં શીખવાડયું – એ એમને વધુ બેહતર અને સફળ ઇન્સાન બનાવશે !’ (એન લેન્ડર્સ )

Advertisements

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: